ભારતને લાગ્યો મોટો ઝટકો, ઓલિમ્પિક 2028થી પહેલાં આવ્યા માઠા સમાચાર
Los Angeles Olympics 2028: લોસ એન્જલસ ઓલિમ્પિક-2028 પહેલા ભારતને મોટો ઝટકો લાગ્યો છે, કારણ કે ભારતીય પુરુષ ફૂટબોલ ટીમ આગામી ફ્લેગ ફૂટબોલ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લઈ શકશે નહીં. આ ટુર્નામેન્ટ 27થી 30 ઑગસ્ટ દરમિયાન ફિનલૅન્ડમાં યોજાવાની છે. આ ટુર્નામેન્ટને ઓલિમ્પિકની દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.
ટીમ ઇન્ડિયાને વિઝા નથી મળી શક્યા
મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે ટીમ ઇન્ડિયાને આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે વિઝા નથી મળી શક્યા, જેના કારણે તે આ ટુર્નામેન્ટમાં રમવા માટે ફિનલેન્ડ જઈ શકશે નહીં. અમેરિકન ફૂટબોલ ફેડરેશન ઑફ ઇન્ડિયાના સીઈઓ ડૉ. સંદીપ ચૌધરીએ પણ આ વાતની પુષ્ટિ કરી છે.
આગામી ઓલિમ્પિકમાં આ રમત પ્રથમ વખત રમાશે
લોસ એન્જલસ ઓલિમ્પિક 2028માં પ્રથમ વખત ફ્લેગ ફૂટબોલનો સમાવેશ કરવામાં આવ્યો છે. તાજેતરમાં આ રમત ઘણી લોકપ્રિય થઈ છે. ટીમ વર્ક, વ્યૂહરચના અને કૌશલ્યની દૃષ્ટિએ આ રમત ઘણી સારી માનવામાં આવે છે. આ માટે વિશ્વભરની ટીમો ઓલિમ્પિક ક્વોટા હાંસલ કરવા પ્રયાસ કરી રહી છે.
ભારતને સતત બીજી વખત લાગ્યો ઝટકો
ભારતીય ટીમે 2021ની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો. ઈઝરાયેલમાં આયોજિત આ ટુર્નામેન્ટમાં ભારત 20મા ક્રમે છે. 2023માં ભારતીય ટીમ આ ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાય કરી શકી ન હતી અને આ વખતે ટીમને વિઝા સંબંધિત સમસ્યાઓના કારણે ટુર્નામેન્ટમાંથી બહાર રહેવું પડશે.
સીઈઓએ શું કહ્યું?
અમેરિકન ફૂટબોલ ફેડરેશન ઑફ ઇન્ડિયાના સીઈઓ સંદીપ ચૌધરીએ કહ્યું કે આ માત્ર વિઝાની વાત નથી. આયોજકો તરફથી અન્ય ટેકનિકલ સમસ્યાઓ પણ હતી, જે અમે સમયસર ઉકેલવામાં સક્ષમ ન
હતા. અમારી તરફથી પણ ઘણી ટેકનિકલ ખામી હતી. અમે દોષનો ટોપલો બીજા કોઈ પર નાખવા માંગતા નથી. બધાએ અમને મદદ કરવાનો પ્રયાસ કર્યો છે. હાલ અમે સખત મહેનત કરી હોવાથી વિઝા ન મળતા ટીમનું મનોબળ ચોક્કસપણે નીચું છે. અમે પ્રેક્ટિસ કરી રહ્યા હતા, પરંતુ વસ્તુઓ અમારા નિયંત્રણની બહાર હતી. 2028 ઓલિમ્પિકની તૈયારી માટે આ પ્રથમ મહત્વપૂર્ણ ટુર્નામેન્ટ હતી, જ્યાં અમે અમારી પ્રતિભા દેખાડી શક્યા હોત.'