કોહલી જ કરે ઓપનિંગ: ફાઇનલ મેચ અગાઉ ગાંગુલીએ રોહિત સેનાને આપ્યો જીતનો મંત્ર

Updated: Jun 29th, 2024


Google NewsGoogle News
Sourav Ganguly Advice Indian Team

Sourav Ganguly Advice Indian Team Before Final Match: ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ દક્ષિણ આફ્રિકા સામેની T20 વર્લ્ડકપની ફાઈનલ મેચ માટે ભારતીય ટીમને જીતનો મંત્ર આપ્યો છે. ગાંગુલીએ કહ્યું કે 'ભારતીય ટીમે ડર્યા વગર રમીને 11 વર્ષના આઈસીસી ટુર્નામેન્ટ ન જીતવાના દુષ્કાળને ખતમ કરવો પડશે. બાર્બાડોસના બ્રિજટાઉનમાં રમાનારી મેચમાં ભારતીય ટીમ જીતની દાવેદાર છે.

ભારતીય ક્રિકેટ બોર્ડના ભૂતપૂર્વ પ્રમુખ રહી ચુકેલા ગાંગુલીએ ખુલાસો કર્યો હતો કે, વિરાટ કોહલીએ કેપ્ટનશીપ છોડ્યા બાદ રોહિત આ જવાબદારી લેવા તૈયાર ન હતો. આગળ ગાંગુલીએ કહ્યું, 'રોહિત બે વર્લ્ડકપ ફાઈનલ રમી ચૂક્યો છે. આ વર્લ્ડકપમાં અત્યાર સુધીમાં ટીમ અજેય રહી છે. આ તેના નેતૃત્વના ગુણો દર્શાવે છે. મને તેની સફળતાથી આશ્ચર્ય નથી કારણ કે જ્યારે હું બીસીસીઆઈનો પ્રમુખ હતો ત્યારે તે કેપ્ટન બન્યો હતો. તે સમયે વિરાટ કોહલી કેપ્ટન બનવા માંગતો ન હતો'.

ભારતીય ક્રિકેટની પ્રગતિથી ખુશ ગાંગુલી

તેણે કહ્યું, 'તેને(રોહિત શર્મા) કેપ્ટનની જવાબદારી આપવા માટે મનાવવામાં ઘણો સમય લાગ્યો કારણ કે તે તૈયાર નહોતો. તેને કેપ્ટન બનાવવા અમારે  ખૂબ જ મહેનત કરવી પડી હતી. હવે તેમના નેતૃત્વમાં ભારતીય ક્રિકેટની પ્રગતિ જોઈને હું ખૂબ જ ખુશ છું. 

ગાંગુલીએ કહ્યું, 'રોહિતના નામે પાંચ આઈપીએલ ખિતાબ જીતવાનો રેકોર્ડ છે, જે એક મોટી ઉપલબ્ધિ છે. આઈપીએલ જીતવું ક્યારેક વધુ મુશ્કેલ હોય છે. કારણ કે તે ટ્રોફી જીતવા માટે તમારે 16-17 (12-13) મેચ જીતવી પડે છે. જયારે તમારે વર્લ્ડકપ જીતવા માટે આઠ-નવ મેચો જીતવી પડે છે. વર્લ્ડકપ જીતવાથી વધુ સન્માન મળે છે અને મને આશા છે કે રોહિત આવતીકાલે પણ આવું જ કરશે.

આ પણ વાંચો: T20 World cup Final IND vs SA: ફાઇનલ પહેલા ટેન્શન! રોહિત શર્મા કરતાં જબરદસ્ત રહ્યો છે દક્ષિણ આફ્રિકન કેપ્ટનનો આ રેકોર્ડ

વર્લ્ડકપ જીતવા માટે ભારતીય ટીમ સૌથી યોગ્ય

ગાંગુલીએ કહ્યું, 'મને નથી લાગતું કે રોહિત સાત મહિનામાં બે વર્લ્ડકપ ફાઈનલ મેચ હારી જશે. જો તે સાત મહિનામાં તેની કેપ્ટનશીપમાં બે ફાઈનલ હારી જાય તો તે સંભવતઃ બાર્બાડોસના સમુદ્રમાં કુદી જશે. તેણે ખુબ સારી કેપ્ટનશીપની સાથે શાનદાર બેટિંગ કરી છે. મને આશા છે કે આવતીકાલે પણ તે સારું પ્રદર્શન કરશે. અને ભારત ખિતાબ જીતીને વર્લ્ડકપનું અભિયાન પૂરું કરશે. ટીમે ડર્યા વિના રમવું જોઈએ.

ગાંગુલીએ કહ્યું કે, વર્લ્ડકપની ફાઇનલમાં પહેલીવાર પહોંચેલી દક્ષિણ આફ્રિકાની ટીમ માટે મોટી તક છે. તેણે કહ્યું, 'દક્ષિણ આફ્રિકા ક્રિકેટ માટે આ બહુ મોટી ક્ષણ છે. તમે એવી ટીમની કલ્પના કરો કે જે 1992માં ફરી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આવી અને તેને વર્લ્ડકપની ફાઈનલમાં પહોચવા માટે 32 વર્ષ લાગ્યા. આ બંને ટીમો માટે એક મોટી તક હશે. 

આ પણ વાંચો: ટી 20 વર્લ્ડકપ: ટીમ ઈન્ડિયાએ ટ્રોફી જીતવી હોય તો સુધારવી પડશે સેમિ ફાઈનલમાં કરેલી આ 3 ભૂલો

ઓપનીંગ કોહલીએ જ કરવું જોઈએ

તેણે કહ્યું, 'કોહલીએ મેચમાં ઓપનીંગ કરવાનું ચાલુ રાખવું જોઈએ. તેણે માત્ર સાત મહિના પહેલા જ વર્લ્ડકપમાં 700 રન બનાવ્યા હતા. તે પણ માણસ છે. ક્યારેક નિષ્ફળ પણ જઈ શકે છે. તમારે તેનો સ્વીકાર કરવો પડશે. કોહલી, સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ જેવા લોકો ભારતીય ક્રિકેટમાં એક સંસ્થા સમાન છે. ત્રણ-ચાર મેચોમાં ખરાબ પ્રદર્શનથી તે નબળો ખેલાડી નથી બની જતો. આવતીકાલે ફાઇનલમાં તે ચમત્કાર કરી શકે તેમ છે.

માઈકલ વોનના આરોપને ખોટા ગણાવ્યા

વોને કહ્યું હતું કે ભારતીય પ્રેક્ષકોને ધ્યાનમાં રાખીને સવારે મેચ રખાઈ છે જેના કારણે ભારતીય ટીમને વધુ ફાયદો થઈ રહ્યો છે. તેની સાથે તેને આરોપ લગાવ્યો હતો કે આઈસીસી સ્પિનરો માટે મદદરૂપ બનેલી પીચો તૈયાર કરીને ભારતીય ટીમને સમર્થન આપવાનું કામ કરી રહી છે. 

આ મામલે ગાંગુલીએ કહ્યું, 'માઈકલ વોન મારો ખૂબ સારો મિત્ર છે. મને ખબર નથી કે આઈસીસી રાત્રે 8 વાગ્યે મેચનું બ્રોડકાસ્ટિંગ રાખીને ભારતને જીતવામાં કેવી રીતે મદદ કરે રહી છે. મને ખબર નથી કે બ્રોડકાસ્ટિંગ તમને ક્રિકેટ મેચ જીતવામાં કેવી રીતે મદદ કરી શકે છે. તમારે મેદાન પર રમવું પડશે અને જીતવું પડશે. તેણે કહ્યું, 'ગિયાના પહેલા પણ ભારતીય ટીમે વિશ્વભરના દરેક સ્થળ અને મેદાન પર જીત મેળવી છે.'


Google NewsGoogle News