ટીમ ઈન્ડિયાથી બે વર્ષ બહાર રહ્યા બાદ ધુરંધરનો સંન્યાસ: અંતિમ મેચમાં દર્દ છલકાયું- કદાચ હું કાબેલ જ નહોતો...
Wriddhiman Saha took retirement from cricket : ભારતનો પૂર્વ વિકેટકીપર અને બેટર રિદ્ધિમાન સાહાએ ક્રિકેટને અલવિદા કહી દીધું છે. તેણે પંજાબ અને બંગાળ વચ્ચે રમાયેલી રણજી ટ્રોફીમાં પોતાની કારકિર્દીની છેલ્લી મેચ રમી હતી. 40 વર્ષીય સાહા બંગાળ તરફથી રહી રહ્યો હતો. તેને ત્રણ વર્ષ પહેલા 2022માં ભારતીય ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. એ સમયે રિદ્ધિમાન સાહાની જગ્યાએ કેએસ ભરતને તક આપવામાં આવી હતી. હવે આં અંગે સાહાએ જણાવ્યું છે કે, 'મને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો એ મારા માટે અન્યાય ન હતો પરંતુ ટીમના સારા મારે આવું કરવામાં આવ્યું હશે.'
ટીમથી બહાર કરાયો હતો સાહાને
સાહા ભારત માટે છેલ્લે વર્ષ 2021માં રમ્યો હતો. વર્ષ 2022ના અંતમાં જ્યારે રિષભ પંત ઘાયલ થયો ત્યારે પણ તેને ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો ન હતો અને તેની જગ્યાએ ટીમ મેનેજમેન્ટે નવા ચહેરાઓને તક આપી. જ્યારે વર્ષ 2022માં શ્રીલંકા સામેની ઘરઆંગણેની સીરિઝ દરમિયાન સાહાની પસંદગી કરવામાં આવી ન હતી ત્યારે તેણે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. તેણે દ્રવિડ અને તત્કાલીન મુખ્ય પસંદગીકાર ચેતન શર્મા સાથેની વાતચીત જાહેર કરી હતી.
શું કહ્યું રિદ્ધિમાન સાહાએ?
હવે ભારતીય ટીમમાંથી કરવા અંગે સાહાએ કહ્યું કે, 'હું આને અન્યાય નહીં કહું. આવું કહેવું સ્વાર્થી ગણાશે. થઇ શકે છે કે તે ફક્ત એક વ્યક્તિનો નિર્ણય ન હોય. કદાચ હું જ યોગ્ય નહોતો અથવા અપેક્ષા મુજબ પ્રદર્શન કરી શક્યો ન હતો તેથી તેમણે પોતાની રીતે નિર્ણય લીધો હશે. જો હું વધુ સારી રીતે રમ્યો હોત તો આ બન્યું ન હોત. હું આ વિશે વધુ વાત કરવા માંગતો નથી. જે કંઈ બન્યું તેમાં હું પોઝીટીવિટી શોધું છું.'
નહિતર મેં ક્યારની નિવૃત્તિ લઇ લીધી હોત
વર્ષ 2024માં સાહાએ સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી હતી. જેને લઈને તેણે કહ્યું હતું કે, 'મેં આ પહેલાની સિઝનમાં જ સંન્યાસ લેવાનું વિચારી લીધું હતું. પરંતુ માત્ર દાદા (સૌરવ ગાંગુલી) અને મારી પત્ની રોમીને લીધે આ સિઝન સુધી રમ્યો હતો. નહિતર મેં ક્યારની નિવૃત્તિ લઇ લીધી હોત.'
રિદ્ધિમાન સાહાની ક્રિકેટ કારકિર્દી
ભારત માટે સાહાએ 40 ટેસ્ટ અને 9 વનડે મેચ રમી હતી. ટેસ્ટમાં પોતાની પહેલી મેચ ફેબ્રુઆરી 2010માં દક્ષિણ આફ્રિકા સામે રમી હતી. જયરે તેણે પોતાની છેલ્લી મેચ ન્યુઝીલેન્ડ સામે ડિસેમ્બર 2021માં રમી હતી. સાહાએ ટેસ્ટમાં ત્રણ સદી ફટકારી હતી.