147 વર્ષમાં પહેલીવાર આવું થયું... ભારતીય ટીમની ટેસ્ટમાં કમાલ, જાણો કેવી રીતે સર્જાયો ઈતિહાસ
The Fastest 50 Runs And 100 Runs In Test : ભારતીય ટીમે બાંગ્લાદેશ સામે ચાલી રહેલી બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ઈતિહાસ રચી દીધો હતો. ભારતની ઓપનિંગ જોડીએ એવી સિદ્ધિ હાંસલ કરી છે કે, જે 147 વર્ષના ટેસ્ટ ઈતિહાસમાં આજ સુધી કોઈ કરી શક્યું નથી. ભારતની ઓપનિંગ જોડીએ માત્ર 3 ઓવરમાં 50 રન પૂરા કરી લીધા હતા. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં સૌથી ઝડપી 50 અને બાદમાં 100 રન ભારત માટે આ ઓપનર જોડીએ કર્યા હતા. સૌથી ઝડપી સદીનો સ્કોર ભારતે 10.1 ઓવરમાં કરી લીધો હતો. વરસાદ પડ્યા બાદ ચોથા દિવસે શરૂ થઈ છે. બાંગ્લાદેશની ટીમ પહેલી ઇનિંગમાં 233 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
ઓપનિંગ માટે આવેલા કેપ્ટન રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલે જોરદાર પ્રદર્શન કર્યું હતું. અને માત્ર 3 ઓવરમાં ભારતનો સ્કોટ 50 રન સુધી પહોંચાડી દીધો હતો. કેપ્ટને 6 બોલમાં 19 રન જ્યારે જયસ્વાલે 13 બોલમાં 30 રન બનાવીને આ સિદ્ધિ મેળવી હતી. મેહદી હસન મિરાજે રોહિતને બોલ્ડ કરી આઉટ કર્યો હતો. રોહિત 11 બોલમાં 23 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.
આ વર્ષે જુલાઈમાં નોટિંગહામમાં વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડની ટીમે 4.2 ઓવરમાં 50 રન બનાવ્યા હતા. આ સાથે ભારતીય ટીમે ઈંગ્લેન્ડને પાછળ છોડી દીધું હતું. ઈંગ્લેન્ડે બર્મિંગહામમાં પણ આવું જ કરતા 4.2 ઓવરમાં 50 રન પૂરા કર્યા હતા.
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 50 રન(ઓવરના હિસાબથી) કરનાર ટીમ
3.0 - ભારત વિ. બાંગ્લાદેશ, કાનપુર, 2024
4.2 - ઈંગ્લેન્ડ વિ. વેસ્ટ ઈન્ડિઝ, નોટિંગહામ, 2024
4.2 - ઈંગ્લેન્ડ વિ. વેસ્ટ ઈન્ડિઝ, બર્મિંગહામ, 2024
4.3 - ઇંગ્લેન્ડ વિ. દક્ષિણ આફ્રિકા, ઓવલ, 1994
4.6 - ઇંગ્લેન્ડ વિ. શ્રીલંકા, માન્ચેસ્ટર, 2002
આ સિવાય ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં ભારતીય ટીમે સૌથી ઝડપી 100 રન બનાવવાનો રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે. ભારતે પોતાનો જ રેકોર્ડ તોડીને આ સિદ્ધિ મેળવી છે. બાંગ્લાદેશ સામેની આ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે 10.1 ઓવરમાં 100 રનનો આંકડો પાર કરી લીધો હતો. અગાઉ 2023માં ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે 12.2 ઓવરમાં 100 રન બનાવ્યા હતા.
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 100 રન(ઓવરના હિસાબથી) કરનાર ટીમ
10.1 - ભારત વિ. બાંગ્લાદેશ, કાનપુર, 2024
12.2 - ભારત વિ. વેસ્ટ ઈન્ડિઝ, પોર્ટ ઓફ સ્પેન, 2023
13.1 - શ્રીલંકા વિ. બાંગ્લાદેશ, કોલંબો SSC, 2001
13.4 - બાંગ્લાદેશ વિ. વેસ્ટ ઈન્ડિઝ, મીરપુર, 2012
13.4 - ઈંગ્લેન્ડ વિ. પાકિસ્તાન, કરાચી, 2022
13.4 - ઈંગ્લેન્ડ વિ. પાકિસ્તાન, રાવલપિંડી, 2022
13.6 - ઓસ્ટ્રેલિયા વિ. ભારત, પર્થ, 2012