IND vs NZ: ખરાબ નસીબના કારણે આઉટ થયો કેપ્ટન રોહિત શર્મા, ઉદાસ થઈને ક્રિઝ પર જ ઊભો રહ્યો
IND vs NZ, Rohit Sharma : બેંગલુરુ ખાતે ન્યુઝીલેન્ડ સામેની પહેલી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું. પહેલી ઇનિંગમાં ન્યૂઝીલેન્ડની ટીમ 402 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના આધારે ન્યૂઝીલેન્ડની ટીમે 356 રનની જંગી લીડ મેળવી લીધી છે. જો કે ભારતીય ટીમે બીજી ઈનિંગમાં સારી શરૂઆત કરી હતી. યશસ્વી જયસ્વાલ અને કેપ્ટન રોહિત શર્માએ પહેલી વિકેટ માટે 72 રન જોડ્યા હતા. યશસ્વી 35 રન બનાવી એજાઝ પટેલનો શિકાર બન્યો હતો. કેપ્ટન રોહિત ખૂબ જ કમનસીબ રહ્યો હતો. અને વિચિત્ર રીતે ક્લીન બોલ્ડ થઈને પેવેલિયન પરત ફર્યો હતો. ખુદ હિટમેન પણ પોતાની વિકેટ પર વિશ્વાસ કરી શક્યો ન હતો.
રોહિત શર્મા શાનદાર બેટિંગ કરી રહ્યો હતો. તેણે મેટ હેનરીની ઓવરમાં બે ચોગ્ગા અને એક છગ્ગો ફટકારીને પોતાની અડધી સદી પૂરી કરી હતી. રોહિતે માત્ર 59 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. જો કે પછીની જ ઓવરમાં રોહિતે એજાઝ પટેલના એક બોલને તેના બંને પગ બહાર કાઢીને શાનદાર રીતે બચાવ કર્યો હતો, પરંતુ તેના બેટ સાથે અથડાયા બાદ બોલ પેડ સાથે અથડાયો અને પછી સ્ટમ્પ પર અથડાયો હતો. રોહિત પણ તેના ખરાબ નસીબ પર વિશ્વાસ કરી શક્યો નહીં. રોહિતને આ રીતે આઉટ થતા જોઈને બીજા છેડે ઊભેલો વિરાટ કોહલી પણ ઘણો નિરાશ દેખાયો હતો. ચિન્નાસ્વામી સ્ટેડીયમમાં હાજર પ્રશંસકો પણ દિલગીર થઇ ગયા હતા.
આઉટ થતા પહેલા રોહિત શર્માએ ન્યૂઝીલેન્ડના બોલરો પર કટાક્ષ કર્યો હતો. હિટમેને 63 બોલમાં 52 રનની ઝડપી ઇનિંગ રમી હતી. પહેલી વિકેટ માટે રોહિતે યશસ્વી સાથે મળીને 72 રન કરી ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી. રોહિત બીજી ઈનિંગમાં મોટી ઈનિંગ રમવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું હતું, પરંતુ નસીબ તેની સાથે ન હોતું.
આ પણ વાંચો : ગુસ્સે થયો ભારતીય દિગ્ગજ, કોહલી મામલે ગૌતમ ગંભીરને ઝાટક્યો, આપી આવી સલાહ...
આ પહેલા ન્યૂઝીલેન્ડની પૂરી ટીમ પહેલી ઈનિંગમાં 402 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ વતી રચિન રવિન્દ્રએ શાનદાર બેટિંગ કરી હતી. અને 157 બોલમાં 134 રનની શાનદાર ઇનિંગ રમી હતી. રચિને પોતાની ઇનિંગ દરમિયાન 13 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. રચિનને ટિમ સાઉથીનો સારો સાથ મળ્યો. સાઉદીએ સારી બેટિંગ કરી અને 73 બોલમાં 65 રનની મહત્ત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. જેના આધારે ન્યૂઝીલેન્ડ 400નો આંકડો પાર કરવામાં સફળ રહ્યું હતું. પહેલી ઇનિંગના આધારે ન્યૂઝીલેન્ડે 356 રનની લીડ મેળવી હતી.