પગમાં ઈજા હોવા છતાં ઋષભ પંતની ધુંઆધાર બેટિંગ: ધોનીનો આ મહત્ત્વપૂર્ણ રેકૉર્ડ તોડ્યો
Rishabh Pant : ન્યૂઝીલેન્ડ સામેની પહેલી ટેસ્ટ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમે શાનદાર વાપસી કરી છે. પહેલી ઇનિંગમાં 46 રનમાં ઓલઆઉટ થયા બાદ ભારતીય ટીમે બીજી ઈનિંગમાં શાનદાર વાપસી કરી હતી. પહેલી ઇનિંગમાં ન્યૂઝીલેન્ડે 402 રન બનાવ્યા હતા. અને 356 રનની જંગી લીડ મેળવી હતી. ત્રીજા દિવસની બીજી ઇનિંગમાં ભારતે શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ મેચના ચોથા દિવસે પણ ચાલુ રહી હતી. લંચ સુધી ભારતે 344/3 રન બનાવ્યા હતા. ત્યારે ભારતીય ટીમ માત્ર 12 રન પાછળ હતી.
બીજી ઇનિંગમાં રોહિત શર્મા (52) અને વિરાટ કોહલી (70)એ શાનદાર ઇનિંગ રમીને ટીમને સારી શરૂઆત અપાવી હતી. જેને સરફરાઝ ખાન અને રિષભ પંતે આગળ ધપાવી હતી. બંનેએ ચોથી વિકેટ માટે 100 રનની ભાગીદારી કરી હતી. જેને કારણે ભારતે મેચમાં વાપસી કરી હતી. ચોથા દિવસે પંત 99 કરી આઉટ થઇ સદી ચૂકી ગયો હતો.રિષભ પંત ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 2500 રન બનાવનાર ભારતીય વિકેટકીપર બની ગયો છે. તેણે માત્ર 62 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. આ પહેલા આ રેકોર્ડ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના નામે હતો. તેણે 69 ઇનિંગ્સમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. જ્યારે ફારુક એન્જિનિયરે 82 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. ઘૂંટણની ઈજાને કારણે પંત ત્રીજા દિવસે વિકેટકીપિંગ કરી શક્યો નહોતો. તેણે એક દિવસ આરામ કર્યો હતો. અને ચોથા દિવસે શાનદાર બેટિંગ કરી હતી.
ટેસ્ટમાં સૌથી ઓછી ઇનિંગ્સ રમીને 2500 રન બનાવનાર ભારતીય વિકેટકીપર
62 ઇનિંગ્સ - રિષભ પંત
69 ઇનિંગ્સ - મહેન્દ્ર સિંહ ધોની
82 ઇનિંગ્સ – ફારૂક એન્જિનિયર
આ સિવાય પંતે પોતાની અડધી સદીની ઇનિંગ દરમિયાન વધુ એક સિદ્ધિ હાંસલ કરી હતી. તે સંયુક્ત રીતે સૌથી વધુ 50 કે તેથી વધુ રનની ઈનિંગ્સ રમનારો બીજો ભારતીય બેટર બની ગયો છે. તેણે તેની ટેસ્ટ કારકિર્દીમાં 18મી વખત 50 કે તેથી વધુ રન બનાવ્યા છે. પંતે 62મી ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. આ મામલે તેણે ફારુક એન્જિનિયરની બરાબરી કરી લીધી છે. એન્જિનિયરે 87 ઇનિંગ્સમાં 18 વખત આવું કર્યું હતું. આ મામલે ધોની પહેલા સ્થાને છે. તેણે 144 ઇનિંગ્સમાં 39 વખત ટેસ્ટમાં 50 કે તેથી વધુ રન બનાવ્યા હતા.
ટેસ્ટમાં સૌથી વધુ 50+ સ્કોર બનાવનાર ભારતીય વિકેટકીપર
39 - મહેન્દ્ર સિંહ ધોની (144 ઇનિંગ્સ)
18 - ફારૂક એન્જિનિયર (87 ઇનિંગ્સ)
18 - રિષભ પંત (62 ઇનિંગ્સ)
14 - સૈયદ કિરમાણી (124 ઇનિંગ્સ)