ગંભીરને વાત કરવાનું ભાન નથી, મીડિયાથી દૂર જ રાખો: ગુસ્સે ભરાયો પૂર્વ ક્રિકેટર
Sanjay Manjrekar Got Angry On Gautam Gambhir : આગામી સમયમાં ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા સામે પાંચ મેચની ટેસ્ટ સીરિઝ રમવાની છે. ઓસ્ટ્રેલિયા જતા પહેલા ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેણે અનેક સવાલોના જવાબ આપ્યા હતા. ગંભીરે કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીનું સમર્થન કર્યું હતું.
આ પૂર્વ ભારતીય ક્રિકેટર ગંભીરથી થયો નારાજ
તેણે કેએલ રાહુલની પણ ખૂબ પ્રશંસા કરી હતી. ગંભીરે કહ્યું કે એવા ઘણાં ઓછા ખેલાડીઓ હશે જે પહેલા કર્મથી લઈને છઠ્ઠા ક્રમ સુધી બેટિંગ કરી શકે. જો કે, હવે ગૌતમ ગંભીરની પ્રેસ કોન્ફરન્સને લઈને હોબાળો થયો છે. પૂર્વ ભારતીય ક્રિકેટર સંજય માંજરેકર ગંભીરથી નારાજ થઈ ગયા છે.
તેનું વર્તન યોગ્ય ન હતું
માંજરેકરે કહ્યું કે, 'ગંભીર વાતચીત કરી રહ્યો હતો ત્યારે તેનું વર્તન યોગ્ય ન હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં મુખ્ય પસંદગીકાર અજીત અગરકર અને કેપ્ટન રોહિત શર્માએ આવવું જોઈએ. મેં હમણાં જ ગંભીરને પ્રેસ કોન્ફરન્સમાં જોયો. બીસીસીઆઈ માટે એ સારું રહેશે કે તે તેને(ગંભીરને) આવા કામથી દૂર રાખે, અને પડદા પાછળ રહીને તેને કામ કરવા દે. તેની સાથે વાત કરતી વખતે ન તો તેનું વર્તન અને ન તો તેની વાત યોગ્ય હતી. મીડિયા સામે આવવા માટે રોહિત અને અગરકર વધુ સારા લોકો છે.'
સંજય માંજરેકરની ક્રિકેટ કારકિર્દી
ભારત માટે સંજય માંજરેકરે 37 ટેસ્ટ અને 74 વનડે મેચ રમી હતી. આ સમયગાળા દરમિયાન તેણે 4037 રન બનાવ્યા હતા. જેમાં 5 સદી અને 24 અડધી સદી સામેલ છે.