ભારત સામેની ચોથી ટેસ્ટ માટે અંગ્રેજોએ પ્લેઈંગ-11 કરી જાહેર, ટીમમાં 2 ફેરફાર
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝની ચોથી મેચ રાંચીમાં રમાનાર છે
Image:Twitter |
IND vs ENG 4th Test, England Playing-11 : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચોની ટેસ્ટ સીરિઝની ચોથી મેચ આવતીકાલથી રાંચીમાં રમાશે. ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ એટલે કે ECBએ રાંચીમાં રમાનારી 5 મેચોની ટેસ્ટ સીરિઝની ચોથી મેચ માટે એક દિવસ પહેલા ટીમની જાહેરાત કરી દીધી છે. આ ટેસ્ટ સીરિઝમાં ઇંગ્લેન્ડ 2-1થી પાછળ છે. ઈંગ્લેન્ડની ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. માર્ક વૂડ અને રેહાન અહેમદને પડતો મૂકવામાં આવ્યો છે, જ્યારે તેમની જગ્યાએ ઓલી રોબિન્સન અને શોએબ બશીરને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.
કેપ્ટન અને કોચે બેરસ્ટો પર વિશ્વાસ વ્યક્ત કર્યો
સતત ત્રણ ટેસ્ટ મેચમાં ફ્લોપ થયેલા જોની બેરસ્ટોને પડતો મૂકવામાં આવી શકે છે અને તેની જગ્યાએ વધારાના સ્પિનર અથવા ડેન લોરેન્સને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે એવું માનવામાં આવી રહ્યું હતું. જો કે ટીમ મેનેજમેન્ટ, કેપ્ટન અને કોચે પોતાના અનુભવી બેટ્સમેન પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આવી સ્થિતિમાં જોની બેયરસ્ટોને પણ ચોથી મેચમાં યોગદાન આપવું પડશે, કારણ કે ઈંગ્લેન્ડની ટીમ ટેસ્ટ સીરિઝમાં પહેલાથી જ પાછળ છે અને વધુ એક હારથી ટીમને સીરિઝ ગુમાવવી પડશે.
ઈંગ્લેન્ડની પ્લેઈંગ-11
બેન સ્ટોક્સ (C), ઝેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, જોની બેરસ્ટો, બેન ફોક્સ (wkt), ટોમ હાર્ટલી, ઓલી રોબિન્સન, જેમ્સ એન્ડરસન, શોએબ બશીર