...તો પોતાના જ દેશની ટુર્નામેન્ટનો બહિષ્કાર કરશે ઈંગ્લેન્ડના ક્રિકેટર્સ? મોટા હોબાળાના સંકેત
England Players may Boycott The Hundred : ઈંગ્લેન્ડના ક્રિકેટરોએ પોતાના જ દેશની ટુર્નામેન્ટનો બહિષ્કાર કરી શકે છે. આ બહિષ્કાર ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડની નો ઓબ્જેક્શન પોલિસીમાં ફેરફારના વિરોધમાં થઈ શકે છે. કોઈપણ લીગમાં ભાગ લેવા માટે ખેલાડીઓએ બોર્ડ પાસેથી NOC(નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ) મેળવવું જરૂરી છે. અહેવાલો અનુસાર ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ NOC જારી કરવાની નીતિમાં ફેરફાર કરી રહ્યું છે.
બોર્ડ કેમ NOC નહી આપે?
એક અહેવાલ મુજબ, ઈંગ્લેન્ડ બોર્ડે ગયા અઠવાડિયે નિર્ણય લીધો હતો કે, જે ખેલાડીઓનો ડોમેસ્ટિક ક્રિકેટની સીઝનની તારીખો ટકરાય તેને NOC આપવામાં આવશે નહી. જો કે, તેમાં એ ખેલાડીઓને રાહત મળશે કે જેમની પાસે કાઉન્ટી ટીમો સાથે માત્ર મર્યાદિત ઓવરના ક્રિકેટ માટે કરાર છે.
પાકિસ્તાન સુપર લીગમાં નહિ રમી શકે ઈંગ્લિશ ખેલાડીઓ
આ સિવાય રિપોર્ટમાં એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, NOC ન આપવાની ઇંગ્લેન્ડ બોર્ડની નીતિમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPLને સામેલ કરવામાં આવ્યું નથી. ઈંગ્લિશ ખેલાડીઓને આઈપીએલ રમવા માટે NOC મેળવવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. તો બીજી તરફ ઇંગ્લેન્ડના ખેલાડીઓને પાકિસ્તાન સુપર લીગ એટલે કે પીએસએલ રમવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.આવતા વર્ષે ડોમેસ્ટીક સિઝનમાં જે લીગનું શિડ્યુલ ટકરાશે તેમાં કેનેડાની ગ્લોબલ T20 લીગ, લંકા પ્રીમિયર લીગ, મેજર લીગ ક્રિકેટ (અમેરિકા) અને કેરેબિયન પ્રીમિયર લીગનો પણ સમાવેશ થાય છે.
ખેલાડીઓ કરી શકે છે બહિષ્કાર
રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે બોર્ડની આ પ્રકારની નીતિને ધ્યાનમાં રાખીને ઈંગ્લેન્ડના 50 ક્રિકેટરોનું એક ગ્રૂપ ધ હન્ડ્રેડ ક્રિકેટ લીગનો બહિષ્કાર કરવાનું વિચારી રહ્યું છે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે, જો ક્રિકેટરો દ્વારા બહિષ્કાર કરવામાં આવે છે તો પછી બોર્ડ દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે.
હાલમાં ઈંગ્લિશ ટીમ ન્યૂઝીલેન્ડના પ્રવાસે
અહીં તમને જણાવી દઈએ કે, હાલના સમયમાં ઈંગ્લેન્ડની ટીમ ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે. બંને વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સીરિઝ રમાઈ રહી છે. ઈંગ્લેન્ડે સીરિઝની પ્રથમ ટેસ્ટ જીતી હતી. અને બીજી ટેસ્ટ હાલમાં ચાલી રહી છે.