વડાપ્રધાન મોદીએ ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમમાં જવાની જરૂર નહોતી : કિર્તી આઝાદ
ભારત ફાઈનલમાં હારી ગયું તે પછી મોદી ખેલાડીઓને આશ્વાસન આપવા ડ્રેસિંગ રૂમમાં ગયા હતા
ખેલાડીઓ માટે ડ્રેસિંગ રૂમ મંદિરના ગર્ભગૃહ સમાન હોય છે : કિર્તી આઝાદ
Kirti Azad hits out at PM Modi for breaking ICC rules : 1983ની વર્લ્ડ કપ ટીમના 15 ખેલાડીઓની ટીમમાં જેનું સ્થાન હતું તેવા ભૂતપૂર્વ ઓલરાઉન્ડર કિતા આઝાદે અભિપ્રાય આપ્યો હતો કે વર્લ્ડ કપની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતનો પરાજય થયો તે પછી ભારે હતાશ ભારતીય ટીમના - ખેલાડીઓ અને કોચ દ્રવિડને આશ્વાસન આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેલાડીઓના ડ્રેસિંગ રૂમમાં ગયા હતા તેમ તેણે કરવા જેવું નહોતું. કિર્તિ આઝાદે ઉમેર્યું હતું કે ડ્રેસિંગ રૂમ (Dressing Room) તે ખેલાડીઓની તેમજ સપોર્ટ સ્ટાફની ખુબ જ અંગત જગ્યા હોય છે. મંદિરમાં જે સ્થાન ગર્ભગૃહનું હોય છે તેમ ખેલાડીઓ માટે ડ્રેસિંગ રૂમ હોય છે. આથી જ જેઓ ખેલાડી, કોચ કે સપોર્ટ સ્ટાફ હોય અને જેઓ પાસે આ એરિયામાં જવા માટેનો પાસ હોય તેઓ જ તેમાં પ્રવેશી શક્તા હોય છે.
ICCના નિયમ પ્રમાણે આ એરિયામાં જવાનો પ્રતિબંધ હોય છે
કિર્તિ આઝાદને મોદીના સૌજન્ય અને નમ્રતા સામે વાંધો નથી પણ તેમણે આશ્વાસન આપવા ડ્રેસિંગ રૂમ પસંદ કર્યું તે જરા અયોગ્ય લાગ્યું. કિર્તિ આઝાદના મતે મોદીએ ખેલાડીઓને અલાયદા રૂમ કે હોલમાં બોલાવવા જોઈતા હતા. આઈ.સી.સી.ના એન્ટી કરપ્શન કોડ પ્રમાણે ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ કે મેચ ઓફિસિયલ્સ પાસે “પ્લેયર્સ એન્ડ મેચ ઓફિસિયલ્સ એરિયાસ (પીએમઓએ) પાસ હોય છે. તેના સિવાય કોઈ એન્ટ્રી ન કરી શકે. ડ્રેસિંગ રૂમ ઉપરાંત ડગ આઉટ એરિયામાં પણ આવા પાસ વગરનું કોઈ જઈ શકતું નથી હોતું. આઈસીસીની 3.13મી કલમમાં જણાવાયું છે કે કોઈપણ વ્યક્તિ ગમે તે હોદો કે પ્રભાવ ધરાવતી હોય પણ તે આ માટેના પાસ વગર ડ્રેસિંગ રૂમમાં જાય તો કાયદાનું ઉલ્લંઘન મનાશે.
ક્રિકેટ ચાહકોના બહોળા વર્ગે મોદીની નમ્રતા અને સૌજન્યની પ્રસંશા કરી
જો કે ક્રિકેટ ચાહકોનો એક બહોળો વર્ગ સોશિયલ મીડિયા પર અને પરસ્પર વાતચીત દરમ્યાન પણ મોદીએ વડાપ્રધાન હોવા છતાં અસાધારણ નમ્રતા અને સૌજન્ય બતાવ્યું તેમ જણાવી તેની પ્રસંશા કરી છે. મોદી જેવી હસ્તી જ્યારે આશ્વાસન આપે તેનાથી મોટો દિલાસો અને હુંફ બીજી કઈ હોઈ શકે તેમ પણ ચાહકોએ પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે વડાપ્રધાન ડ્રેસિંગ રૂમમાં ગયા તે જ મોટી અને બિરદાવવા જેવી બાબત છે. ખેલાડીઓ તનાવમાં અને ગમગીન હતા ત્યારે જ તેઓને મળવું જરૂરી હતું જે મોદીએ કર્યું. ખેલાડીઓ પણ તે પછી ઘણી રાહત અનુભવી હોય. મોદીએ એકદમ મિત્ર બનીને હળવા ટોન સાથે એક એક ખેલાડી, કોચના નામ બોલાવી આશ્વાસન આપ્યું હતું.