IND vs AUS: વિરાટ કોહલીની પાછળ પડ્યા ઑસ્ટ્રેલિયાના દિગ્ગજો, આઉટ કરવા માટે બતાવી રહ્યા છે જુદા જુદા પેંતરા
IND Vs AUS, Virat Kohli : ભારતીય ટેસ્ટ ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર છે. જ્યાં ટીમ ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી હેઠળ 5 મેચની ટેસ્ટ સીરિઝ રમવાની છે. સીરિઝની પહેલી મેચ 22 નવેમ્બરથી પર્થમાં રમાશે. ઓસ્ટ્રેલિયા સામે ભારતીય કિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીનો શાનદાર રેકોર્ડ રહ્યો છે. જેને લઈને કાંગારુ ટીમ ઘણી પરેશાન થઇ રહી છે. આ સ્થિતિમાં ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વિકેટકીપર ઈયાન હીલી અને શેન વોટસન સહિત ઘણાં મહાન ખેલાડીઓએ પોતાના બોલરોને કોહલીને આઉટ કરવાની સલાહ આપવાનું શરૂ કરી દીધું છે. કર્યું અને અલગ-અલગ પ્લાન જણાવવાનું શરૂ કર્યું.
ઈયાન હીલીએ કોહલીને આઉટ કરવાની ટેકનિક જણાવી
ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વિકેટકીપર ઈયાન હીલીના જણાવ્યા અનુસાર ઓસ્ટ્રેલિયન બોલરો વિરાટ કોહલીને આઉટ કરવા માટે તમામ ટેકનિકનો ઉપયોગ કરવો જોઈએ. જેમાં બોલરે તેના પગ આગળ પર બોલ ફેંકવાથી લઈને શોર્ટ પિચ બોલથી તેના શરીરને નિશાન બનાવવા સુધી બધી જ ટેકનિકનો ઉપયોગ કરવો જોઈએ. કોહલી છેલ્લા ઘણાં સમયથી ટેસ્ટ મેચોમાં સંઘર્ષ કરી રહ્યો છે. તેણે છેલ્લી 60 ટેસ્ટ ઇનિંગ્સમાં માત્ર 2 સદી અને 11 અડધી સદી ફટકારી છે.
હીલીએ ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર પેટ કમિન્સ, જોશ હેઝલવુડ અને મિશેલ સ્ટાર્કની મજબૂત ત્રિપુટીને કોહલી પર દબાણ બનાવવાની સલાહ આપી હતી. હીલીએ કહ્યું, 'અમારા ઝડપી બોલરોએ વિરાટ કોહલીને તેના ફ્રન્ટ પેડને નિશાન બનાવવાનું ચાલુ રાખવું જોઈએ. કોહલી તેના આગળના પગનો ઘણો ઉપયોગ કરે છે. અને ત્યાંથી ગમે ત્યાંથી બોલ રમી શકે છે.'
શેન વોટસને આપી આ સલાહ
બીજી તરફ ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓલરાઉન્ડર શેન વોટસને પણ પોતાની ટીમને સલાહ આપી છે. તેણે કહ્યું કે, 'વિરાટ મેચમાં દરેક બોલ પર જે જુસ્સા સાથે રમે છે તે અદ્ભુત છે. પરંતુ તાજેતરમાં એવી ક્ષણો આવી છે જ્યારે તેની અંદરની આ આગ હવે શાંત થવા લાગી છે. કારણ કે મેચની દરેક ક્ષણોમાં તેટલી જ તીવ્રતા જાળવી રાખવી ખૂબ મુશ્કેલ હોય છે. અહીં ઓસ્ટ્રેલિયન ટીમે તેને એકલો છોડી દેવો જોઈએ અને આશા રાખવી જોઈએ કે તેનો આ જુસ્સો શાંત જ રહે.
આ પણ વાંચો : કુણાલ પંડ્યાની કેપ્ટનશીપમાં રમશે હાર્દિક પંડ્યા, આઠ વર્ષ બાદ ટીમમાં વાપસી
ઓસ્ટ્રેલિયા સામે કોહલીનો શાનદાર રેકોર્ડ
વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયાની ધરતી પર અત્યાર સુધી કુલ 13 ટેસ્ટ મેચ રમી છે. જેમાં તેણે 54.08ની સરેરાશથી 1352 રન બનાવ્યા છે. આ દરમિયાન કોહલીએ 6 સદી અને 4 અડધી સદી ફટકારી હતી. ઓસ્ટ્રેલિયામાં કોહલીનો સર્વશ્રેષ્ઠ ટેસ્ટ સ્કોર 169 રન રહ્યો છે. કોહલી વર્ષ 2011-12 અને વર્ષ 2014-15ના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ટેસ્ટ મેચોમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર બેટર પણ રહી ચૂક્યો છે.