Get The App

IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ મેચમાં ક્યાં થઈ ચૂક? જાણો હારના પાંચ મુખ્ય કારણ

Updated: Oct 20th, 2024


Google NewsGoogle News
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ મેચમાં ક્યાં થઈ ચૂક? જાણો હારના પાંચ મુખ્ય કારણ 1 - image

IND vs NZ, 1st Test : ન્યૂઝીલેન્ડ સામેની બેંગલુરુ ટેસ્ટમાં ભારતીય ટીમને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. પહેલી ટેસ્ટના પાંચમા અને છેલ્લા દિવસે ન્યૂઝીલેન્ડે ભારતને 8 વિકેટે હરાવ્યું હતું. આ સાથે જ ન્યૂઝીલેન્ડે 36 વર્ષમાં પહેલી વખત ભારતમાં ટેસ્ટ મેચ જીતી છે. ન્યૂઝીલેન્ડે ભારતમાં છેલ્લી ટેસ્ટ મેચ સન 1989માં મુંબઈમાં જીતી હતી. ભારતે જીતવા માટે ન્યૂઝીલેન્ડને માત્ર 107 રનનો લક્ષ્ય આપ્યો હતો. જે તેણે સરળતાથી હાંસલ કરી લીધો હતો. ન્યૂઝીલેન્ડ હવે ત્રણ મેચની ટેસ્ટ સીરિઝમાં 1-0થી આગળ છે. પરંતુ ભારત આ ટેસ્ટમાં કેમ હર્યું? તેના 5 કારણો પર એક નજર કરીએ. આ સીરિઝની બીજી ટેસ્ટ મેચ 24 ઓક્ટોબરથી પૂણેમાં રમાશે. 

1. વાતાવરણ વાદળછાયું હોવા છતાં ટોસ જીતીને પહેલી બેટિંગ કરવાનો નિર્ણય

બેંગલુરુ ખાતેની ટેસ્ટના બીજા દિવસે પણ વરસાદ પડી રહ્યો હતો. અને વાદળછાયું વાતાવરણ હતું. આ સ્થિતિમાં કેપ્ટન રોહિત શર્માના એક નિર્ણયે બધાને ચોંકાવી દીધા હતા. જ્યારે  બીજા દિવસે ટોસ થયો ત્યારે રોહિતે ટોસ જીતીને પહેલી બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. વાદળછાયા વાતાવરણમાં ટોસ જીતીને પહેલી બેટિંગ કરવાનો નિર્ણય ન્યૂઝીલેન્ડ માટે એક વરદાનરૂપ સાબિત હતો. આ નિર્ણયનું પરિણામ એ આવ્યું કે ન્યૂઝીલેન્ડના ઝડપી બોલરોએ બેંગલુરુની પિચ પર હાજર ભેજ અને વાદળછાયા વાતાવરણનો પૂરે-પૂરો ફાયદો ઉઠાવ્યો હતો.

2. પહેલી ઇનિંગમાં ભારતીય ટીમનો ધબડકો

ટોસ જીતીને પહેલી બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ 46 રનમાં સમેટાઈ ગઈ હતી. યશસ્વી જયસ્વાલ (13), રોહિત શર્મા (2), વિરાટ કોહલી (0), સરફરાઝ ખાન (0), રિષભ પંત (20), કે.એલ રાહુલ (0), રવિન્દ્ર જાડેજા (0), રવિચંદ્રન અશ્વિન (0), જસપ્રિત બુમરાહ (1), અને કુલદીપ યાદવ (2) જેવા ખેલાડીઓએ નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું. ન્યૂઝીલેન્ડ તરફથી મેટ હેનરીએ સૌથી વધુ 5 અને વિલિયમ ઓરોર્કે 4 વિકેટ લીધી હતી. જયારે ટિમ સાઉથીને એક વિકેટ મળી હતી. પહેલી ઇનિંગમાં માત્ર 46 રનના સ્કોરની કિંમત મેચ હારીને ચૂકવવી પડી હતી.

3. ખેલાડીઓની પ્લેઇંગ ઇલેવનમાં પસંદગી કરવામાં મોટી ભૂલ

કેપ્ટન રોહિત શર્માએ પહેલી ટેસ્ટ માટે પ્લેઈંગ ઈલેવનની પસંદગી કરવામાં મોટી ભૂલ કરી છે. બેંગલુરુ ટેસ્ટમાં વાદળછાયા વાતાવરણને ધ્યાનમાં રાખીને ભારતને પ્લેઈંગ ઈલેવનમાં ત્રણ ઝડપી બોલરોની જરૂર હતી. પરંતુ અહિયાં કેપ્ટન રોહિત શર્માએ મોટી ભૂલ કરી. તેણે ઝડપી બોલર આકાશદીપને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રાખ્યો અને તેની જગ્યાએ સ્પીનર ​​કુલદીપ યાદવને ટીમમાં સામેલ કર્યો હતો. વાદળછાયું વાતાવરણ હોવા છતાં પ્લેઈંગ ઈલેવનમાં ત્રણ સ્પિનરોને રમવાનો રોહિતનો આ નિર્ણય ભારતીય ટીમને મોંઘો પડ્યો હતો.

આ પણ વાંચો : IND vs NZ : 36 વર્ષનો રેકૉર્ડ તૂટ્યો, ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ મેચમાં ભારતનો ઘરઆંગણે પરાજય

4. ટિમ સાઉથી અને રચિન રવિન્દ્રની મહત્ત્વપૂર્ણ ભાગીદારી

પહેલી ઇનિંગમાં ભારતીય બોલરોએ 233 સ્કોર પર ન્યૂઝીલેન્ડની 7 વિકેટો પાડી દીધી હતી. અહિયાં જો ન્યૂઝીલેન્ડની ટીમ 270 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હોત તો પહેલી ઇનિંગના આધારે ભારત પાસે માત્ર 224 રનની લીડ મળી હોત. પરંતુ ટિમ સાઉથી અને રચિન રવિન્દ્રએ આઠમી વિકેટ માટે 137 રનની મહત્ત્વપૂર્ણ ભાગીદારીએ ભારત માટે મુશ્કેલી ઊભી કરી દીધી હતી. રચિન રવિન્દ્રએ 134 રન અને ટિમ સાઉથીએ 65 રનની ઇનિંગ રમી હતી. જેની મદદથી પહેલી ઇનિંગમાં ન્યૂઝીલેન્ડની ટીમે 402 રન બનાવવામાં સફળ રહી હતી. અને ભારત પર 356 રનની લીડ મેળવી હતી.

5. બીજી ઇનિંગમાં ભારતે 54 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી

બીજી ઇનિંગમાં સરફરાઝ ખાન અને રિષભ પંતની ભાગદારીને લીધે ભારતને જીવતદાન મળ્યું હતું. બંનેએ સાથે મળીને ચોથી વિકેટ માટે 177 રન જોડ્યા અને ભારતને ન્યૂઝીલેન્ડ સામે લીડ અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. સરફરાઝ ખાને 150 રન જ્યારે રિષભ પંતે 99 રનની ઇનિંગ રમી હતી. સરફરાઝ ખાન જ્યારે આઉટ થયો ત્યારે ન્યૂઝીલેન્ડ સામે ભારતની લીડ 52 રનની હતી. જ્યારે ઋષભ પંત 99 રન પર સદી ચૂકી ગયો અને આઉટ થઇ ગયો હતો.

ત્યારબાદ બધી જવાબદારી કે.એલ રાહુલ અને રવિન્દ્ર જાડેજા પર આવી ગઈ હતી. પરંતુ કે.એલ રાહુલે 12 રન બનાવીને આઉટ થઇ ગયો હતો. કે.એલ રાહુલ આઉટ થતાં જ ભારતની વિકેટો ફટાફટ પડવા લાગી હતી. ભારતે તેની છેલ્લી 7 વિકેટ બીજા દાવમાં માત્ર 54 રનમાં ગુમાવી દીધી હતી. એક સમયે ભારતીય ટીમનો સ્કોર 408/4 હતો. પરંતુ સતત વિકેટો ગુમાવતા બીજી ઇનિંગમાં ટીમ 462 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. જેને કારણે ન્યૂઝીલેન્ડને જીતવા માટે 107 રનનું સરળ લક્ષ્ય મળ્યું હતું. જે તેણે આરામથી હાંસલ કરી લીધુ હતું.

IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ મેચમાં ક્યાં થઈ ચૂક? જાણો હારના પાંચ મુખ્ય કારણ 2 - image


Google NewsGoogle News