'શરીર સાથ નથી આપતો...' લેજન્ડ ઓલરાઉન્ડર બ્રાવોની ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર
Dwayne Bravo Retired | વેસ્ટ ઈન્ડિઝના લેજન્ડ ઓલરાઉન્ડર ડ્વેઈન બ્રાવોએ ક્રિકેટના તમામ ફોર્મેટને અલવિદા કહી દીધું છે. કેરેબિયન પ્રીમિયર લીગમાં છેલ્લી મેચ રમ્યા બાદ બ્રાવોએ આ નિર્ણય લીધો હતો. બ્રાવો હવે કોઈપણ પ્રકારની લીગમાં નહીં રમે. વેસ્ટ ઈન્ડિઝની T20 વર્લ્ડ કપ જીતમાં ભાગ લેનાર બ્રાવોએ કહ્યું છે કે મારું મન ઈચ્છે છે કે હું હજુ ક્રિકેટ રમું પણ મારું શરીર હવે મને સાથ આપતું નથી.
ઈન્સ્ટાગ્રામ પર લખી ઈમોશનલ પોસ્ટ
બ્રાવોએ ઈન્સ્ટાગ્રામ પર એક ઈમોશનલ પોસ્ટ લખીને નિવૃત્તિની જાહેરાત કરી હતી. તે IPLને પહેલાથી જ અલવિદા કરી ચૂક્યો હતો અને હવે તેણે CPLથી વિદાય લઈ લીધી છે. આ સાથે તેણે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે.
ઈજાને કારણે હતો પરેશાન
બ્રાવોએ CPL-2024ની શરૂઆત પહેલા જ કહી દીધું હતું કે તે આ સિઝન પછી લીગમાંથી નિવૃત્તિ લઈ લેશે. પરંતુ તેની નિવૃત્તિ વહેલી થઈ ગઈ અને તેનું કારણ તેની ઈજા છે. મંગળવારે, ત્રિનબેગો નાઈટ રાઈડર્સ તરફથી સેન્ટ લુસિયા કિંગ્સ સામે રમતી વખતે ગ્રોઈનની સમસ્યા થઇ હતી આ કારણે જ તેણે સિઝન ખતમ થાય તે પહેલા જ નિવૃત્તિ જાહેર કરી દીધી. આ ઈજા બાદ બ્રાવોએ વધુ એક મોટો નિર્ણય લીધો અને તમામ પ્રકારના ક્રિકેટને અલવિદા કહી દીધું.