VIDEO: બેન ફોક્સ ‘સ્પિરિટ ઓફ ક્રિકેટ’ ભૂલ્યો, બુમરાહને સ્ટમ્પ આઉટ કરવા માટે કર્યું શરમજનક કૃત્ય
બીજી ઇનિંગમાં ટોમ હાર્ટલીએ 7 વિકેટ ઝડપી હતી
ઇંગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્ટમાં ભારતની 28 રને શરમજનક હાર
|
Ben Foakes Failed Attempt At Stumping To Jasprit Bumrah : ઈંગ્લેન્ડે હૈદરાબાદ ટેસ્ટમાં ભારતને 28 રનથી હરાવી 5 મેચની ટેસ્ટ સીરિઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. પ્રથમ બે દિવસમાં ઇંગ્લેન્ડની ટીમ જે રીતે પાછળ રહીને મેચમાં વાપસી કરી તેના વખાણ આખી દુનિયા કરી રહી છે. પરંતુ મેચના અંતમાં ઇંગ્લિશ ટીમે કંઈક એવું કર્યું જેનાથી મોટો વિવાદ સર્જાઈ શકતો હતો. જો કે ઈંગ્લેન્ડ આ ઉદ્દેશ્યમાં સફળ થઈ શક્યું ન હતું. આ કૃત્ય ઇંગ્લેન્ડના વિકેટકીપર બેન ફોક્સે કર્યું હતું. જો ફોક્સ આ યુક્તિમાં સફળ રહ્યો હોત, તો ફરી એકવાર ક્રિકેટ જગતમાં 'સ્પિરિટ ઓફ ક્રિકેટ'ની ચર્ચા થઈ હોત અને ચાહકોને એલેક્સ કેરીનું કૃત્ય યાદ આવ્યું હોત જે તેણે એશિઝ 2023માં ઈંગ્લેન્ડ સામે કર્યું હતું.
ફોક્સે કપટપૂર્વક બુમરાહને સ્ટમ્પ આઉટ કરવાનો પ્રયાસ કર્યો
ઇંગ્લેન્ડની ટીમે 231 રનના ટાર્ગેટનો બચાવ કરતા ભારતીય ટીમના ટોપ-7 બેટ્સમેનોને આઉટ કરી દીધા હતા, પરંતુ છેલ્લી ત્રણ વિકેટ માટે ઇંગ્લેન્ડની ટીમને સખત મહેનત કરવી પડી હતી. પહેલા અશ્વિન અને ભરતની જોડી તે પછી સિરાજ અને બુમરાહની જોડીએ ઇંગ્લેન્ડ ટીમને પરેશાન કર્યા હતા. ભારતીય ઇનિંગ્સની 66મી ઓવર દરમિયાન જ્યારે ઇંગ્લેન્ડ જીતથી એક વિકેટ દૂર હતું, ત્યારે બેન ફોક્સે કપટપૂર્વક બુમરાહને સ્ટમ્પ આઉટ કરવાનો પ્રયાસ કર્યો હતો. બુમરાહ ટોમ હાર્ટલીના બોલ પર પુલ શોટ મારવા માંગતો હતો, પરંતુ તે ચૂકી ગયો. બોલ સીધો બેન ફોક્સના ગ્લોવ્સમાં ગયો અને તે બુમરાહના ક્રિઝની બહાર જવાની રાહ જોવા લાગ્યો.
શોટ ન વાગતા હવામાં ઉછળી ગયો બુમરાહ
બુમરાહે ક્રિઝ છોડી ન હતી, પરંતુ શોટ ન વાગવાથી નિરાશ થઈને તે હવામાં ઉછળી ગયો હતો. માત્ર આ તકનો ફાયદો ઉઠાવતા, ફોક્સે બેઈલ ઉડાવી દીધા અને લેગ અમ્પાયરને સ્ટમ્પિંગ માટે અપીલ કરવાનું શરૂ કર્યું. જો કે ફોકસના સ્ટમ્પ ઉડાવવા પહેલા બુમરાહ જમીન પર પાછો ઉતરી ગયો હતો. જેથી બુમરાહને આઉટ આપવામાં આવ્યો ન હતો. પરંતુ જો બુમરાહ સમયસર ક્રિઝ પર ન ઉતર્યો હોત તો કદાચ તે વિવાદાસ્પદ મુદ્દો બની ગયો હોત.