અલવિદા અંશુમન ગાયકવાડઃ આ જાંબાજ ક્રિકેટરે રમી હતી સૌથી ભયંકર મેચ, કાનનો પડદો ફાટી જતાં ઓપરેશન કરાવવું પડ્યું

Updated: Aug 1st, 2024


Google NewsGoogle News
અલવિદા અંશુમન ગાયકવાડઃ આ જાંબાજ ક્રિકેટરે રમી હતી સૌથી ભયંકર મેચ, કાનનો પડદો ફાટી જતાં ઓપરેશન કરાવવું પડ્યું 1 - image

Strong player Anshuman gaekwad died : ભારતીય ક્રિકેટ ટીમના ઇતિહાસમાં એક એકથી ચઢિયાતા ખેલાડીઓ રહ્યા છે. પરંતુ, તેમાંથી ખાસ હિંમતવાન ખેલાડીઓની જ વાત કરવામાં આવે, તો તેમાં અંશુમન ગાયકવાડનું નામ ચોક્કસપણે લેવામાં આવશે. અંશુમન ગાયકવાડનું આજે એટલે કે પહેલી ઑગસ્ટે બ્લડ કેન્સરથી મૃત્યુ થયું છે.

અંશુમનને તેમના ઉત્સાહ અને જુસ્સા માટે સલામ છે. તેઓ હિંમતવાળા હતા. જેનું ઉદાહરણ તેઓએ ઘણી વખત આપ્યું હતું. અને, પછી તેમની ટેસ્ટ સીરિઝ કોણ ભૂલી શકે, જેમાં તેમણે તેમના સાથી ખેલાડીઓને ઇજાગ્રસ્ત થતા જોયા, તેમ છતાં પણ તેમનો વિશ્વાસ ડગ્યો નહીં. પાકિસ્તાનના હોશ ઉડાડતા તેમને 12 કલાક પણ ન લાગ્યા. દિગ્ગજ ભારતીય ઓપનર અંશુમન ગાયકવાડનું ગઈકાલ 31 જુલાઈ 2024ના રોજ 71 વર્ષની વયે નિધન થયું છે. 

અંશુમન ગાયકવાડ બ્લડ કેન્સર સામે જંગ હારી ગયા 

અંશુમન ગાયકવાડ બ્લડ કેન્સર સામે લડી રહ્યા હતા. તેની સારવાર માટે BCCI પાસેથી મદદ પણ મળી હતી. પરંતુ, ક્રિકેટના મેદાનનો આ બહાદુર ઓપનર મોતને હરાવી ના શક્યો. આખરે  જીવલેણ બીમારી કેન્સરે તેમનો ભોગ લીધો. અંશુમન ગાયકવાડને 70 અને 80ના દાયકાનો ભારતીય ક્રિકેટનો એક ભરોસાપાત્ર ચહેરો કહેવામાં આવતો હતો. તેમનો વિશ્વાસ એટલો મજબૂત હતો કે પછીથી તેઓ સુનીલ ગાવસ્કરના 'જમણો હાથ' પણ કહેવાતા હતા. 

આ પણ વાંચો : અલવિદા અંશુમન ગાયકવાડઃ આ જાંબાજ ક્રિકેટરે 12 કલાકમાં પાકિસ્તાનના હોશ ઉડાવી દીધા હતા

વેસ્ટ ઇન્ડિઝમાં રમાઈ સૌથી ભયંકર મેચ  

અંશુમન ગાયકવાડ જે ટેસ્ટ સીરિઝને કારણે જાણીતા છે, તે ટેસ્ટ સીરિઝ વેસ્ટ ઇન્ડિઝની ધરતી પર રમાઈ હતી. કિંગસ્ટનનું મેદાન હતું અને વર્ષ હતું 1976. અગાઉ ભારતે પોર્ટ ઑફ સ્પેનમાં રમાયેલી સીરિઝની ત્રીજી ટેસ્ટ જીતી હતી. 70ના દાયકાની ખૂંખાર ખેલાડીઓવાળી વેસ્ટ ઇન્ડિઝની ટીમ તે હારથી ખૂબ જ દુઃખી થઈ હતી. ત્યારે કિંગ્સટનમાં રમાયેલી ચોથી ટેસ્ટમાં ક્લાઈવ લોઇડની પેસ બેટરીએ શોર્ટ બોલથી ભારતીય બેટરોનું સ્વાગત કર્યું હતું. ભારતીયોને આ પ્રકારના હુમલાની આશા નહોતી. તેમ છતાં તેઓએ તેનો હિંમતપૂર્વક સામનો કર્યો. અંશુમન ગાયકવાડ અને ગાવસ્કરે ઓપનિંગ વિકેટ માટે 136 રન બનાવ્યા હતા.

ઘાયલ સાથીદારો પણ અડગ રહ્યા, કાનનો પડદો ફાટી ગયો

વેસ્ટ ઇન્ડિઝના બોલરોએ જોયું કે, એકલા શોર્ટ બોલ કામ નથી કરી રહ્યા તેથી તેઓએ ભારતીય ખેલાડીઓના શરીરને નિશાન બનાવવાનું શરુ કર્યું. પરિણામ એ આવ્યું કે, ગુંડપ્પા વિશ્વનાથને ભારે ઇજાઓ પહોંચી તેથી તેમને તાત્કાલિક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. આ બધું તેમની આંખ સામે બનતું જોયા પછી પણ અંશુમન ગાયકવાડ જરા પણ ડર્યા નહીં અને જોશ સાથે રમવાનું ચાલુ રાખ્યું. આ દરમિયાન એક બોલ તેમને કાન પર વાગ્યો હતો જેના કારણે તેમના કાનનો પડદો ફાટી ગયો અને તેમને ઓપરેશન કરાવવું પડ્યું. આ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં ભારતની આવી હાલત હતી. 

આ પણ વાંચો : અંશુમન ગાયકવાડનો દેહ પંચમહાભૂતમાં વિલીન: નયન મોંગિયાએ ચિતા ગોઠવી, પુત્રએ મુખાગ્નિ આપી, કોઈ સ્ટાર ક્રિકેટરની હાજરી નહીં

આ મેચ દરમિયાન ભારતીય ટીમની હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે, ટીમના ત્રણ મહત્ત્વના ખેલાડીઓ - ગુંડપ્પા વિશ્વનાથ, અંશુમન ગાયકવાડ અને બ્રિજેશ પટેલ બીજા દાવમાં બેટિંગ કરવા માટે જઈ શક્યા નહોતા. તત્કાલીન ભારતીય કેપ્ટન બિશન સિંહ બેદીએ ઇનિંગ ડિકલેર કરી અને ભારતને તે મેચ ગુમાવવી પડી હતી. જો કે, તે ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં અંશુમન ગાયકવાડે બનાવેલા હિંમતભર્યા 81 રનની લોકો આજે પણ ચર્ચા કરે છે.

671 મિનિટ સુધી બેટિંગ કરીને પાકિસ્તાન સામે બનાવ્યા 201 રન 

અંશુમન ગાયકવાડે 1983માં પાકિસ્તાન વિરૂદ્ધ રમાયેલી જલંધર ટેસ્ટમાં મેરેથોન ઇનિંગ રમતાં 201 રન બનાવ્યા હતા. આ મેચમાં તેમણે પહેલી ઇનિંગમાં 671 મિનિટ સુધી બેટિંગ કરી હતી. એટલે કે સતત 11 કલાકથી વધુ સમય સુધી બેટિંગ કરતાં રહ્યા હતા. તેમની ઇનિંગની અસર એ થઈ કે પ્રથમ દાવમાં 337 રન બનાવ્યા બાદ પણ પાકિસ્તાનને ડ્રો રમવાની ફરજ પડી હતી. આ સાથે અંશુમન ગાયકવાડની આ બેવડી સદી તે સમયના ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી ધીમી હતી.

અંશુમન ગાયકવાડે 1997થી 2000 દરમિયાન બે વખત ભારતીય ટીમના મુખ્ય કોચના રૂપમાં પણ કામ કર્યું હતું. તેમના કોચિંગમાં ભારત વર્ષ 2000ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઉપવિજેતા બન્યું હતું. જ્યારે તે કોચ હતા, ત્યારે અનિલ કુંબલેએ નવી દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં ટેસ્ટ ઇનિંગમાં 10 વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર બનવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. ગાયકવાડે 1990ના દાયકમાં નેશનલ સિલેક્ટર્સ અને ભારતીય ક્રિકેટર્સ ઍસોસિએશનના અધ્યક્ષના રૂપમાં પણ કામ કર્યું હતું. નોંધનીય છે કે જૂન 2018માં BCCIએ તેમને લાઇફ ટાઇમ એચિવમેન્ટ ઍવોર્ડથી સન્માનિત કર્યા હતા. 

12 વર્ષની ક્રિકેટ કારકિર્દીમાં ગાયકવાડે 40 ટેસ્ટ મેચ રમી હતી, જેમાં તેમણે 30 રનની એવરેજની મદદથી 1985 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેમણે 2 સદી અને 10 અર્ધ સદી એટલે કે ફિફ્ટી ફટકારી હતી. તેમણે 15 વન ડેમાં 289 રન બનાવ્યા હતા. 1983માં જલંધરમાં પાકિસ્તાન વિરૂદ્ધ 201 રનનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો હતો. 



Google NewsGoogle News