Get The App

પિતાએ નોકરી છોડી ક્રિકેટર બનાવ્યો, મેલબર્નમાં કાંગારુઓને હંફાવી સદીવીર નીતિશ રેડ્ડી છવાયો

Updated: Dec 28th, 2024


Google NewsGoogle News
પિતાએ નોકરી છોડી ક્રિકેટર બનાવ્યો, મેલબર્નમાં કાંગારુઓને હંફાવી સદીવીર નીતિશ રેડ્ડી છવાયો 1 - image

IND Vs AUS, Nitish Kumar Reddy : હાલ મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ ટેસ્ટ મેચોની સીરિઝની ચોથી મેચ રમાઈ રહી છે. આ મેચના ત્રીજા દિવસે ભારતીય ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડીએ શાનદાર પ્રદર્શન કરીને ભારતની પહેલી ઇનિંગમાં તેણે સદી ફટકારી હતી. નીતિશે 171 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ દરમિયાન તેણે 10 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. નીતિશની ટૂંકી ટેસ્ટ કારકિર્દીની આ પહેલી સદી હતી.  

નીતિશની શાનદાર ઇનિંગે ભારતને સંકટમાંથી ઉગાર્યું

આ મેચમાં નીતિશ કુમાર રેડ્ડી જ્યારે ક્રિઝ પર આવ્યા ત્યારે ભારતે 191ના સ્કોર પર 6 વિકેટે ગુમાવી દીધી હતી અને ફોલોઓનનો ખતરો હતો. પરંતુ નીતિશની શાનદાર ઇનિંગે ભારતને સંકટમાંથી ઉગારી લીધું. નીતિશે વોશિંગ્ટન સુંદર સાથે મળીને આઠમી વિકેટ માટે 127 રનની ભાગીદારી કરી હતી. આ ભાગીદારીના કારણે જ ભારતીય ટીમ ફોલોઓનથી બચાવવામાં સફળ રહી હતી. 

પોતાના ડેબ્યુ પર ટીકાકારોને જડબાતોડ જવાબ આપ્યો 

જ્યારે નીતિશ કુમાર રેડ્ડીને ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતીય ટીમમાં સ્થાન મળ્યું ત્યારે આ નિર્ણય પર અનેક સવાલો ઊભા થયા હતા. પર્થ ટેસ્ટમાં નીતિશે પોતાના ડેબ્યુ પર ટીકાકારોને જડબાતોડ જવાબ આપ્યો હતો. નીતિશે પર્થ ટેસ્ટની ઇનિંગ્સમાં 41 અને 38 રન બનાવ્યા હતા. આ પછી તેણે એડિલેડ ટેસ્ટમાં પણ બંને ઇનિંગ્સમાં 42-42 રન બનાવ્યા હતા. ગાબા ટેસ્ટમાં નીતિશે 16 રન કર્યા હતા.  

પિતાએ નીતિશની ક્રિકેટ કારકિર્દી માટે પોતાની નોકરી છોડી દીધી

અહીં સુધી પહોંચવામાં નીતિશ કુમાર રેડ્ડીની ક્રિકેટની સફર આસાન રહી ન હતી. હકીકતમાં નીતિશ સામાન્ય પરિવારમાંથી આવે છે. તેમના પિતાએ તેની ક્રિકેટ કારકિર્દી માટે પોતાની નોકરી છોડી દીધી હતી. તેના પિતાની મહેનતનું જ પરિણામ છે કે નીતિશ આજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સ્ટાર બનીને ઉભરી આવ્યા છે. નીતિશે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, 'મારા પિતા એવા પહેલા વ્યક્તિ હતા કે જેમણે મારા પર વિશ્વાસ કર્યો કે હું એક સારો ક્રિકેટર બની શકું છું.' નીતિશ કુમાર રેડ્ડીના પિતા મુત્યાલાએ એક ઇન્ટરવ્યૂમાં પોતાના પુત્ર વિશે મોટો ખુલાસો કરતાં કહ્યું હતું કે, 'નેશનલ ક્રિકેટ એકેડમી(NCA)માં ભારતીય ટીમના સિનિયર ઓલરાઉન્ડર હાર્દિકને મળ્યા બાદ નીતિશની કારકિર્દી બદલાઈ ગઈ હતી. ત્યારથી જ તે માત્ર ઓલરાઉન્ડર બનવા માંગતો હતો.'

આ પણ વાંચો : Ind vs Aus 4th Test Live| મેલબર્નમાં નીતિશ રેડ્ડીની દમદાર સેન્ચુરી, વોશિંગ્ટનની ફિફ્ટી, કાંગારૂ બોલર્સ થયા લાચાર

નીતિશની અત્યાર સુધીની ક્રિકેટની સફર 

ઘરેલું ક્રિકેટ અને IPLમાં નીતિશ કુમાર રેડ્ડીના શાનદાર પ્રદર્શન બાદ તેની ભારતીય ટીમમાં પસંદગી કરવામાં આવી હતી. નીતિશે આ વર્ષે ઑક્ટોબરમાં બાંગ્લાદેશ સામેની રમાયેલી મેચમાં પોતાનું T20Iમાં ડેબ્યૂ કર્યું હતું. નીતિશે રણજી ટ્રોફી દરમિયાન મુંબઈ સામેની તેની બીજી ફર્સ્ટ ક્લાસ મેચમાં 5 વિકેટ લીધી હતી. નીતિશે બાંગ્લાદેશ સામેની ડેબ્યૂ T20 સીરિઝમાં પણ ત્રણ વિકેટ ઝડપી હતી. એટલું જ નહીં નીતિશે ઓસ્ટ્રેલિયા સામેની વર્તમાન ટેસ્ટ સીરિઝમાં અત્યાર સુધીમાં ત્રણ વિકેટ ઝડપી છે.

પિતાએ નોકરી છોડી ક્રિકેટર બનાવ્યો, મેલબર્નમાં કાંગારુઓને હંફાવી સદીવીર નીતિશ રેડ્ડી છવાયો 2 - image


 


Google NewsGoogle News