ન્યૂઝીલેન્ડ સામે સીરિઝ જીતીને પણ WTC ફાઇનલથી બહાર થઈ શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કેમ
Image: Facebook
World Test Championship: ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ સરળતાથી જીતી લેશે, એ તો સૌને ખબર હતી પરંતુ કાનપુર ટેસ્ટ નજીક આઠ સેશન વરસાદથી ધોવાયા બાદ ડ્રો તરફ આગળ વધેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ જે રીતે મેચમાં જીવ નાખતાં જીત મેળવી, તે કોઈએ વિચાર્યું નહોતું. બાંગ્લાદેશ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ 2-0 થી જીતવાની સાથે જ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલ માટે ભારતે પોતાની દાવેદારી વધુ મજબૂત કરી લીધી છે પરંતુ શું તમે જાણો છો કે ભારત આગામી ન્યૂઝીલેન્ડ સિરીઝ જીત્યા બાદ પણ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલથી બહાર થઈ શકે છે?
ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ઘરેલુ સિરીઝ બાદ ઓસ્ટ્રેલિયા પ્રવાસ
ભારતીય ક્રિકેટ ટીમ સતત ત્રીજી વખત ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ તરફ ઝડપથી આગળ વધી રહી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25 હેઠળ હવે ભારતીય ટીમને બે સિરીઝમાં કુલ 8 મેચ રમવાની છે. ભારત પહેલા પોતાની જમીન પર ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ત્રણ ટેસ્ટ મેચ સિરીઝ રમશે. તે બાદ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ તેની જ મેજબાનીમાં 5 ટેસ્ટ મેચોની સિરીઝ રમશે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ બે ટેસ્ટ આ મહિને છે તો સિરીઝની ત્રીજી અને અંતિમ ટેસ્ટ આગામી મહિને છે. તે બાદ ટીમ ઈન્ડિયા આગામી મહિનાના અંતિમ અઠવાડિયામાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર બોર્ડર ગાવસ્કર ટ્રોફીની શરૂઆત કરશે.
WTC પોઈન્ટ્સ ટેબલની તાજેતરની સ્થિતિ
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ્સ ટેબલમાં ભારતીય ટીમ 11 માંથી 8 મેચ જીતીને 74.24 ની જીત સાથે ટોપ પર છે. ઓસ્ટ્રેલિયા 12 માંથી 8 મેચ જીતીને 62.50 જીત સાથે બીજા નંબરે છે તો શ્રીલંકા 9 માંથી 5 મેચ જીતીને 55.56 જીત સાથે ત્રીજા સ્થાને છે.
ભારતે જીતવી પડશે આટલી મેચ
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25 ની ફાઈનલમાં સ્થાન બનાવવા માટે ટીમ ઈન્ડિયાએ પોતાની બાકી 8 ટેસ્ટમાંથી માત્ર 4 જીતવી પડશે. ભારતીય ટીમ જો ન્યૂઝીલેન્ડને આગામી ટેસ્ટ સિરીઝમાં 3-0 થી હરાવી દે છે તો તેનું ડબ્લ્યૂટીસીની ફાઈનલમાં સ્થાન લગભગ નક્કી થઈ જશે. જોકે તે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ એક ટેસ્ટ જીતીને જ ટીમ ઈન્ડિયા સત્તાવાર રીતે ફાઈનલમાં પહોંચશે.
ન્યૂઝીલેન્ડને 1-0 કે પછી 2-1 થી હરાવીને પણ બહાર થઈ શકે છે ભારત
ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સિરીઝ જીતીને પણ ટીમ ઈન્ડિયા ડબ્લ્યૂટીસી ફાઈનલની રેસથી બહાર થઈ શકે છે. આવું ત્યારે શક્ય છે, જ્યારે ભારત ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સિરીઝ 1-0 કે પછી 2-1 થી જીતે છે, કેમ કે ગઈ વખતે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ભારતે 2-1 થી જીતી હતી. જો આ વખતે પણ આવું થઈ ગયુ તો ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા વર્સેસ સાઉથ આફ્રિકા સિરીઝના પરિણામ પર નિર્ભર રહેવું પડશે. જો ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવી દીધુ અને ભારત ન્યૂઝીલેન્ડથી પણ સિરીઝ હારી જાય તો આ સ્થિતિમાં શ્રીલંકા દક્ષિણ આફ્રિકાને હરાવીને ફાઈનલમાં સ્થાન બનાવી દેશે.