ટી 20 વર્લ્ડકપ પહેલા હડકંપ: આ સ્ટાર ક્રિકેટરે 303 મેચોમાં કરી સટ્ટાબાજી, લાગ્યો પ્રતિબંધ
Image Source: Twitter
Brydon Carse given three-month ban over betting breaches: ICC T20 વર્લ્ડ કપ 2024ની શરૂઆત પહેલા જ ક્રિકેટની દુનિયામાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. આ સમાચારે સમગ્ર ક્રિકેટ જગતમાં હડકંપ મચાવી દીધો છે. ઈંગ્લેન્ડ ટીમના સ્ટાર ખેલાડી પર સટ્ટાબાજીના કારણે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ ખેલાડીએ એક-બે મેચ પર નહીં પરંતુ 303 મેચો પર સટ્ટો લગાવ્યો હતો. આ ફાસ્ટ બોલરે પોતે જ આ વાત સ્વીકારી લીધી છે.
ઈંગ્લેન્ડના બોલર બ્રાઈડન કાર્સે (Brydon Carse) પર 303 મેચો પર સટ્ટો લગાવવા બદલ તમામ પ્રકારની ક્રિકેટમાંથી પ્રતિબંધિત લગાવી દેવામાં આવ્યો છે. ક્રિકેટરને 16 મહિનાની સજા ફટકારવામાં આવી છે. મીડિયા અહેવાલ પ્રમાણે કાર્સે આ 16 મહિનામાં 13 મહિના માટે સસ્પેન્ડ રહેશે.
કાર્સેએ પોતાના પર લાગેલા આરોપો સ્વીકાર્યા
કાર્સે પર બે વર્ષથી વધુ સમય સુધી વિવિધ પ્રકારની ક્રિકેટ મેચો પર 303 મેચોમાં સટ્ટાબાજી કરીને ભ્રષ્ટાચાર વિરોધી નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. કાર્સેએ પોતાની સામે લાગેલા સટ્ટાબાજીના આરોપો સ્વીકારી લીધા છે. સ્વતંત્ર નિયામક સંસ્થા દ્વારા કરવામાં આવેલી તપાસમાં તેમણે 2017 અને 2019 વચ્ચે વિવિધ ક્રિકેટ મેચો પર 303 મેચોમાં સટ્ટાબાજી કરીને ECB જુગાર નિયમ (ECB gambling regulations)નું ઉલ્લંઘન કર્યું છે.
જો કે, તપાસમાં એ વાત પણ સામે આવી છે કે, તેમણે એ મેચો પર દાવ નહોતો લગાવ્યો જેમાં તે રમી રહ્યો હતો. પરંતુ એક અહેવાલમાં જણાવાયું છે કે તેણે ડરહમની મેચો પર પૈસા લગાવ્યા હતા. પોતાના પર લાગેલા પ્રતિબંધના કારણે કાર્સે 28 ઓગસ્ટ સુધી નહીં રમી શકશે. જેના કારણે વેસ્ટ ઈન્ડિઝ સામે ઈંગ્લેન્ડની ટેસ્ટ સિરિઝમાં તેની સંભવિત ભાગીદારી સમાપ્ત થઈ ગઈ છે.
આ સમગ્ર મામલે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ECB)ના પ્રવક્તાએ કહ્યું કે, અમે આ બાબતોને ખૂબ જ ગંભીરતાથી લઈએ છીએ અને ક્રિકેટમાં કોઈપણ પ્રકારના ભ્રષ્ટાચાર વિરોધી ઉલ્લંઘનને સહન નથી કરતા. અમે આશા રાખીએ છીએ કે તેનો કેસ અન્ય ક્રિકેટરો માટે ઉપદેશક ઉદાહરણ બની શકશે.
બીજી તરફ ક્રિકેટ રેગ્યુલેટર ઈન્ટરિમ ડાયરેક્ટર ડેવ લુઈસે કહ્યું કે, ક્રિકેટ રેગ્યુલેટર ગેરવર્તણૂકના કોઈપણ ઉલ્લંઘનને ગંભીરતાથી લે છે. આ કાર્યવાહી બાદ અન્ય ક્રિકેટરો સુધરશે.
બ્રાયડન કાર્સેનું ઈન્ટરનેશનલ કરિયર
28 વર્ષીય બોલિંગ ઓલરાઉન્ડર કાર્સેએ ઈંગ્લેન્ડ માટે 14 ODI મેચમાં 15 વિકેટ ઝડપી છે. આ ઉપરાંત તેણે 32 રન પણ બનાવ્યા છે. બીજી તરફ કાર્સેએ ઈંગ્લેન્ડ માટે 3 T20 ઈન્ટરનેશનલ મેચમાં 4 વિકેટ ઝડપી છે.
કાર્સે એ જ બોલર છે જેને ભારતમાં આયોજિત ODI વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડની ટીમમાં રીસ ટોપ્લેના સ્થાન પર સામેલ કરવામાં આવ્યો હતો. રીસ ટોપ્લેવર્લ્ડ કપ દરમિયાન ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. જોકે, કાર્સેને વર્લ્ડ કપ દરમિયાન મેચ રમવાની તક નહોતી મળી. કાર્સેને ECB એ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં 2 વર્ષ માટે સામેલ કર્યો હતો.