પહેલીવાર IPLની હરાજીમાં જોડાયો યુરોપિયન ખેલાડી! રન આપવામાં છે ઘણો 'કંજૂસ', જાણો તેના વિશે
European Player Thomas Draca Joins IPL Mega Auction : આગામી IPL 2025 માટે મેગા ઓક્શનની તારીખ અને સ્થળની જાહેરાત થઇ ચૂકી છે. સાઉદી અરેબિયાના જેદ્દાહમાં 24 અને 25 નવેમ્બરના રોજ મેગા ઓક્શન યોજાશે. BCCIએ જણાવ્યું છે કે, આ વર્ષના મેગા ઓક્શન માટે કુલ 1574 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. પરંતુ તેમાં રસપ્રદ વાત એ છે તેમાં એક યુરોપિયન ખેલાડી કે જે ઈટાલીનો રહેવાસી છે તેનો પણ સમાવેશ થાય છે. IPLના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે કે જ્યારે કોઈ ઈટાલીના ખેલાડીએ મેગા ઓક્શન માટે રજીસ્ટ્રેશન કર્યું હોય.
કોણ છે આ ઈટાલિયન ખેલાડી?
ઇટાલીથી મેગા ઓક્શનમાં પોતાનું નામ નોંધાવનાર ખેલાડીનું નામ થોમસ ડ્રેકા છે. તે અત્યાર સુધીમાં ઇટાલી માટે ચાર T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યો છે. આ સિવાય તેણે ગ્લોબલ T20 કેનેડા લીગમાં ભાગ લીધો હતો. થોમસે બ્રેમ્પટન વુલ્વ્ઝ ટુર્નામેન્ટ પણ રમી ચૂક્યો છે. અહીં તમને જણાવી દઈએ કે થોમસ એક ઝડપી બોલર છે. જેણે ચાર T20 ઈન્ટરનેશનલ મેચમાં 8 વિકેટ ઝડપી હતી. આ સમયગાળા દરમિયાન તેણે 4.25ની ઇકોનોમી સાથે રન આપ્યા હતા. હવે તે જોવાનું રસપ્રદ રહેશે કે તેને IPLમાં કોઈ ખરીદદાર મળે છે કે નહીં.
આ દેશના ખેલાડીઓએ સૌથી વધુ રજીસ્ટ્રેશન કરાવ્યું
મેગા ઓક્શન માટે ભારત સિવાય દક્ષિણ આફ્રિકાના સૌથી વધુ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આફ્રિકાના કુલ 91 ખેલાડીઓએ નોંધણી કરાવી હતી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા આ યાદીમાં બીજા સ્થાને છે. ઓસ્ટ્રેલિયાના કુલ 76 ખેલાડીઓએ ઓક્શન માટે પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.
204 ખેલાડીઓને જ મળશે IPLમાં એન્ટ્રી
આ મેગા ઓક્શન માટે રજીસ્ટ્રેશન કરાવનારા 1574 ખેલાડીઓમાંથી 204 સ્લોટ ભરવામાં આવશે. એટલે કે માત્ર 204 ખેલાડીઓને જ IPLની 10 ટીમોમાંથી કોઈપણ એક ટીમમાં સામેલ થઇ શકશે. આ સ્થિતિમાં કયા ખેલાડીઓનું નસીબ ચમકે છે તે જોવું રસપ્રદ રહેશે. તમામ ટીમો તેમની ટીમમાં વધુમાં વધુ 25 ખેલાડીઓનો સમાવેશ કરી શકે છે. ખેલાડીઓને ખરીદવા માટે ટીમોની પર્સ વેલ્યુ 120 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવી છે.