માત્ર 20 વર્ષની વયે યુવા ક્રિકેટરનું નિધન, એક દિવસ પહેલા જ મેચમાં ખેરવી હતી ત્રણ વિકેટ, વીડિયો વાયરલ
Josh Baker Passes Away: એક દિવસ પહેલા મેદાન પર વિકેટ લઈ રહેલા આ ક્રિકેટરનું અચાનક મોત થઈ ગયું એ પરથી જીવન કેટલું અનિશ્ચિત છે તેની કલ્પના કરી શકાતી નથી. આ દર્દનાક ઘટના ઈંગ્લેન્ડ ક્રિકેટમાં બની છે, જ્યાં 20 વર્ષના જોશ બેકરનું 2 મેના રોજ અવસાન થયું હતું. જો કે તેના મૃત્યુનું હાલ કોઈ કારણ સામે આવ્યું નથી. હાલ બેકરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેણે એક દિવસ પહેલા જ પોતાની ટીમ માટે ત્રણ વિકેટ ઝડપી હતી.
બેકરના અવસાનથી ઇંગ્લિશ ક્રિકેટમાં શોક છે, જેઓ તેને જાણતા હતા તેઓ આઘાતમાં છે. જોશ લેફ્ટ આર્મ સ્પિન બોલિંગ કરતો હતો. તે વર્સેસ્ટરશાયર ક્રિકેટ ક્લબ તરફથી રમતો હતો. ઈંગ્લેન્ડ ટીમના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સ સાથે પણ તેનું ખાસ કનેક્શન હતું.
ઓલરાઉન્ડરે 17 વર્ષની ઉંમરે કર્યું હતું ડેબ્યૂ
બેકરે 17 વર્ષની ઉંમરે 2021 માં ક્લબ સાથે તેનો પ્રથમ કરાર કર્યો હતો. તેણે 22 ફર્સ્ટ-ક્લાસ મેચોમાં 43 વિકેટ અને 25 વ્હાઇટ બોલ મેચમાં (લિસ્ટ-એ અને ટી-20) 27 વિકેટ લીધી હતી.
જોશ બેકર એક ઉભરતો ઓલરાઉન્ડર હતો, તેણે જુલાઈ 2023માં ગ્લુસેસ્ટરશાયર સામે તેના કરિયરનો બેસ્ટ સ્કોર કહી શકાય તેવા 75 રન બનાવ્યા હતા અને બે ફિફ્ટી પણ ફટકારી હતી. તે ઈંગ્લેન્ડની અંડર-19 ટીમ તરફથી પણ રમી ચૂક્યો છે.
6️⃣ 6️⃣ 6️⃣ 6️⃣ 6️⃣ 4️⃣
— Vitality County Championship (@CountyChamp) May 6, 2022
What. An. Over.
34 from six balls for @benstokes38 as he reaches a 64 ball century 👏#LVCountyChamp pic.twitter.com/yqPod8Pchm
1લી મેના રોજ 3 વિકેટ લીધી હતી
બુધવાર એટલે કે 1 મેના રોજ, તેણે બ્રોમ્સગ્રોવ સ્કૂલ ખાતે સમરસેટ સામે વર્સેસ્ટરશાયરની ચાર-દિવસીય 2જી XI ચેમ્પિયનશિપ મેચની પ્રથમ ઇનિંગમાં 66 રનમાં 3 વિકેટ લીધી હતી. જો કે અંતિમ દિવસે મેચ વહેલી રદ કરવામાં આવી હતી.
જોશ બેકરની એક ઓવરમાં બેન સ્ટોક્સે બનાવ્યા 34 રન
વર્ષ 2022માં બેન સ્ટોક્સે તેની એક ઓવરમાં 34 રન બનાવ્યા હોવાથી બેકર ચર્ચામાં આવ્યો હતો. ત્યારબાદ સ્ટોક્સે તેની ઓવરમાં પાંચ સિક્સ અને એક ફોર ફટકારી હતી. જોકે, બાદમાં સ્ટોક્સે તેને વોટ્સએપ પર મેસેજ મોકલીને પ્રોત્સાહિત કર્યો હતો.