ગિલ કે રિંકુ નહીં આ ખેલાડી બનશે ભારતનો આગામી સુપરસ્ટાર: સ્મિથ-સ્ટાર્ક સહિત પાંચ ખેલાડીઓએ લીધું એક જ નામ
Yashasvi Jaiswal : ભારતીય ક્રિકેટ ટીમમાં એક વધીને એક શાનદાર ખેલાડીઓ છે, ટીમમાં આવનાર નવી પેઢીના ખેલાડીઓમાં પણ પ્રતિભાની કોઈ કમી નથી. હાલમાં ભારતીય ટીમમાં યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, રિંકુ સિંહ, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ જેવા નવોદિત યુવા ખેલાડીઓ ટીમ માટે રમી રહ્યા છે. પરંતુ ભારતનો આગામી સુપરસ્ટાર કોણ બની શકે છે, તે અંગે મિચેલ સ્ટાર્ક અને સ્ટીવ સ્મિથે પોતાના મંતવ્યો જણાવ્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે આ બંને દિગ્ગજોએ એક જ ખેલાડીનું નામ લીધું હતું.
એક વીડિયોમાં ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને પૂછવામાં આવ્યું હતું કે, આગામી સમયમાં કોણ ભારતીય ક્રિકેટ ટીમનો સુપરસ્ટાર બની શકે છે. સ્ટીવ સ્મિથ, મિચેલ સ્ટાર્ક, જોસ હેઝલવુડ, નાથન લિયોન અને એલેક્સ કેરીએ આ માટે યશસ્વી જયસ્વાલનું નામ લીધું હતું. આ બધાનું માનવું છે કે યશસ્વી આવનારા સમયમાં ભારતીય ક્રિકેટ ટીમનો સુપરસ્ટાર બની શકે છે. સ્મિથે કહ્યું હતું કે, 'હું માનું છું કે યશસ્વી જયસ્વાલ આગામી પેઢીનો સુપરસ્ટાર બની શકે છે.' જ્યારે સ્ટાર્કે પણ સ્મિથના નિર્ણયને સમર્થન આપતા કહ્યું હતું કે, 'મને લાગે છે કે જયસ્વાલ કદાચ આગામી મોટો સુપરસ્ટાર બનશે.'
જયારે કેરી, હેઝલવુડ અને લિયોને પણ પોતાના મંતવ્યો જણાવ્યા હતા, અને બધાએ જયસ્વાલને ભારતની આગામી પેઢીનો સુપરસ્ટાર જણાવ્યો હતો. હેઝલવુડે કહ્યું કે, 'જયસ્વાલ તમામ ફોર્મેટ માટે ફિટ ક્રિકેટર લાગે છે. તે જે રીતે દરેક ફોર્મેટમાં પોતાની જાતને તે અનુસાર અનુકૂળ કરી લે છે તે આશ્ચર્યજનક છે.'
ઓસ્ટ્રેલિયન ખેલાડી કેમરૂન ગ્રીન અને બેટર ટ્રેવિસ હેડે પણ પોતાનો નિર્ણય જણાવ્યો હતો. જો કે બંનેએ ભારતના ભાવિ સુપરસ્ટાર તરીકે શુભમન ગિલની પસંદગી કરી હતી. ગ્રીને ગિલની ટેકનિકની પ્રશંસા કરી હતી. જ્યારે હેડે કહ્યું હતું કે, 'ગિલ જે રીતે ઝડપી બોલર અને સ્પિનર બંને પર પોતાનું પ્રભુત્વ ધરાવે છે તે અદ્ભુત છે.'