મેચ ભલે ટાઈ થઇ પણ ટીમ ઈન્ડિયાના હિટમેને કર્યો કમાલ, માસ્ટર બ્લાસ્ટરના રેકોર્ડની કરી બરાબરી

Updated: Aug 3rd, 2024


Google NewsGoogle News
મેચ ભલે ટાઈ થઇ પણ ટીમ ઈન્ડિયાના હિટમેને કર્યો કમાલ, માસ્ટર બ્લાસ્ટરના રેકોર્ડની કરી બરાબરી 1 - image


Image: Facebook

Rohit Sharma Record: ઈન્ડિયા વર્સિસ શ્રીલંકા પહેલી વનડે ટાઈ જરૂર રહી, પરંતુ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ એક વખત ફરીથી પોતાની આક્રમક બેટિંગથી દરેકનું દિલ જીતી લીધું. પાવરપ્લેમાં તે એકવાર ફરી બોલરો પર કહેર બનીને વરસ્યો. તેણે 47 બોલ પર 7 ચોગ્ગા અને 3 ગગનચુંબી સિક્સરની મદદથી 58 રનની શાનદાર ઈનિંગ રમી. આ ઈનિંગના દમ પર હિટમેને ઓપનર તરીકે ક્રિકેટના ભગવાન કહેવાતાં સચિન તેંડુલકરના રેકોર્ડની બરાબરી કરી લીધી છે, સાથે જ તેણે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 15000 રનનો આંકડો પણ સ્પર્શ્યો છે. 

રોહિત શર્માનો આ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ઓપનર તરીકે 120મો 50થી વધુનો સ્કોર છે. આ સાથે તેણે ઈનિંગની શરૂઆત કરતાં સૌથી વધુ 50થી વધુ રન બનાવવાના મામલે સચિન તેંડુલકરની સરખામણી કરી લીધી છે. સચિને પણ ઓપનર તરીકે પોતાના કરિયરમાં 120 વખત 50થી વધુનો સ્કોર બનાવ્યો હતો. આ વર્લ્ડ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નરના નામે છે, જેણે પોતાના કરિયરમાં રેકોર્ડ 146 વખત ઈનિંગમાં 50થી વધુનો સ્કોર બનાવ્યો હતો.

રોહિત શર્મા બન્યો 15 હજારી

રોહિત શર્માએ પોતાની આ 58 રનની ઈનિંગના દમ પર ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ઓપનર તરીકે 15 હજાર રનનો આંકડો સ્પર્શ્યો, તે આવું કરનાર વિશ્વનો 10મો અને ભારતનો ત્રીજો ખેલાડી બન્યો છે. હિટમેન પહેલા વીરેન્દ્ર સહેવાગ અને સચિન તેંડુલકરે આ કારનામું કરી ચૂક્યા છે.

15 હજાર ઈન્ટરનેશનલ રન બનાવનાર ખેલાડીઓની લિસ્ટમાં રોહિત શર્માનો નંબર સચિન તેંડુલકર બાદ બીજા નંબરે આવે છે. સચિને 331 ઈનિંગમાં હિટમેને 352 ઈનિંગમાં આ કારનામું કર્યું છે.

ઓપનર તરીકે સૌથી ઓછી ઈનિંગમાં 15 હજાર ઈન્ટરનેશનલ રન

331 - સચિન તેંડુલકર

352- રોહિત શર્મા

361- ડેવિડ વોર્નર

363- વીરેન્દ્ર સહેવાગ

368- ગ્રીમ સ્મિથ

374- એલિસ્ટર કુક

રાહુલ દ્રવિડનો રેકોર્ડ તોડવામાં 1 રનથી ચૂક્યો રોહિત

વનડે ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે રોહિત શર્મા પૂર્વ કોચ રાહુલ દ્રવિડને પછાડવાથી એક રનથી ચૂકી ગયો. જો હિટમેન આવું કરવામાં સફળ રહેતો તો તે વનડે ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ચોથો બેટ્સમેન બની જાત. રોહિત હાલ 10767 રનની સાથે 5માં સ્થાને છે. રાહુલ દ્રવિડ 10768 રનની સાથે ચોથા સ્થાને છે. આ લિસ્ટમાં સચિન તેંડુલકર 18426 રનની સાથે પહેલા, વિરાટ કોહલી 13872 બીજા અને સૌરવ ગાંગુલી 11221 ત્રીજા નંબરે છે.


Google NewsGoogle News