FIFA World Cup : ક્લોઝિંગ સેરેમનીમાં નોરા ફતેહી કરશે પરફોર્મ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો
ફિફા વર્લ્ડ કપ-2022ની ફાઇનલ મેચમાં ફ્રાન્સ અને આર્જેન્ટિના ટકરાશે
ફાઈનલ મેચમાં તમામની નજર એમબાપ્પે અને લિયોનેલ મેસી પર રહેશે
Image Source by - FIFA |
કતાર, તા.18 ડિસેમ્બર-2022, રવિવાર
કતારમાં રમાઈ રહેલા ફીફા વર્લ્ડકપ 2022ની ફાઈનલનો સમય નજીક આવી ગયો છે. આ ટાઇટલ મેચ આજે (18 ડિસેમ્બર) ફ્રાન્સ અને આર્જેન્ટિના વચ્ચે રમાશે. ફ્રાન્સની ટીમે સેમિફાઇનલમાં મોરોક્કોને 2-0થી હરાવ્યું હતું. આ સાથે જ લિયોનેલ મેસીના નેતૃત્વમાં આર્જેન્ટિનાએ ક્રોએશિયાને 3-0થી હરાવી દીધું હતું.
ફાઇનલ મેચમાં જોરદાર ટક્કર જોવા મળશે, કારણ કે, આ મેચમાં એમબાપ્પે અને લિયોનેલ મેસ્સી જેવા ખેલાડીઓ જોવા મળશે. મેચ પહેલા ક્લોઝિંગ સેરેમની પણ યોજાશે, જેમાં ભારતીય અભિનેત્રી નોરા ફતેહી પણ પરફોર્મ કરશે. ફુટબોલના ચાહકો મનમાં એ પ્રશ્ન હશે કે તેઓ આર્જેન્ટિના અને ફ્રાન્સ વચ્ચેની મેચ અને ક્લોઝિંગ સેરેમની ક્યારે અને ક્યાં જોઈ શકશે. તો જાણીએ ફાઈનલ મેચ અને ક્લોઝિંગ સેરેમનીની વધુ વિગતો...
ફાઈનલ મેચ અને ક્લોઝિંગ સેરેમની ક્યાં યોજાશે ?
ફાઇનલ અને ક્લોઝિંગ સેરેમની દોહા લુસેલ સ્ટેડિયમમાં યોજવામાં આવશે. લુસેલ સ્ટેડિયમ આ દેશનું સૌથી મોટું સ્ટેડિયમ છે અને આ સ્ટેડિયમમાં 89 હજાર દર્શકો સમાઈ શકે છે. ફ્રાન્સ અને આર્જેન્ટિના વચ્ચેની ફાઇનલ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8.30 વાગ્યે શરૂ થશે. બંને ટીમોની સ્ટાર્ટિંગ લાઇન-અપ લગભગ એક કલાક પહેલા આવશે અને ક્લોઝિંગ સેરેમની ભારતીય સમય અનુસાર સાંજે 6.30 વાગ્યાથી યોજાશે.
ફાઈનલ મેચ અને ક્લોઝિંગ સેરેમની ક્યાં જોઈ શકાશે ?
ફિફા વર્લ્ડકપ-2022ની ફાઇનલ મેચ અને ક્લોઝિંગ સેરેમનીનું લાઇવ ટેલિકાસ્ટ ભારતમાં સ્પોર્ટ્સ 18 અને સ્પોર્ટ્સ 18HD ચેનલો પર જોવા મળશે. તમે Jio સિનેમા એપ અને તેની વેબસાઇટ દ્વારા પણ ફાઇનલ મેચનો ફ્રીમાં આનંદ માણી શકો છો.
અગાઉની હારનો બદલો લેવા માંગશે આર્જેન્ટિના
વર્ષ 2018માં યોજાયેલા વર્લ્ડ કપમાં ફ્રાન્સ અને આર્જેન્ટિનાની ટીમ વચ્ચે ટક્કર થઈ હતી. આ મેચમાં ફ્રાન્સે આર્જેન્ટિનાને 4-3થી હરાવી દીધું હતું. ફ્રાન્સ તરફથી 4માંથી 2 ગોલ કિલિયન એમબાપ્પે કર્યા હતા. તો આ મેચમાં મેસ્સી એક પણ ગોલ કરી શક્યો નહોતો. બાદમાં એમબાપ્પેએ ક્રોએશિયા સામેની ફાઈનલ મેચમાં પણ ગોલ કર્યો હતો.