20 વર્ષમાં આવો ખેલાડી નથી જોયો...: મેલબર્નમાં ભારત હાર્યું પણ જસપ્રીત બુમરાહનો દબદબો યથાવત્
IND Vs AUS, Jasprit Bumrah : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી 5 ટેસ્ટ મેચોનો ચોથી ટેસ્ટ મેચમાં ભારત હારી ગયું હતું. પરંતુ જસપ્રીત બુમરાહનો દબદબો હજુ પણ યથાવત્ છે. જેને લઈને ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર સિમોન કેટિચનું માનવું છે કે, યુવા કાંગારૂ બેટર સેમ કોન્સ્ટાસ ધીમે ધીમે ટેસ્ટ ક્રિકેટની સુંદરતા અને જુસ્સાને સમજશે, જે જસપ્રીત બુમરાહે તેને બોક્સિંગ ડે ટેસ્ટ દરમિયાન બીજી ઇનિંગમાં બતાવ્યું હતું. વર્ષ 2001 થી 2010 વચ્ચે ઓસ્ટ્રેલિયા માટે 56 ટેસ્ટ રમનાર સિમોન કેટિચે કહ્યું કે, સેમ કોન્સ્ટાસે તેની કુદરતી રમત જાળવી રાખવી જોઈએ.
શું કહ્યું સિમોન કેટિચે?
સિમોન કેટિચે કહ્યું, 'જ્યારે તમે 19 વર્ષની ઉંમરે ડેબ્યૂ કરો છો, ત્યારે આવી હાઈપ થવી સ્વાભાવિક છે. કારણ કે આ ઉંમરે બહુ ઓછા લોકો રમી શકે છે. MCGમાં તેણે જબરદસ્ત હિંમત બતાવી હતી. કારણ કે તે રમી રહ્યો હતો ત્યારે પરિસ્થિતિ મુશ્કેલ હતી અને તેનો સામનો આ સીરિઝના સર્વશ્રેષ્ઠ બોલર જસપ્રીત બુમરાહ સામે થઇ રહ્યો હતો. સેમ કોન્સ્ટાસે બુમરાહનો હિંમતપૂર્વક સામનો કર્યો પરંતુ બીજી ઇનિંગમાં તે સમજી ગયો કે ટેસ્ટ ક્રિકેટ એટલું પણ સરળ નથી.'
તેણે હજુ ઘણુંબધું શીખવાનું છે
સેમ કોન્સ્ટાસે પહેલી ઇનિંગમાં 65 બોલમાં 60 રન બનાવ્યા હતા, પરંતુ જસપ્રીત બુમરાહે તેને બીજી ઇનિંગમાં આઠ રન બનાવીને આઉટ કર્યો હતો. સિમોન કેટિચે વધુમાં જણાવ્યું હતું કે, 'સેમ કોન્સ્ટાસ હજુ માત્ર 19 વર્ષનો છે. તેથી એવી આશા રાખી શકાય નહીં કે તે ફિનિશર તરીકે કામ કરશે. તેણે હજુ ઘણુંબધું શીખવાનું છે. તેની પાસે ક્ષમતા અને ટેલેન્ટ છે.' જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તે સેમ કોન્સ્ટાસમાં ડેવિડ વોર્નરની ઝલક જુએ છે. ત્યારે કેટિચે કહ્યું કે, માત્ર વલણ અને વ્યૂહરચના સમાન છે. પરંતુ ટેલેન્ટના સંદર્ભમાં તે સંપૂર્ણપણે અલગ ખેલાડી છે.'
VIDEO: યશસ્વીને આઉટ આપવા અંગે મોટો વિવાદ, અમ્પાયર્સ પર ચીટિંગના આરોપ, સ્ટેડિયમમાં હોબાળો
20 વર્ષમાં આવો ખેલાડી નથી જોયો
ભારત સામે અનેક મેચો રમી ચુકેલા કેટિચે એમ પણ કહ્યું કે છેલ્લા બે દાયકામાં જસપ્રીત બુમરાહ શ્રેષ્ઠ વિદેશી બોલરોમાંથી એક છે. તેના આંકડા આના સાક્ષી છે. છેલ્લા 20 વર્ષમાં મેં જોયેલા અથવા રમ્યા હોય તેવા શ્રેષ્ઠ બોલરોમાંથી તે એક છે. તેની પાસે નિયંત્રણ, યોર્કર્સ, બાઉન્સર બધું જ છે.'