જાડેજાએ ધોનીના ઘરની બહાર ફોટો પડાવ્યો, સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતાં જ યુઝર્સે ખૂબ મજા લીધી
રાંચીમાં રમાયેલી ચોથી ટેસ્ટ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 5 વિકેટથી હરાવ્યું હતું
Image:Instagram |
Ravindra Jadeja : રાંચીમાં રમાયેલી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ચોથી ટેસ્ટ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 5 વિકેટથી હરાવ્યું હતું. આ જીત સાથે ભારતે પાંચ મેચની ટેસ્ટ સીરિઝમાં 3-1ની અજેય લીડ મેળવી લીધી છે. ચોથી ટેસ્ટ બાદ ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ એક પોસ્ટ શેર કરી છે, જેના પર ફેન્સ જાડેજાની મજા લઇ રહ્યા છે. જાડેજાએ પૂર્વ ભારતીય કેપ્ટન અને દિગ્ગજ વિકેટકીપર બેટર એમએસ ધોનીના ઘરની બહાર ફોટો પડાવ્યો હતો.
જાડેજાએ શેર કરી ત્રણ તસવીરો
સોશિયલ મીડિયા પર પોતાની ત્રણ તસવીરો શેર કરતા જાડેજાએ લખ્યું, "લેજેન્ડરી એમએસ ધોનીના ઘરની સામે ફેન તરીકે પોઝ આપવાનો આનંદ આવી રહ્યો છે." જાડેજાની પોસ્ટને ચાહકો તરફથી ઘણી રમૂજી પ્રતિક્રિયાઓ મળી રહી છે. એક યુઝરે હસતા ઇમોજી સાથે કોમેન્ટ કરી, "માહી ભાઈ, હવે તેને અંદર આવવા દો." અન્ય યુઝરે કહ્યું, "સાક્ષી ભાભીને કહેવું જોઈતું હતું, તેઓએ ગેટ ખોલી દીધો હોત. આ રીતે બહારથી કેમ જતા રહ્યા.''
CSK અને RCB વચ્ચે રમાશે IPLની પ્રથમ મેચ
ચેન્નઈ સુપર કિંગ્સએ ધોનીના નેતૃત્વમાં પાંચ IPL ટ્રોફી જીતી છે. CSKએ IPL 2023નો ખિતાબ જીત્યો હતો. CSK સિવાય માત્ર મુંબઈ ઈન્ડિયન્સ પાંચ વખત IPL ચેમ્પિયન બની છે. IPL 2024ની શરૂઆત 22 માર્ચથી થશે. IPLની 17મી સિઝનની પ્રથમ મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે.