Eng vs Wi: વેસ્ટ ઈન્ડિઝે અંગેજોને આપ્યો વળતો જવાબ, બેઝબોલ ક્રિકેટર્સની બધી ગણતરી ઊંધી વાળી દીધી

Updated: Jul 20th, 2024


Google NewsGoogle News
england cricket team


Eng vs Wi: ઈંગ્લેન્ડ આવે વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટમાં કોઈએ ધાર્યો નહીં હોય એવો વળાંક આવ્યો છે. પ્રથમ ઇનિંગમાં ધડાધડ બેટિંગ કરનાર  ઈંગ્લેન્ડની ટીમને વેસ્ટ ઈન્ડિઝે જડબાતોડ જવાબ આપ્યો છે. બંને ટીમોમાં નબળી ગણાતી કેરેબિયન ટીમે મેચના બીજા દિવસે 5 વિકેટે 351 રન બનાવ્યા હતા. જે પ્રકારનું બેટિંગ વેસ્ટ ઈન્ડિઝ કરી રહ્યું છે તે જોતાં આ ટેસ્ટ તે જીતી શકે એવી શક્યતા પણ ઊભી થઈ શકે છે. બીજા દિવસની રમતના અંતે વેસ્ટ ઇન્ડિયઝ માત્ર 65 રનથી પાછળ હતું પરંતુ હજુ તેની 5 જ વિકેટ પડી છે માટે ટીમ મજબૂત સ્કોર કરી શકે તેવી શક્યતા છે. નોટિંઘમમાં રમાઈ રહેલી આ ટેસ્ટ જો વેસ્ટ ઈન્ડિઝ જીતે તો બેઝબોલ ક્રિકેટ માટે જાણીતી ઈંગ્લેન્ડની ટીમનો ફજેતો થશે એ નક્કી છે.

કેરેબિયન ટીમને આ મજબૂત સ્કોર અપાવવામાં કેવેમ હોજે મહત્વની ભૂમિકા ભજવી હતી, જેણે 120 રન બનાવ્યા હતા. હોજની પણ આ પ્રથમ ટેસ્ટ સદી છે. જો કે, આ મેચની આ બીજી સદી છે. કારણ કે ઈંગ્લેન્ડના ઓલી પોપે પ્રથમ દિવસે 121 રનની ઈનિંગ રમી હતી.

ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ રોમાંચક બની છે. ઈંગ્લેન્ડે આક્રમક બેટિંગ કરીને મેચના પહેલા દિવસે 416 રન બનાવ્યા હતા. જેમાં ઓલી પોપની સદીનો પણ સમાવેશ થાય છે. બેન સ્ટોક્સની આ ટીમ ટેસ્ટ ક્રિકેટમાં બેઝબોલ ક્રિકેટ રમવા માટે એટલે કે અક્રમક બેટિંગ કરવા માટે જાણીતી છે. તો તેના જવાબમાં જ્યારે વેસ્ટ ઈન્ડિઝે શુક્રવારે બેટિંગ શરૂ કરી ત્યારે જે પ્રકારનો દેખાવ કર્યો તેની તેના ચાહકોએ અપેક્ષા પણ નહીં રાખી હોય

વેસ્ટ ઈન્ડિઝ વતી કેવેમ હોજે 171 બોલમાં 120 રનની ઇનિંગ રમી હતી. કારકિર્દીની ચોથી ટેસ્ટ મેચ રમી રહેલા હોજે પોતાની ઇનિંગમાં 19 ચોગ્ગા ફટકાર્યા હતા. આ તેની પ્રથમ ટેસ્ટ સદી હતી. વેસ્ટ ઈન્ડિઝ તરફથી એલીક એથેનેઝે પણ 82 રનની શાનદાર ઈનિંગ રમી હતી. કેપ્ટન અને ઓપનર ક્રેગ બ્રેથવેટે 48 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડના 416 રનના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝે 5 વિકેટે 351 રન બનાવ્યા છે. 

બીજી ટેસ્ટના ચોથા દિવસે 84 ઓવર બાદ જ્યારે રમત રોકવામાં આવી ત્યારે વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર 5 વિકેટે 350 રનને પાર કરી ગયો હતો. તે સમયે વિકેટકીપર બેટ્સમેન જોશુઆ ડી સિલ્વા 32 રન અને ઓલરાઉન્ડર જેસન હોલ્ડર 23 રન બનાવીને અણનમ રહ્યા હતા. આ બંને બેટર્સ પણ લયમાં હતા જેથી તેઓ મોટો સ્કોર ઊભો કરે તો નવાઈ નહીં.  ઈંગ્લેન્ડ તરફથી અત્યાર સુધી શોએબ બશીરે 2 વિકેટ ઝડપી છે. ક્રિસ વોક્સ, ગુસ એટકિન્સન અને બેન સ્ટોક્સે એક-એક વિકેટ લીધી હતી. જો વેસ્ટ ઈન્ડીઝ મોટો સ્કોર નોંધાવી બીજી ઇનિંગમાં ઈંગ્લેન્ડની ઝડપથી ઓલઆઉટ કરવાનો ટાર્ગેટ રાખે તો આ ટેસ્ટ મેચ જીતી શકે છે.


Google NewsGoogle News