ભારતની મેચ પહેલા ફ્લોરિડામાં ધોધમાર વરસાદ, રસ્તાઓ પાણીમાં ગરકાવ: મુકાબલો રદ્દ થાય તો શું?
T20 World Cup, India Vs Canada: ભારત અને કેનેડાની આગામી મેચ ફ્લોરિડા ખાતે રમાશે. પરંતુ ફ્લોરિડામાં ધોધમાર વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. T20 વર્લ્ડ કપ 2024ના ગ્રુપ એમાં ભારત જ એકમાત્ર ટીમ છે. જેને સુપર-8માં સ્થાન નિશ્ચિત કરી લીધું છે. ભારતીય ટીમ આગામી મેચ રમવા મિયામી પહોચી ગઈ છે. જ્યાં 15 જૂને ભારતની કેનેડા સાથે ટક્કર થશે. આ મેચ સેન્ટ્રલ બ્રોવર્ડ પાર્ક અને બ્રોવર્ડ કાઉન્ટી સ્ટેડિયમમાં યોજાશે. જે ફ્લોરિડાના લોડરહિલ ક્ષેત્રમાં આવેલ છે. પરંતુ પાછલા ઘણા દિવસોથી ફ્લોરિડાની સ્થિતિ સારી નથી. ભારે વરસાદને કારણે પુર જેવી સ્થિતિ સર્જાઈ છે. રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આ સ્થિતિના કારણે વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો છે. તો શું ભારત અને કેનેડા વચ્ચેની મેચ રમાશે કે નહીં? અને જો મેચ રદ થશે તો તેનો ગ્રુપ એના ટેબલ પોઈન્ટ પર શું અસર થશે? ચાલો જાણીએ......
અમેરિકાના સમય અનુસાર ભારત અને કેનેડા વચ્ચેનો મેચ શનિવારે રમાશે અને તે દિવસે વરસાદ થવાની 80 ટકા આગાહી છે. લોડરહિલમાં 52 ટકા વાવાઝોડું આવવાની સંભાવના છે. આ વિસ્તારમાં સતત વરસાદ વરસી રહ્યો છે. શનિવારે સવારે 11થી બપોરના 2 વાગ્યા સુધીમાં ભારી તોફાનની આગાહી છે. જો વાતાવરણમાં કોઈ સુધારો ન આવે તો ભારત અને કેનેડા વચ્ચેની મેચ રદ થવાની પૂરી શક્યતાઓ છે.
મેચ રદ થવાથી ટેબલ પોઈન્ટ પર શું અસર થશે
ભારત પહેલેથી જ સુપર-8 માટે ક્વોલિફાય થઇ ચુક્યું છે. જો આ મેચ રદ થશે તો બંને ટીમોને એક-એક પોઈન્ટ મળશે. કેનેડાના કુલ પોઈન્ટ 3 થશે. જેથી તે સુપર-8થી બહાર થઇ જશે. અને ભારત 7 પોઈન્ટ સાથે ટોપ પર રહેશે. આ મેચની બીજા મેચ પર કોઈ અસર નહી થાય. કારણ કે પાકિસ્તાન અને અમેરિકા અત્યારે આયર્લેન્ડ પર વધારે નિર્ભર છે.