મહાન ખેલાડીઓ સામે આંગળી ન ચીંધાય...', વિરાટ કોહલીને મળ્યું દિગ્ગજ કાંગારુ ખેલાડીનું સમર્થન
Ricky Ponting On Virat Kohli : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ ટેસ્ટ મેચની સીરિઝની પહેલી મેચ 22 નવેમ્બરના રોજ પર્થમાં રમાશે. આ માટે બંને ટીમોની જાહેરાત થઇ ચૂકી છે. ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે છેલ્લી ચાર બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતી છે. પરંતુ આ વખતે ભારતીય ટીમ માટે રસ્તો સરળ નહીં હોય. ભારતનો સ્ટાર બેટર વિરાટ કોહલી હાલમાં ફોર્મમાં નથી. ત્યારે હવે ઓસ્ટ્રેલિયાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે કોહલીનું સમર્થન કર્યું છે.
તમે મહાન ખેલાડીઓ તરફ આંગળી ચીંધી શકતા નથી
છેલ્લી છ ટેસ્ટ ઇનિંગ્સમાં કોહલી માત્ર 93 રન જ બનાવી શક્યો હતો. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે કહ્યું છે કે, 'હું અગાઉ પણ વિરાટ વિશે કહી ચૂક્યો છું. તમે મહાન ખેલાડીઓ તરફ આંગળી ચીંધી શકતા નથી. તે એક મહાન ક્રિકેટર છે, તેમાં કોઈ શંકા નથી. તેને ઓસ્ટ્રેલિયા સામે રમવાનું પસંદ છે. ઓસ્ટ્રેલિયામાં તેનો રેકોર્ડ પણ શાનદાર છે. તે આ સીરિઝમાં બધું બદલી શકે છે. જો વિરાટ પહેલી જ મેચથી રન બનાવવાનું શરૂ કરે તો મને આશ્ચર્ય થશે નહીં.'
કોહલીએ છેલ્લા પાંચ વર્ષમાં માત્ર બે ટેસ્ટ સદી જ ફટકારી!વિરાટ કોહલીના પ્રદર્શનને લઈને રિકી પોન્ટિંગ કહ્યું કે, મેં વિરાટને લઈને વાંચ્યું હતું કે, તેણે છેલ્લા પાંચ વર્ષમાં માત્ર બે ટેસ્ટ સદી જ ફટકારી છે. આ મને યોગ્ય નથી લાગતું પરંતુ જો આવું હોય તો એ ચિંતાનો વિષય છે. દુનિયામાં એવો કોઈ ટોચનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટર નહીં હોય જેણે પાંચ વર્ષમાં માત્ર બે ટેસ્ટ સદી ફટકારી હોય.
ભારતીય બેટરો સ્પિન સામે રમી શકતા નથી
ન્યૂઝીલેન્ડ સામે ભારતને મળેલી હાર અંગે તેણે કહ્યું કે, 'હવે આધુનિક ભારતીય બેટરો સ્પિનને તે રીતે રમી શકતા નથી જે રીતે પહેલા ભારતીય બેટરો રમતા હતા. કદાચ ભારતની પીચો હવે ઝડપી બોલરોને વધુ મદદગાર થઇ રહી છે. વિરાટે આ વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં છ ટેસ્ટમાં 22.72ની સરેરાશથી રન બનાવ્યા છે. જે તેણે વર્ષ 2011માં ડેબ્યૂ કર્યા બાદ તેની આ સૌથી ઓછી સરેરાશ છે. તે 10 વર્ષમાં પહેલી વખત ICC ટેસ્ટ રેન્કિંગમાં ટોપ 20માંથી પણ બહાર થઈ ગયો છે.'