આ તો ભારતનું અપમાન કહેવાય...', IND vs SA મેચમાં બની એવી ઘટના કે ફેન્સ થયા ગુસ્સે!
Representative Image |
Indian National Anthem Was Sung Twice In IND Vs SA Match : ભારતીય ક્રિકેટ હાલમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે. પહેલી T20Iમાં ભારતે યજમાન દેશને હરાવી દીધી હતી. ડરબન ખાતે યોજાયેલી આ મેચમાં ટોસ જીત્યા બાદ દક્ષિણ આફ્રિકાના કેપ્ટન એડન માર્કરામે પહેલા બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. મેચ શરૂ થતા પહેલા જ્યારે બંને દેશોના ખેલાડીઓ રાષ્ટ્રગીત માટે મેદાનમાં આવ્યા ત્યારે એક વિચિત્ર ઘટના બની હતી.
શું હતી સમગ્ર ઘટના?
હકીકતમાં રાષ્ટ્રગીત દરમિયાન ટેકનિકલ ખામીના કારણે ભારતીય ખેલાડીઓએ બે વાર રાષ્ટ્રગીત ગાવું પડ્યું હતું. આ દરમિયાન ભારતીય ખેલાડીઓ મૂંઝવણમાં જોવા મળ્યા હતા. અને તેમણે બે વાર રાષ્ટ્રગીત ગાયું હતું. હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ભારતીય ખેલાડીઓ બે વખત રાષ્ટ્રગીત ગાતા જોવા મળી રહ્યા છે. પહેલી વખત રાષ્ટ્રગીત ગાતી વખતે સ્ટેડિયમમાં હાજર સાઉન્ડ સિસ્ટમમાં કેટલીક ટેકનિકલ ખામી સર્જાઈ હતી. જેના કારણે ફરીથી રાષ્ટ્રગીત શરૂ થયું હતું.
આ પણ વાંચો : સંજુ સેમસને રચ્યો ઇતિહાસ, T20Iમાં આ દમદાર સિદ્ધિ મેળવનાર બન્યો પહેલો એશિયન ખેલાડી
ચાહકોએ નિરાશા વ્યક્ત કરી
આ ઘટના દરમિયાન રાષ્ટ્રગીત અધવચ્ચે જ બંધ થઇ ગયું હતું. જેથી કરીને હાર્દિક પંડ્યા અને તિલક વર્મા સહિત કેટલાક ખેલાડીઓ ચોંકી ગયા હતા. જ્યારે કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને અક્ષર પટેલ આ ઘટના પર હસતા જોવા મળ્યા હતા. જયારે ભારતીય ચાહકોએ આ અંગે નિરાશા વ્યક્ત કરી હતી. ચાહકોએ આ અંગે સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. ઘણાં લોકોએ ટેકનિકલ ખામીને ભારતનું અપમાન ગણાવ્યું હતું. અને આયોજકો પર સવાલો ઉઠાવ્યા હતા.
ભારતે મેળવી શાનદાર જીત
જો આ મેચની વાત કરીએ તો દક્ષિણ આફ્રિકા સામેને પહેલી T20I મેચમાં 61 રને જીતી લીધી હતી. અને ચાર મેચની સીરિઝમાં 1-0ની લીડ મેળવી લીધી હતી. ભારતે આપેલા 203 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમ ભારતીય બોલરો ચક્રવર્તી અને બિશ્નોઈની શાનદાર બોલિંગ સામે 17.5 ઓવરમાં 141ના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. T20Iમાં ભારતની આ સતત 11મી જીત છે. સંજુ સેમસનને કરેલી શાનદાર સદી માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.