IND vs BAN: ડેબ્યૂ પાક્કું હતું, પણ છેલ્લી ઘડીએ વાઇરલ ઈન્ફેક્શનના કારણે સ્ટેડિયમ ન પહોંચી શક્યો ભારતનો આ ખેલાડી
Image : Instagram |
Harshit Rana : ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની T20 સીરિઝની છેલ્લી મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે આ મેચમાં 133 રનથી ભવ્ય વિજય મેળવ્યો હતો. આ મેચમાં ઝડપી બોલર હર્ષિત રાણા પોતાનું ડેબ્યૂ કરવાનો હતો. પરંતુ તે આ મેચ રમવા માટે સ્ટેડિયમ પહોંચી શક્યો ન હતો.
હકીકતમાં અર્શદીપ સિંહની જગ્યાએ હર્ષિત રાણાને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવનાર હતો. જો કે તેની જગ્યાએ રવિ બિશ્નોઈએ મેચ રમી હતી. આ અંગે બીસીસીઆઈએ માહિતી આપી હતી કે, હર્ષિતને વાઈરલ ઈન્ફેક્શન થયું છે. જેથી કરીને તે સ્ટેડિયમ પહોંચી શક્યો ન હતો. બોર્ડે એક નિવેદન જાહેર કરતા જણાવ્યું હતું કે, 'હર્ષિત રાણા વાઈરલ ઈન્ફેક્શનને કારણે ત્રીજી T20 મેચ માટે પસંદગી માટે ઉપલબ્ધ ન હતો અને ટીમ સાથે સ્ટેડિયમ પણ ગયો ન હતો.'
આગામી સમયમાં ભારતીય ટીમે બાંગ્લાદેશ સામેની T20 સીરિઝ બાદ ટેસ્ટ ન્યૂઝીલેન્ડ સામે સીરિઝ રમવાની છે. ત્રણ ટેસ્ટ મેચની આ સીરિઝમાં ભારતને ન્યુઝીલેન્ડના અનેક પડકારનો સામનો કરવો પડશે. આ સીરિઝમાં હર્ષિત રાણા એક રિઝર્વ ખેલાડી તરીકે સામેલ છે. પસંદગીકારોએ 15 ખેલાડીઓ ઉપરાંત 4 ટ્રાવેલિંગ રિઝર્વની પણ પસંદગી કરી છે. હર્ષિત રાણા ઉપરાંત તેમાં નીતિશ કુમાર રેડ્ડી, પ્રસિદ્ધ કૃષ્ણા અને મયંક યાદવનો સમાવેશ થાય છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 16 ઓક્ટોબરથી ટેસ્ટ સીરિઝની શરૂઆત થશે.
હર્ષિત રાણા IPLમાં દિલ્હી અને કોલકાતા તરફથી રમે છે. તેણે 9 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 36 વિકેટ અને 14 લિસ્ટ A મેચમાં 22 વિકેટ ઝડપી છે. આ સિવાય T20 ક્રિકેટમાં તેણે 25 મેચમાં 28 વિકેટ ઝડપી છે.
ન્યુઝીલેન્ડ સામેની સીરિઝ માટેની ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુબમન ગિલ, વિરાટ કોહલી, કે.એલ રાહુલ, સરફરાઝ ખાન, રિષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર) , રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ