ટીમ ઈન્ડિયામાં અંદરોઅંદર ડખા, રોહિત શર્માને બહાર કરાશે?, જાણો ગંભીરે શું જવાબ આપ્યો
Gautam Gambhir Press Conference: ઓસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટમાં મળેલી હારથી ભારતીય ક્રિકેટ ટીમમાં ખળભળાટ મચ્યો છે. આ હાર બાદ ડ્રેસિંગ રૂમમાં વિવાદની અટકળો આવી હતી. તેમજ કેપ્ટન રોહિત શર્મા અને હેડ કોચ ગૌતમ ગંભીર વચ્ચે વિવાદ સર્જાયો હોવાના અહેવાલો મળ્યા હતા. જેના પર ગંભીરે હાલમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટતા આપી હતી.
ડ્રેસિંગ રૂમની વાતો બહાર ન જવી જોઈએ
ગૌતમ ગંભીરે પોતાના અને રોહિત વચ્ચે ડ્રેસિંગ રૂમમાં વિવાદ અંગે પૂછવામાં આવેલા સવાલનો જવાબ આપ્યો હતો કે, ‘ડ્રેસિંગ રૂમની વાતો બહાર આવવી જોઈએ નહીં. કોચ અને ખેલાડી વચ્ચેની ચર્ચા માત્ર ડ્રેસિંગ રૂમમાં જ રહેવી જોઈએ. આ માત્ર અહેવાલો છે, સત્ય નથી.’
મેચની રણનીતિની સિવાય કોઈ વાત નહીં
ગંભીરે એમ પણ કહ્યું કે “મેં સિનિયર બેટ્સમેન વિરાટ કોહલી અને કેપ્ટન રોહિત શર્મા સાથે ટેસ્ટ મેચ જીતવાની રણનીતિ સિવાય કોઈ વાત કરી નથી. દરેક ખેલાડીને ખબર છે કે તેણે ક્યાં સુધારો કરવો છે. અમે તેને માત્ર એક જ વાત કહી છે કે સિડની ટેસ્ટ મેચ કેવી રીતે જીતવી."
આ પણ વાંચોઃ કેપ્ટન રોહિત શર્મા સિડની ટેસ્ટમાંથી ડ્રોપ થશે? ગૌતમ ગંભીરના ગોળ-ગોળ જવાબે ચર્ચા જગાવી
આકાશ દીપને પીઠમાં ઈજા
ગંભીરે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ‘ઝડપી બોલર આકાશદીપની પીઠમાં ઈજા થઈ હોવાથી છેલ્લી ટેસ્ટ નહીં રમે.’ જો કે, આ દરમિયાન ગંભીરે એ ના જણાવ્યું કે તેની જગ્યાએ કોને તક મળશે.
પ્લેઈંગ ઈલેવનને મુદ્દે ગંભીરે કહ્યું કે ‘અમે પિચ જોઈને નિર્ણય લઈશું.’
રોહિત શર્મા ટીમમાંથી બહાર થશે કે નહીં...
પ્રેસ કોન્ફરન્સમાં રોહિત શર્મા વિશે સવાલ પૂછવામાં આવ્યો હતો કે ‘તમે સિડની ટેસ્ટ રમશો કે નહીં?’ આ અંગે કોચ ગંભીરે ગોળ ગોળ જવાબ આપ્યો હતો કે, ‘મેં પહેલાંથી જ કહ્યું છે કે અમે આવતીકાલે પીચનું પરીક્ષણ કરીશું અને પછી જ અમે પ્લેઇંગ ઇલેવન અંગે નિર્ણય આપીશું.’
આ પણ વાંચોઃ ટીમ ઈન્ડિયાને ઝટકો! 145 કિ.મી. કલાકની ગતિએ બોલિંગ કરતો સ્ટાર બોલર સિડની ટેસ્ટમાંથી બહાર
ભારતીય ટીમમાં તિરાડની અટકળો પર કોચ ગંભીરે કહ્યું કે ‘આ માત્ર અફવાઓ છે, તેમાં કોઈ સત્ય નથી અને મારે આવી અફવાઓનો જવાબ આપવાની કોઈ જરૂર નથી. અમે સાથે મળીને સફળતાની નવી ઊંચાઈઓ પર પહોંચવા માંગીએ છીએ.’