ઈજાગ્રસ્ત થવાના કારણે આ ખેલાડી આગામી બાંગ્લાદેશ સીરિઝમાંથી બહાર થઇ શકે છે, દુલીપ ટ્રોફી પણ ગુમાવી શકે
Ishan Kishan: ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર અને બેટર ઈશાન કિશન લાંબા સમયથી નેશનલ ટીમથી બહાર છે. ટીમમાં પુનરાગમન કરવા માટે પસંદગીકારોએ ઈશાનને ડોમેસ્ટિક ક્રિકેટ રમવાની સલાહ આપી હતી. જેને લઈને ઈશાન આગામી દુલીપ ટ્રોફી 2024માં રમવા જઈ રહ્યો હતો.
પરંતુ હવે મળતી માહિતી અનુસાર ઈશાન પહેલી મેચમાંથી બહાર થઈ શકે છે. તેનું કારણ ઈશાન કિશન ઈજાગ્રસ્ત થયો છે તેવું મનાઈ રહ્યું છે. જો ઈશાન પહેલી મેચમાંથી બહાર થાય છે, તો તેના પર આ ટુર્નામેન્ટમાંથી બહાર થવાનું જોખમ પણ વધી ગયું છે. તેની જગ્યાએ સંજુ સેમસનને તક મળી શકે છે. ટીમ-Dમાં કુલ ત્રણ વિકેટકીપર બેટર છે. ઈશાન અને સંજુની સાથે કેએસ ભરતને પણ તક આપવામાં આવી શકે છે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 19 સપ્ટેમ્બરથી ટેસ્ટ સીરિઝની શરૂઆત થશે. અને આ પછી 6 ઓક્ટોબરથી T20 સીરિઝ રમાશે. ઈશાન લાંબા સમયથી ભારતીય ટીમથી બહાર છે. જો તે ફિટ ન હોય તો આ ટુર્નામેન્ટમાંથી પણ તે બહાર થઇ શકે છે. ઈશાને ભારત માટે તેની છેલ્લી T20 મેચ નવેમ્બર 2023માં ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. અને તેણે છેલ્લી વનડે મેચ ઓક્ટોબર 2023માં રમી હતી. ઈશાન આ મેચ બાદ ભારતીય ટીમમાં વાપસી કરી શક્યો નથી.
આ પણ વાંચો: એક જ મેચ રમી અને 7 દિગ્ગજ ખેલાડીઓની IPL કારકિર્દી પતી ગઈ, જુઓ આ રહી સંપૂર્ણ યાદી
તમને જણાવી દઈએ કે દુલીપ ટ્રોફી 2024ની પહેલી મેચ 5 સપ્ટેમ્બરથી રમાશે. પહેલી મેચ ટીમ A અને ટીમ B વચ્ચે રમાશે. અને તે જ દિવસે ટીમ C અને ટીમ D વચ્ચે પણ મેચ યોજાશે. આ ટુર્નામેન્ટમાં શુભમન ગિલ, શ્રેયસ અય્યર અને સૂર્યકુમાર યાદવ સહિત ઘણાં ભારતીય ટીમના ખેલાડીઓ રમતા જોવા મળી શકે છે.