કતાર બાદ આ મુસ્લિમ દેશને મળી ફીફાની યજમાની, 2034માં એક અને 2030માં ત્રણ દેશ કરશે ફીફા વર્લ્ડ કપની યજમાની
Image Source: Twitter
Saudi Arabia set to host FIFA World Cup 2034: ફૂટબોલની સૌથી મોટી સંસ્થા ફીફા તરફથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ફેડરેશન ઈન્ટરનેશનલ ફૂટબોલ એસોસિએશન (FIFA) એ વર્ષ 2030 અને 2034માં FIFA વર્લ્ડ કપની યજમાનીનું એલાન કરી દીધું છે. વર્ષ 2034માં સાઉદી અરેબિયામાં ફૂટબોલનો મહાકુંભ યોજાશે. વર્ષ 2030ની યજમાની સંયુક્ત રીતે સ્પેન, પોર્ટુગલ અને મોરોક્કોને આપવામાં આવી છે. આ એલાન ફીફાના અધ્યક્ષ ગિયાની ઈન્ફેન્ટિનોએ કર્યું છે. સાઉદી અરેબિયા માટે યજમાનીને લઈને કોઈ પડકાર નહોતો. જ્યૂરિખ ફીફા વર્લ્ડ કપ માટે યોજાયેલી બેઠકમાં 200 થી વધુ સભ્ય દેશોએ સર્વસંમતિથી તેને મંજૂરી આપી દીધી છે.
ફીફા વર્લ્ડ કપ 2030ની ત્રણ મેચો દક્ષિણ અમેરિકામાં પણ રમાશે. તમને જણાવી દઈએ કે, FIFA વર્લ્ડ કપની આગામી એડિશન 2026માં યોજાશે. આ માટે અમેરિકા, કેનેડા અને મેક્સિકોને યજમાની સોંપવામાં આવી છે.
વર્ષ 2034ની યજમાની સાઉદી અરેબિયાને મળી
સાઉદી અરેબિયા ફૂટબોલ વર્લ્ડ કપ 2034ની યજમાની કરશે. જેની સાથે સાઉદી અરેબિયા ફૂટબોલ વર્લ્ડ કપની યજમાની કરનાર કતાર પછી બીજો મુસ્લિમ દેશ બની ગયો છે. સાઉદી અરેબિયાની યજમાનીનું એલાન કરતા ફીફા પ્રમુખ ઈન્ફેન્ટિનોએ કહ્યું કે, અમે ફૂટબોલને વધુ દેશોમાં પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમે ફીફા વર્લ્ડ કપમાં વધુને વધુ ટીમોની ભાગીદારી ઈચ્છીએ છીએ. હકીકતમાં સાઉદી અરેબિયાએ 2030 વર્લ્ડ કપની યજમાની કરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. સાઉદી અરેબિયા ઈજિપ્ત, ગ્રીસ અથવા ઈટાલી સાથે મળીને યજમાની કરવા ઈચ્છતો હતો. જેને UEFA દ્વારા સ્વીકાર કરવામાં નહોતો આવ્યો. ત્યારબાદ 2034 વર્લ્ડ કપ માટે સાઉદી અરેબિયાનું નામ આગળ વધારી દેવામાં આવ્યું હતું. આ બીજી વખત છે જ્યારે ફીફા વર્લ્ડ કપની યજમાની ખાડી દેશને મળી છે. કતાર વર્ષ 2022માં ફિફા વર્લ્ડ કપની યજમાની કરી ચૂક્યું છે.
2030 વર્લ્ડ કપની યજમાની 6 દેશ કરશે
ફીફાના અધ્યક્ષે 2030 અને 2034ની યજમાનીનું એલાન કર્યું છે. તેમણે જણાવ્યું કે, 2030માં એક કે બે નહીં પરંતુ 6 દેશો ફિફા વર્લ્ડ કપની યજમાની કરશે. સ્પેન, મોરોક્કો અને પોર્ટુગલ ઉપરાંત એક-એક મેચ દક્ષિણ અમેરિકન દેશો ઉરુગ્વે, પેરાગ્વે અને આર્જેન્ટિનાને આપવામાં આવી છે. ફીફાના એલાનથી એ નક્કી થઈ ગયું છે કે ફૂટબોલ વર્લ્ડ કપ 100 વર્ષ બાદ ફરી એક વખત ઉરુગ્વેમાં પરત ફરશે. આ પહેલા તેણે 1930માં ફૂટબોલ વર્લ્ડ કપની યજમાની કરી હતી. આ ખાસ અવસરના સમ્માનમાં જ ફીફાએ તેને મેચ આયોજિત કરવાનો અધિકાર આપ્યો છે. તેથી ઉદ્ઘાટન સમારોહ પણ ઉરુગ્વેમાં જ રાખવામાં આવ્યો છે.
આ પણ વાંચો: માઉન્ટ આબુમાં -3 ડિગ્રી તાપમાન, બરફની ચાદર પથરાતાં સહેલાણીઓ ઠંડીમાં ઠુંઠવાયા
મહિલા ફુટબોલ વર્લ્ડ કપનું પણ એલાન
આ બેઠકમાં મહિલા ફીફા વર્લ્ડ કપની યજમાની અંગે પણ જાહેરાત કરવામાં આવી છે. વર્લ્ડ ફૂટબોલની સર્વોચ્ચ સંસ્થા ફીફાએ 2027માં યોજાનાર મહિલા વર્લ્ડ કપ 24 જૂનથી 25 જુલાઈ સુધી બ્રાઝિલમાં રમાશે. આ પ્રથમ વખત હશે જ્યારે દક્ષિણ અમેરિકાના કોઈ દેશમાં આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. મહિલા વર્લ્ડ કપમાં કુલ 32 ટીમો ભાગ લેશે.