ફિફા વર્લ્ડ કપ 2034 માટે સાઉદીના સ્ટેડિયમો જોઈ વિશ્વ દંગ રહી ગયું, જુઓ પહેલી ઝલક
image:'X' |
FIFA World Cup 2034 Saudi Arabia Stadium: વર્ષ 2034માં ફૂટબોલના વિશ્વકપ ફિફા વર્લ્ડ કપની યજમાની સાઉદી અરેબિયા કરવાનું છે. આ મેગા સ્પોર્ટ્સ ઇવેન્ટ જુદા જુદા 15 સ્ટેડિયમમાં યોજાવાની છે. 15માંથી 4 સ્ટેડિયમ જૂના છે, જેનું હાલમાં નવીનીકરણ કરાઈ રહ્યું છે. 11 સ્ટેડિયમ એકદમ નવા બનશે. યજમાન શહેરોમાં રિયાધ, જેદ્દાહ, અલ ખોબાર, આભા અને હજુ સુધી જેનું નિર્માણકાર્ય પૂરું નથી થયું એવા 170 કિલોમીટર લાંબા અને 200 મીટર પહોળા રેખા-રૂપ ‘નિયોમ’ શહેરનો સમાવેશ થાય છે. દુનિયાભરના ટોપ આર્કિટેક્ટ સાઉદી અરેબિયામાં મચી પડ્યા છે અને ધરતી પર ક્યાંય ન હોય એવા અદ્યતન સ્ટેડિયમ બનાવી રહ્યા છે. તાજેતરમાં સાઉદી અરેબિયાએ નવા બનવા જઈ રહેલા 11 સ્ટેડિયમોની વિગતો બહાર પાડી છે. જોતાં જ આંખો પહોળી થઈ જાય એવા સ્ટેડિયમોનો પરિચય મેળવીએ. સૌથી પહેલાં ઝલક મેળવીએ સૌથી ભવ્ય સ્ટેડિયમની…
નિઓમ સ્ટેડિયમ, નિઓમ સિટી
આર્કિટેક્ચરની દુનિયાનું આશ્ચર્ય ગણાવાઈ રહેલું ‘નિઓમ સ્ટેડિયમ’ જમીનથી 350 મીટર ઉપર હશે. આમ તો આખેઆખું નિયોમ સિટી જ ‘અહો, આશ્ચર્યમ’ થઈ જવાય એવો પ્રોજેક્ટ છે. સાઉદી અરેબિયામાં 200 મીટર પહોળી અને 170 કિલોમીટર લાંબી એક ‘લાઇન’ (રેખા-નગર કહી શકો) નિર્માણ પામી રહ્યું છે. આ નિયોમ સ્ટેડિયમ એ લાઇનનો જ હિસ્સો હશે. 46,000 બેઠકો ધરાવતા આર્કિટેક્ચરના અદભુત નમૂનારૂપ આ સ્ટેડિયમનું બાંધકામ 2027 માં શરૂ થશે અને 2032 માં પૂર્ણ થઈ જશે.
કિંગ સલમાન ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, રિયાધ
સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં બની રહેલું ‘કિંગ સલમાન ઇન્ટરનેશનલ સ્ટેડિયમ’ સૌથી મોટું સ્ટેડિયમ હશે. 92,000ની બેઠક ક્ષમતા ધરાવતું આ સ્ટેડિયમ 2029 સુધીમાં તૈયાર થઈ જવાની ગણતરી છે. એને સ્થાનિક ભૂગોળ અને આબોહવાને અનુરૂપ ડિઝાઇન કરવામાં આવ્યું છે. એના બાંધકામમાં છાયા-પ્રકાશ અને કુદરતી હવાના આવાગમનનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ સ્ટેડિયમમાં વર્લ્ડ કપનો ઉદ્ઘાટન સમારંભ અને ફાઇનલ મેચનું આયોજન થશે.
પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સ્ટેડિયમ, કિદ્દિયા
એકદમ ફ્યુચરિસ્ટિક ડિઝાઇન ધરાવતું આ સ્ટેડિયમ 46,979 ની બેઠક ક્ષમતા ધરાવતું હશે. તુવાઈક ખડકો વચ્ચે બનનારા આ સ્ટેડિયમની બનાવટમાં બહુરંગી એલઇડી ગ્લાસ સ્ક્રીન તથા મેટાલિક ફિનિશ મટિરિયલનો ઉપયોગ કરવામાં આવશે, જે એને એકદમ આધુનિક ઓપ આપશે. 2034નો વર્લ્ડ કપ પત્યા પછી એનો ઉપયોગ એકથી વધુ રમત માટે, ઇ-સ્પોર્ટસ અને વિવિધ પ્રકારની કોન્સર્ટ માટે કરવામાં આવશે. એની અંદર ઓલિમ્પિક મ્યુઝિયમ પણ બનાવવામાં આવશે.
આ પણ વાંચો: પેરિસ ઓલિમ્પિક : ગાર્ડનમાં રાત વિતાવવા મજબૂર બન્યો ગોલ્ડ મેડાલિસ્ટ ખેલાડી, કારણ ચોંકાવનારું
ન્યુ મુરબ્બા સ્ટેડિયમ, રિયાધ
રિયાધના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં બની રહેલું ‘ન્યુ મુરબ્બા સ્ટેડિયમ’ 46,010 ની બેઠકો ધરાવે છે. એની ડિઝાઇન બાવળના ઝાડની છાલ પરથી પ્રેરણા લઈને બનાવાઈ છે. 2032 સુધીમાં આ સ્ટેડિયમ તૈયાર કરી દેવાનું લક્ષ્ય છે. વર્લ્ડ કપ પછી એનો ઉપયોગ કોન્સર્ટ, ગેમિંગ અને આઉટડોર ડાઇનિંગ માટે કરવામાં આવશે.
રોશન સ્ટેડિયમ, રિયાધ
રિયાધના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં બની રહેલા આ નવા સ્ટેડિયમની ડિઝાઇન અતિઆધુનિક કહી શકાય એવી છે. 46,000 દર્શકોને સમાવી શકતા આ સ્ટેડિયમમાં શેડિંગ અને વેન્ટિલેશનનો સરસ સમન્વય સધાયો છે. એનું આર્કિટેક્ચર સ્ફટિક જેવું બનાવાયું હોવાથી રાતના અંધારામાં ચળકાટ મારતું સ્ટેડિયમ અફલાતૂન નજારો સર્જે છે. એનું બાંધકામ 2028 માં શરૂ થશે અને 2032 માં પૂરું કરાશે.
પ્રિન્સ ફૈઝલ બિન ફહાદ સ્પોર્ટ્સ સિટી સ્ટેડિયમ, રિયાધ
સલમાની આર્કિટેક્ચરથી પ્રેરિત આ નવું સ્ટેડિયમ સ્થાનિક સ્તરે ઉપલબ્ધ મટિરિયલથી બનશે. મહત્ત્મ ઊર્જાનો બચાવ થાય એવી રીતે એની ડિઝાઇન કરવામાં આવી છે. 46,865 દર્શકોની બેઠક વ્યવસ્થા ધરાવતું આ સ્ટેડિયમ એક વિશાળ પાર્કનો ભાગ હશે. રિયાધની ભાગોળે બની રહેલા આ સમગ્ર સંકુલને મેટ્રો અને બસ નેટવર્ક વડે રિયાધ શહેર સાથે જોડવામાં આવશે. સ્ટેડિયમ હાલમાં નિર્માણાધીન છે અને 2027માં પૂર્ણ થવાની અપેક્ષા છે.
દક્ષિણ રિયાધ સ્ટેડિયમ, રિયાધ
રિયાધના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં સ્થિત આ સ્ટેડિયમ ‘ગ્રીન રિયાધ પ્રોજેક્ટ’નો હિસ્સો હશે. સમચોરસ આકાર અને ગોળ ખૂણા ધરાવતા આ સ્ટેડિયમનું બાંધકામ 2029 માં શરૂ કરવાની અને 2032 માં એને જાહેર જનતા માટે ખુલ્લું મૂકવાની યોજના છે. 2034 વર્લ્ડ કપ પછી એનો ઉપયોગ અન્ય રમતો માટે અને સામુદાયિક કાર્યક્રમો માટે થશે.
કિદ્દિયા કોસ્ટ સ્ટેડિયમ, જેદ્દાહ
સાઉદી અરેબિયાના પશ્ચિમ છેડે લાલ સમુદ્રને કાંઠે વસેલું શહેર છે જેદ્દાહ. જેદ્દાહના દરિયાકિનારાની નજીક બનનાર કિદ્દિયા કોસ્ટ સ્ટેડિયમનું બાંધકામ 2029 માં શરૂ થઈને 2032 સુધીમાં પૂર્ણ થઈ જશે. એની ક્ષમતા 46,000 દર્શકોને સમાવવાની છે. 2034ના ફીફા વર્લ્ડ કપ પછી આ સ્ટેડિયમ બહુહેતુક સ્થળ તરીકે સેવા આપશે.
આ પણ વાંચો: પેરિસ ઓલિમ્પિકમાં લક્ષ્ય સેનની સફરનો અંત, બ્રોન્ઝ મેડલ મેચમાં મલેશિયન સામે હાર
જેદ્દાહ સેન્ટ્રલ ડેવલપમેન્ટ સ્ટેડિયમ, જેદ્દાહ
45,000 ની બેઠક ધરાવતું આ સ્ટેડિયમ પરંપરાગત ‘અલ બલાદ સ્થાપત્ય’ સાથે આધુનિક ટેકનોલોજીનો સુમેળ દર્શાવે છે. ત્રણ સ્તર ધરાવતા આ સ્ટેડિયમમાં રિટ્રેક્ટેબલ (પાછી ખેંચી શકાય એવી) અર્ધપારદર્શક છત છે અને 360 ડીગ્રીની LED સ્ક્રીન પણ છે. નિર્માણાધીન આ સ્ટેડિયમનું બાંધકામ 2027 સુધીમાં પૂર્ણ કરી દેવાની યોજના છે.
કિંગ અબ્દુલ્લા ઇકોનોમિક સિટી સ્ટેડિયમ, જેદ્દાહ
45,000 થી વધુ બેઠકો ધરાવતું આ સ્ટેડિયમ લાલ સમુદ્રના કોરલ રીફથી પ્રેરિત ઓર્ગેનિક ડિઝાઇન ધરાવે છે. 2034 વર્લ્ડ કપ પછી આ સ્ટેડિયમને મલ્ટિફંક્શનલ હબ બનાવી દેવાશે અને એનું સંકુલ હોટલ, સ્પોર્ટ્સ ક્લિનિક, કોન્સર્ટ અને પ્રદર્શન જેવી પ્રવુત્તિઓ માટે વપરાશે.
અરામકો સ્ટેડિયમ, અલ ખોબર
46,000 જેટલી સીટિંગ કેપેસિટી ધરાવતું આ સ્ટેડિયમ હાલમાં અલ ખોબર શહેરના ઉત્તરી હિસ્સામાં બાંધકામ હેઠળ છે. સ્ટેડિયમ 2026 માં તૈયાર થઈ જવાની ગણતરી છે. એનું નિર્માણ અમેરિકાની જાણીતી આર્કિટેક્ચર ફર્મ ‘પોપ્યુલસ’ દ્વારા હાથ ધરાયું છે.
હવે એક નજર નાંખીએ જૂના પણ હાલમાં નવીનીકરણ પામી રહેલા સ્ટેડિયમો પર
કિંગ અબ્દુલ્લા સ્પોર્ટ્સ સિટી સ્ટેડિયમ, જેદ્દાહ
જેદ્દાહમાં હાલનું કિંગ અબ્દુલ્લા સ્પોર્ટ્સ સિટી સ્ટેડિયમ 57,000 જેટલી બેઠકો ધરાવે છે. વિશિષ્ટ ભૌમિતિક સ્થાપત્ય ધરાવતું આ સ્ટેડિયમ 2014માં બન્યું હતું. એમાં મુખ્યત્વે ફૂટબોલની ઇવેન્ટ્સ જ યોજાય છે. 2032 સુધીમાં આ ગોળાકાર સ્ટેડિયમનું નવીનીકરણ કરી દેવાશે ત્યારે એ અત્યાધુનિક તકનીકોથી સજ્જ હશે.
કિંગ ખાલિદ યુનિવર્સિટી સ્ટેડિયમ, આભા
1987 માં બનેલા કિંગ ખાલિદ યુનિવર્સિટી સ્ટેડિયમની વર્તમાન બેઠક ક્ષમતા છે 22,000. ફૂટબોલ વિશ્વ કપ માટેનું વિસ્તરણ પૂરું થશે ત્યારે એની બેઠક ક્ષમતા વધીને 45,000 થઈ જશે. આધુનિક સુવિધાઓ સાથે એક આખું નવું સ્ટેન્ડ ઉમેરાવાનું હોવા છતાં નવીનીકરણમાં એ વાતનું ધ્યાન રખાશે કે સ્ટેડિયમનું ઐતિહાસિક મહત્વ જળવાઈ રહે.
કિંગ સાઉદ યુનિવર્સિટી સ્ટેડિયમ, રિયાધ
2015 માં બનેલું આ સ્ટેડિયમ 25,000 સીટ ધરાવે છે. ફૂટબોલ વિશ્વ કપ માટે એની ક્ષમતા વધારીને 46,000 સીટની કરવામાં આવશે. એ પછી એની બેઠકો ફરી ઘટાડીને 33,000 કરી દેવાશે. રિયાધની યુનિવર્સિટીની સ્પોર્ટ્સ ટીમો એનો ઉપયોગ કરશે. સ્ટેડિયમના રિનોવેશનનું કામ 2030 માં શરૂ થશે અને 2032 માં સમાપ્ત થશે.
કિંગ ફહદ સ્પોર્ટ્સ સિટી સ્ટેડિયમ, રિયાધ
1987 માં બનેલું ‘કિંગ ફહદ સ્પોર્ટ્સ સિટી સ્ટેડિયમ’ સાઉદી અરેબિયાના રાષ્ટ્રીય ફૂટબોલ ટીમનું ‘ઘર’ છે. ‘ધ ટેન્ટ’ (તંબુ) તરીકે પણ ઓળખાતું આ બહુહેતુક સ્ટેડિયમ 58,398 ની બેઠક ક્ષમતા ધરાવે છે. ટેન્સિલ રૂફ સ્ટ્રક્ચર ધરાવતા આ સ્ટેડિયમનું હાલમાં રિનોવેશન કરાઈ રહ્યું છે. 2026 સુધીમાં એની બેઠકો 92,000 કરી દેવામાં આવશે.