'ઈંગ્લેન્ડની હારના 2 મોટા કારણો', પૂર્વ કેપ્ટન નાસિર હુસેને કર્યા ટીમ ઈન્ડિયાના ભરપૂર વખાણ
ભારતે ઇંગ્લેન્ડને ચોથી ટેસ્ટ મેચમાં 5 વિકેટે હરાવ્યું
ટેસ્ટ સીરિઝમાં ભારત પાસે 3-1ની અજેય લીડ
Image:File Photo |
Nasser Hussain Hails Team India : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેદ રમાયેલી ચોથી ટેસ્ટ મેચમાં ભારતે અંગ્રેજોને 5 વિકેટથી હરાવીને સીરિઝમાં 3-1ની અજેય લીડ મેળવી લીધી છે. આ જીત બાદ ભારતીય ટીમની દુનિયાભરમાં પ્રશંસા થઇ રહી છે. ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન નાસિર હુસૈને પણ ભારતીય ટીમના વખાણ કર્યા હતા અને ઈંગ્લેન્ડની હારના બે સૌથી મોટા કારણો વિશે પણ જણાવ્યું હતું.
નાસિર હુસૈને હારના જણાવ્યા કારણ
નાસિર હુસૈને કહ્યું કે, “ભારતીય ટીમ જીત પછી જે પણ શ્રેય મેળવી રહી છે તેની હકદાર છે. મને લાગે છે કે તમારે ભારતને ક્રેડિટ આપવી પડશે. આ ટીમમાં માત્ર ક્ષમતા જ નથી પરંતુ માનસિક શક્તિ પણ છે. ઘણા મુખ્ય ખેલાડીઓની ગેરહાજરી છતાં યજમાન ટીમે જે રીતે વધુ એક સીરિઝ જીતી છે, તે અને તેમનો રેકોર્ડ ખૂબ જ પ્રભાવશાળી છે.”
ભારતીય ટીમ સામે હારવામાં કોઈ શરમ નથી - નાસિર હુસૈન
ઇંગ્લેન્ડ ટીમના પૂર્વ કેપ્ટને કહ્યું કે, “ઈંગ્લેન્ડે આ હારથી નિરાશ ન થવું જોઈએ અને તેની શ્રેષ્ઠ રમત રમવા પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આ ભારતીય ટીમ સામે હારવામાં કોઈ શરમ નથી, પરંતુ અન્ય કોઈપણ સીરિઝ અથવા ટેસ્ટની જેમ તમારે તે ક્ષેત્રોને ઓળખવા પડશે જ્યાં મેચ તમારા હાથથી નીકળી ગઈ.”
“પિચ પર ટકી રહેવું છે કે અટેક કરવો”
નાસિર હુસૈને હારનું કારણ જણાવતા કહ્યું કે, “મેચના ત્રીજા દિવસે જે લીડ 100 રનની થઈ શકતી હતી તે ઘટીને 46 રન થઈ ગઈ હતી અને ત્રીજી ઇનિંગમાં તમને એ પણ ખબર ન પડી કે તમારે પિચ પર ટકીને રહેવું છે કે અટેક કરવો છે. ઈંગ્લેન્ડે 26 ઓવરની બેટિંગ કરી અને 35 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી. આ ઓવર દીઠ એક રન કરતા થોડો વધારે હતો. આ તે બતાવવા માટે પૂરતું છે કે તેઓને ખબર ન હતી કે પિચ પર ટકીને રહેવું છે કે અટેક કરવો છે.”