દિગ્ગજ ક્રિકેટરે જીવન ટૂંકાવ્યું : મોતના સાત દિવસ બાદ પત્નીનો ખુલાસો, ડિપ્રેશનથી હતો પરેશાન
Graham Thorpe: ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર ગ્રેહામ થોર્પના મૃત્યુ પર તેની પત્નીએ એક મોટો ખુલાસો કર્યો છે. 5 ઓગસ્ટના રોજ થોર્પનું 55 વર્ષની વયે અવસાન થયું હતું, પરંતુ હવે તેની પત્ની અમાન્ડાએ ખુલાસો કર્યો છે કે થોર્પ ખરાબ સ્વાસ્થ્યને કારણે ડિપ્રેશન અને ચિંતાથી પીડાતો હતો જેના કારણે તેનું મૃત્યુ થયું હતું. ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) દ્વારા તેમના મૃત્યુની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ મૃત્યુનું કારણ આપવામાં આવ્યું ન હતું. હવે તેની પત્નીએ એક ઈન્ટરવ્યુમાં આ અંગે ખુલાસો કર્યો છે કે તેના મૃત્યુ પહેલા તેણે પોતાની જાત સાથે લાંબી માનસિક અને શારીરિક લડાઈ લડી હતી.
આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
થોર્પની યાદમાં ગયા શનિવારે ફર્નહામ ક્રિકેટ ક્લબ અને ચિપસ્ટેડ ક્રિકેટ ક્લબ વચ્ચેની મેચની શરૂઆત પહેલાં એક સમારોહ યોજાયો હતો, જેમાં તેની પત્ની અમાન્ડા અને પુત્રીઓ કિટ્ટી(22) અને એમ્મા(19) હાજર રહી હતી. અમાન્ડાએ કહ્યું કે, 'ગ્રેહામ છેલ્લા કેટલાક સમયથી ડિપ્રેશન અને ચિંતાથી પીડાઈ રહ્યો હતો. તેણે મે, 2022 માં આત્મહત્યા કરવાનો પ્રયાસ પણ કર્યો હતો, જેના કારણે તેણે ઘણાં દિવસો આઈસીયુમાં પસાર કરવા પડ્યા હતા.'
13 વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દી
થોર્પે ઈંગ્લેન્ડ માટે વર્ષ 1993 થી વર્ષ 2005 વચ્ચે 100 ટેસ્ટ મેચ રમી હતી. આ સાથે તે ઈંગ્લેન્ડની સિનિયર મેન્સ ટીમનો બેટિંગ કોચ પણ રહી ચૂક્યો છે. તે વર્ષ 2022થી ગંભીર રીતે બીમાર થઇ ગયો હતો. તેને અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. જોકે તે તેનો કાર્યકાળ પૂરો કરી શક્યો ન હતો. થોર્પે વર્ષો સુધી ઈંગ્લેન્ડ ક્રિકેટની સેવા કરી હતી. વિશ્વભરના ચાહકો તેને સન્માનની નજરે જોતા હતા. 13 વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં થોર્પે તેની ક્લબ સરે માટે ઘણી મહત્ત્વપૂર્ણ મેચો જીતી હતી. તેણે સરે માટે કાઉન્ટી ક્રિકેટ રમી હતી અને લગભગ 20,000 રન બનાવ્યા હતા.