16 છગ્ગા સાથે 62 બોલમાં 137 રન ફટકારી પાકિસ્તાની બોલરોના છોતરાં કાઢી નાખ્યાં, ન્યૂઝીલેન્ડના ઓપનરે સર્જી રેકોર્ડની હારમાળા
ફિન એલને T20I મેચની એક ઇનિંગમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાના રેકોર્ડની બરાબરી કરી
ન્યુઝીલેન્ડના ઓપનર ફિન એલને બનાવ્યો સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર
Image:Social Media |
Finn Allen Century In NZ vs PAK 3rd T20I : ન્યુઝીલેન્ડના ઓપનર ફિન એલને પાકિસ્તાન સામે રમાઈ રહેલી ત્રીજી T20I મેચમાં માત્ર 62 બોલમાં 5 ચોગ્ગા અને 16 છગ્ગાની મદદથી 137 રન બનાવ્યા હતા. ફિને તાબડતોડ બેટિંગ કરતા પાકિસ્તાની બોલરોની હાલત ખરાબ કરી નાખી હતી. આ દરમિયાન ફિન એલને ઘણાં રેકોર્ડ્સ બનાવ્યા હતા.
ફિન એલને ઇનિંગ દરમિયાન ફટકાર્યા 16 છગ્ગા
ફિન એલને બેટિંગ દરમિયાન 16 ગગનચુંબી છગ્ગા ફટકાર્યા હતા. આ સાથે જ તેણે T20I મેચની એક ઇનિંગમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. ફિને અફઘાનિસ્તાનના ખેલાડી હઝરતુલ્લાહ ઝઝઈના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. ઝઝાઈએ 23 ફેબ્રુઆરી 2019ના રોજ આયરલેન્ડ સામે 162 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 16 છગ્ગા ફટકાર્યા હતા.
પૂર્વ કેપ્ટન બ્રેન્ડન મેક્કુલમનો રેકોર્ડ તોડ્યો
ફિન એલને 137 રનની શાનદાર ઇનિંગ રમી ન્યુઝીલેન્ડ માટે T20I ક્રિકેટમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર બનાવવાનો રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે. એલને આ મામલે પૂર્વ કેપ્ટન બ્રેન્ડન મેક્કુલમનો રેકોર્ડ તોડ્યો હતો. મેક્કુલમે બાંગ્લાદેશ સામે 123 રન બનાવ્યા હતા.
ફિન એલને બાઉન્ડ્રી દ્વારા બનાવ્યા 116 રન
ફિન એલને વધુ એક મામલે બ્રેન્ડન મેક્કુલમનો રેકોર્ડ તોડ્યો છે. એલને મેચ દરમિયાન બાઉન્ડ્રી દ્વારા 116 રન બનાવ્યા હતા. ન્યુઝીલેન્ડ તરફથી એલનના નામે T20I મેચમાં બાઉન્ડ્રી દ્વારા સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ નોંધાયો છે. જયારે મેક્કુલમે બાઉન્ડ્રી દ્વારા 96 રન બનાવ્યા હતા.
ન્યુઝીલેન્ડ કર્યું પાકિસ્તાનનું સૂપડું સાફ
ફિન એલનની રેકોર્ડ ઇનિંગના કારણે ન્યુઝીલેન્ડની ટીમે પાકિસ્તાનને ક્લીન સ્વિપ આપવામાં સફળતા મળી હતી. એલનની વિસ્ફોટક બેટિંગના કારણે ન્યુઝીલેન્ડની ટીમે 20 ઓવરમાં 7 વિકેટના નુકસાને 224 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાનની ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 179 રન બનાવી શકી હતી. કિવી ટીમે આ મેચ 45 રનથી જીતી હતી.