ક્રિકેટનો અસલી 'ડકમેન'... પાકિસ્તાની ઓપનરે બનાવ્યો શરમજનક રેકોર્ડ, શૂન્ય પર આઉટ થવાની હેટ્રિક
Abdullah Shafique become Duckman of cricket : ક્રિકેટની દુનિયાને એક નવો ડકમેન(શૂન્ય પર આઉટ થનાર ખેલાડી) મળી ગયો છે. આ બીજું કોઈ નહિ પણ પાકિસ્તાનનો ઓપનર અબ્દુલ્લા શફીક છે કે જેણે આ શરમજનક રેકોર્ડ બનાવ્યો છે. હકીકતમાં પાકિસ્તાનની ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે. જ્યાં 3 મેચની વનડે સીરિઝ રમાઈ હતી. આ ત્રણેય મેચમાં અબ્દુલ્લા ઓપનિંગ કરવા આવ્યો હતો. પરંતુ અબ્દુલ્લા આ સીરિઝમાં પોતાનું ખાતું ખોલાવી શક્યો ન હતો. આ રીતે તે ઓપનર તરીકે 3 મેચની દ્વિપક્ષીય વનડે સીરિઝમાં ડક્સની હેટ્રિક કરનારો પહેલો ક્રિકેટર બની ગયો છે.
સૂર્યકુમાર યાદવ પણ ડકઆઉટ થવાની હેટ્રિક લગાવી
આ પહેલા ન્યૂઝીલેન્ડના માર્ટિન ગુપ્ટિલ ઓપનર તરીકે એક વનડે સીરિઝમાં 3 વખત ડકઆઉટ થયો હતો. પરંતુ તે વર્ષ 2015માં શ્રીલંકા સામે 7 મેચની સીરિઝમાં આઉટ થયો હતો. આ સિવાય ભારતનો સૂર્યકુમાર યાદવ પણ 3 મેચની વનડે સીરિઝમાં ડકઆઉટ થવાની હેટ્રિક લગાવી ચૂક્યો છે. તેણે વર્ષ 2023માં ઓસ્ટ્રેલિયા સામે 3 મેચની વનડે સીરિઝમાં આવું કારનામું કર્યું હતું.
અબ્દુલ્લાનો અનેક ફોર્મેટમાં ડકઆઉટનો રેકોર્ડ
અહીં તમને જણાવી દઈએ કે અબ્દુલ્લાએ T20 આંતરરાષ્ટ્રીયમાં પણ ડકઆઉટની હેટ્રિક લગાવી છે. એટલે જ તેને ક્રિકેટનો વાસ્તવિક ડકમેનની ઉપાધી આપવામાં આવી છે. અબ્દુલ્લાએ અત્યાર સુધીમાં 6 T20I મેચ રમી છે. જેમાં તે સતત 4 વખત શૂન્ય પર આઉટ થયો હતો. જેમાં 2 વખત ન્યૂઝીલેન્ડ અને 2 વખત અફઘાનિસ્તાન સામે તે ડકઆઉટ થયો હતો.