6 ફૂટ ત્રણ ઈંચના બોલરે સૌરાષ્ટ્રના ધુરંધરોને પવેલિયન ભેગા કરી મચાવ્યો તરખાટ, એક સમયે કોહલીને અપાવ્યો હતો ગુસ્સો
Image : Instagram |
Gurjapneet Singh : ગઈ કાલે રણજી ટ્રોફીની એક મેચમાં સૌરાષ્ટ્ર સામે તમિલનાડુના ઝડપી બોલર ગુરજપનીત સિંહે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે બીજી ઇનિંગમાં 22 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. જેના કારણે સૌરાષ્ટ્રની ટીમ માત્ર 94 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. સૌરાષ્ટ્રના માત્ર ત્રણ બેટર ડબલ ફિગર પાર કરી શક્યા હતા. તેણે ચેતેશ્વર પૂજારાને ખાતું પણ ખોલવા દીધું ન હતું.
શાનદાર બોલિંગ બાદ ગુરજપનીત સિંહે કરેલી ભારતના સ્ટાર બેટર વિરાટ કોહલીને લઈને એક કિસ્સો શેર કર્યો હતો. તેણે કહ્યું હતું કે, ગયા મહિને બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સીરિઝ પહેલા તેણે કોહલીને નેટ સેશનમાં ક્લીન બોલિંગ કર્યો હતો. ત્યારે કોહલીએ તેની સામે ગુસ્સાથી જોયું હતું. જો કે વિરાટને આઉટ કર્યા પછી ગુરજપનીત સિંહે ઉજવણી કરી ન હતી. તેણે કહ્યું કે, એ ક્ષણ હું જીવનમાં ક્યારેય ભૂલી શકીશ નહીં. ત્યારબાદ કોહલીએ સ્ટ્રેટ ડ્રાઈવ ફટકારી ગુરજપનીતને જવાબ આપ્યો હતો. બાદમાં વિરાટે તેને સલાહ પણ આપી હતી.
ગુરજપનીત સિંહે જણાવ્યું હતુ કે, 'વિરાટને ક્લીન બોલિંગ કર્યા પછી, મેં તેની તરફ જોયું પરંતુ ફરીથી તેની તરફ જોવાની હું હિંમત કરી શક્યો નહીં. તે ખૂબ ગુસ્સે થઇ ગયો હતો. પરંતુ પછી મને સમજાયું કે તે બીજા કોઈ પર નહી પરંતુ પોતાના પર ગુસ્સે થયો હતો. પછીના બોલ પર સ્ટ્રેટ ડ્રાઇવ માર્યા પછી, તેણે મારી તરફ જોયું અને હસ્યો હતો.'
વિરાટ કોહલી સાથેની વાતચીત શેર કરતા ગુરજપનીતે કહ્યું, 'વિરાટે મને કહ્યું હતું કે જ્યારે બોલ હલતી ના હોય ત્યારે એંગલ બદલો અને વિકેટની આસપાસ બોલિંગ કરવાનો પ્રયાસ કરજે. જો આ એંગલ સાથે થોડી પણ હલચલ થશે તો બેટરને આ બોલને રમવામાં સમસ્યા થશે.'
પંજાબનો રહેવાસી ગુરજપનીત સિંહને શરૂઆતની કારકિર્દીમાં વધુ તકો મળી ન હી. ત્યારબાદ તે ચેન્નાઈ શિફ્ટ થઈ ગયો હતો. ગુરજપનીત મોહમ્મદ આમિર, શોએબ અખ્તર, મોહમ્મદ આસિફ અને વસીમ અકરમ જેવા ઝડપી બોલરોથી ઘણો પ્રભાવિત છે.