વિરાટ કોહલી પર પૂર્વ ક્રિકેટરનો કટાક્ષ, કહ્યું- BCCIએ ઉત્તરાધિકારી શોધી લેવો જોઈએ
Image: Facebook
Atul Wassan On Virat Kohlis Form: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારતીય ક્રિકેટ ટીમ 5 ટેસ્ટ મેચની સીરિઝમાં 1-2થી પાછળ થઈ ગઈ છે. મેલબોર્નમાં કાંગારુ ટીમે 184 રનથી જીત મેળવી. હવે સિડનીમાં સીરિઝની અંતિમ મેચ 3 જાન્યુઆરીએ શરૂ થશે. આ મેચને જીતીને ભારત સીરિઝને બરાબરી પર સમાપ્ત કરી શકે છે. મેલબોર્નમાં હાર બાદ ભારતના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી ટીકાકારોના નિશાના પર છે. પર્થ ટેસ્ટની બીજી ઈનિંગમાં સદી લગાવ્યા સિવાય તે સીરિઝમાં સંપૂર્ણ રીતે નિષ્ફળ રહ્યો છે.
વિરાટ પર ઉઠી રહ્યાં છે સવાલ
ભારતના પૂર્વ ઝડપી બોલર અતુલ વાસનનું માનવું છે કે 'કોઈ જાણતું નથી કે વિરાટ કોહલીના મગજમાં શું ચાલી રહ્યું છે. 36 વર્ષીય કોહલી ટેસ્ટ મેચમાં સંઘર્ષ કરી રહ્યો છે. તે સાતમી-આઠમી સ્ટમ્પ લાઈન પર ફેંકવામાં આવેલા બોલનો પીછો કરતાં આઉટ થયો છે. મેલબોર્ન ટેસ્ટની બીજી ઈનિંગમાં વિરાટ કોહલી એક વખત ફરી મિચેલ સ્ટાર્કના બોલ પર કવર ડ્રાઈવ રમવાના પ્રયત્નમાં ઓફ સ્ટમ્પની બહારના બોલ પર આઉટ થઈ ગયો. કોહલીને અમુક ચાહકોએ સંન્યાસ વિશે વિચારવા માટે કહ્યું છે.'
વિરાટને ખબર છે શું થઈ રહ્યું છે
અતુલ વાસને કહ્યું કે 'વિરાટ કોહલીના કરિયર માટે એક સક્સેશન પ્લાન હોવો જોઈએ. કોહલી પોતે પણ જાણે છે કે તેનું ફોર્મ સારું ચાલી રહ્યું નથી. વિરાટને પણ ખબર છે કે શું થઈ રહ્યું છે. તે માનસિક રીતે ખૂબ મજબૂત છે. એક ખેલાડી હંમેશા વિચારે છે કે મારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હજું આવવાનું બાકી છે, પરંતુ આ લાંબો સમય થઈ ગયો છે અને આ ટીમને પ્રભાવિત કરી રહ્યું છે.'
સક્સેશન પ્લાન હોવો જોઈએ
વાસને આગળ કહ્યું, 'જ્યારે કોઈ ખેલાડી સતત ખરાબ પ્રદર્શન કરે છે તો તેની ઉપર દબાણ વધે છે. આ પ્રકારની સ્થિતિમાં એક સક્સેશન પ્લાન હોવો જોઈએ. આ મેનેજમેન્ટ, ટીમ અને ક્રિકેટ માળખા માટે પણ યોગ્ય નથી કે અમને ખબર જ ન હોય કે આગળ શું થશે. 2024માં કોહલીનું પ્રદર્શન ખૂબ ખરાબ રહ્યું છે. તેણે આ વર્ષે માત્ર એક સદી અને એક અડધી સદી જ લગાવી છે. તેની સરેરાશ પણ 24થી થોડી વધુ જ રહી છે.'