T20 ક્રિકેટ જગતમાં નંબર-1 રહી ચૂકેલા બેટરની નિવૃત્તિની જાહેરાત, ભલભલા બોલર્સને હંફાવ્યા હતા
Dawid Malan Retirement: ઈંગ્લેન્ડના અનુભવી બેટ્સમેન ડેવિડ મલાને (Dawid Malan) 37 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. છેલ્લે મલાન 2023 ODI વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ તરફથી રમ્યો હતો.
માલનની ક્રિકેટ સફર
ડેવિડ મલાને ઈંગ્લેન્ડ માટે 22 ટેસ્ટ, 30 ODI અને 62 T20I મેચ રમી છે. તે ઈંગ્લેન્ડના એવા કેટલાક બેટ્સમેનોમાં સામેલ છે જેમણે ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારી છે. જો કે, મલાને તેની કારકિર્દીની શરૂઆત 2017માં સાઉથ આફ્રિકા સામેની T20I ડેબ્યૂમાં 78 રનની શાનદાર ઇનિંગ સાથે કરી હતી પરંતુ તેની કારકિર્દીનો અસલી ચહેરો 2019 પછી T20 ફોર્મેટમાં જોવા મળ્યો.
2020માં ICC T20I બેટિંગ રેન્કિંગમાં પ્રથમ સ્થાને પહોંચ્યા પછી મલાને 2022માં ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપ જીતાડવામાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. જોકે, શ્રીલંકા સામે રમતી વખતે ક્રિકેટરને ઈજા થઇ હતી અને તે નોકઆઉટ સ્ટેજમાં ભાગ લઈ શક્યો નહોતો.
મલાને ODI ફોર્મેટમાં 15 ઇનિંગ્સમાં પાંચ સદી ફટકારી હતી. મલાને ઓસ્ટ્રેલિયા સામે 2017-18 અને 2021-22 દરમિયાન સતત બે ટેસ્ટ સીરીઝમાં ભાગ લીધો હતો, પરંતુ તેના પ્રદર્શનમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો.
આ પણ વાંચો: ભારતના ધુરંધર બેટરની બોલિંગ ઓ! સુનિલ નારાયણની જેમ છેક સુધી છુપાવી રાખ્યો બોલ, ગંભીરને ખાસ ગમશે
ડેવિડ મલાનનું ક્રિકેટ કરિયર
22 ટેસ્ટ મેચ, 1074 રન, 2 વિકેટ
30 વન-ડે, 1450 રન, 1 વિકેટ
62 T20I, 1892 રન, 1 વિકેટ
મલાન આઈપીએલમાં પણ રમી ચૂક્યો છે. ડેવિડ મલાનને પંજાબ કિંગ્સે વર્ષ 2021માં 1.5 કરોડ રૂપિયામાં ટીમનો ભાગ બનાવ્યો હતો. જો કે તેને માત્ર એક જ મેચમાં રમવાની તક મળી હતી. IPLમાં તેના નામે 26 રન છે.