તેંડુલકર નહીં આ ભારતીય દિગ્ગજ સામે બોલિંગ કરતાં ફફડી જતો હતો કાંગારૂઓનો સૌથી ઝડપી બોલર
Brett Lee : જ્યારે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઝડપી બોલર બ્રેટ લીને પૂછવામાં આવ્યું કે, તેને ક્યા ભારતીય ખેલાડી સામે બોલિંગ કરવી સૌથી મુશ્કેલ લાગતી હતી. જેના જવાબમાં બ્રેટ લીએ સચિન તેંડુલકર નહીં પણ હરભજન સિંહના નામનો ઉલ્લેખ કર્યો છે. બ્રેટ લીએ કહ્યું હતું કે, 'મેદાનની બહાર મારા હરભજન સિંહ સાથે ખૂબ સારા સંબંધો રહ્યા છે, પરંતુ મને મેદાન પર તેની સામે બોલિંગ કરવી ગમતી ન હતું. મેદાન પર તે મને ખૂબ પરેશાન કરતો હતો.'
હું હરભજનને ક્યારેય રોકી શક્યો નહીં
બ્રેટ લીએ હરભજન વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, 'તે મારી સામે સ્લેજિંગ કરતો હતો અને પછી મારી પાછળ પડી જતો હતો. અને મને કહેતો હતો કે 'તું ખૂબ જ ઝડપી છો'. હું હરભજનને ક્યારેય રોકી શક્યો નહીં. હું હંમેશા થાકી જતો હતો. મને તેની સામે બોલિંગ કરવું પસંદ ન હતું.'
મેદાન પર હરિફાઈ હોવા છતાં લી હરભજનનું સન્માન કરતો હતો. એક સમયે લીએ હરભજનના આક્રમક વ્યક્તિત્વ પર સવાલ ઉઠાવ્યા હતા. જેના જવાબમાં હરભજને કહ્યું હતું કે, 'મને તેની બોલિંગની ગતિ પસંદ હતી. બોલર તરીકે લી મને સારો લાગતો હતો.'
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહી છે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી
અહીં તમને જણાવી દઈએ કે હાલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ટેસ્ટ સીરિઝ રમાઈ રહી છે. જેમાં એડિલેડ ટેસ્ટ મેચ દરમિયાન સિરાજ અને ટ્રેવિસ હેડ વચ્ચે બબાલ થઈ હતી. મેદાનમાં બંને વચ્ચે ઘણી બોલાચાલી થઈ હતી. જોકે બાદમાં બંને વચ્ચે સમાધાન થઈ ગયું હતું. હાલમાં આ ટેસ્ટ સીરિઝમાં ભારત અને ઓસ્ટ્રેલિયા 1-1 મેચ જીતીને બરાબરી પર છે. ભારતે પહેલી ટેસ્ટ મેચ જીતી હતી જ્યારે બીજી ટેસ્ટ ઓસ્ટ્રેલિયાની ટીમે જીતી હતી. સીરિઝની ત્રીજી ટેસ્ટ મેચ 14 ડિસેમ્બરથી બ્રિસબેનના ગાબા ખાતે રમાશે.