19 છગ્ગા સાથે 55 બોલમાં 165 રન ફટકાર્યા: T20માં LSGના બેટરે તોફાન મચાવ્યું

Updated: Aug 31st, 2024


Google NewsGoogle News
19 છગ્ગા સાથે 55 બોલમાં 165 રન ફટકાર્યા: T20માં LSGના બેટરે તોફાન મચાવ્યું 1 - image


Image Source: X

Ayush Badoni 165 Runs In DPL 2024: ભારતની ભૂમિ ખેલાડીઓથી ભરેલી છે. જ્યારે એક સંન્યાસ લઈ લે છે તો બીજો તેની જગ્યા લેવા તૈયાર જોવા મળે છે. એક તરફ ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા  T20 ફોર્મેટમાંથી સંન્યાસ લીધા બાદ ટેસ્ટ અને વન ડે પર ફોકસ કરી રહ્યા છે તો બીજી તરફ તેમનું સ્થાન લેવાની રેસમાં યુવા બેટ્સમેનો મેદાન પર પોતાને સાબિત કરવાના તમામ શક્ય પ્રયાસો કરી રહ્યા છે. તેમાંથી એક છે આયુષ બદોની. IPL 2024માં લખનઉ સુપર જાયન્ટ્સ ટીમમાં સામેલ રહેલા આ યુવા બેટ્સમેને દિલ્હી પ્રીમિયર લીગની પહેલી જ સિઝનમાં એ કરી બતાવ્યું જેનું દરેક લોકો સપનું જોતા હોય છે.

આયુષ બડોનીએ વિસ્ફોટક સદીમાં 19 છગ્ગા ફટકાર્યા

યુવા બેટ્સમેન આયુષ બડોનીએ દિલ્હી પ્રીમિયર લીગની એક મેચમાં વિસ્ફોટક બેટિંગ કરતા 19 છગ્ગા ફટકાર્યા અને 300ના સ્ટ્રાઈક રેટથી 165 રન બનાવી દીધા છે. આયુષ બદોનીએ દક્ષિણ દિલ્હી સુપરસ્ટાર માટે શાનદાર બેટિંગ કરી અને ઉત્તર દિલ્હી સ્ટ્રાઈકર્સ સામે માત્ર 55 બોલમાં જ 8 ચોગ્ગા અને 19 છગ્ગા ફટકાર્યા છે. કેપ્ટને T20 ક્રિકેટમાં કોઈપણ ફ્રેન્ચાઈઝી લીગમાં ભારતીય તરીકે સૌથી મોટી ઈનિંગ્સ રમી. ઓવરઓલ જોઈએ તો ક્રિસ ગેલ (175* RCB vs PW) અને એરોન ફિંચ (172 AUS vs ZIM) પછી આ ત્રીજી શ્રેષ્ઠ ઈનિંગ્સ છે.

308 રનનો વિશાળ સ્કોર બનાવ્યો

આયુષ સાથે આ મેચમાં ઓપનર પ્રિયાંશ આર્યાએ 50 બોલમાં 10 ચોગ્ગા અને 10 છગ્ગાની મદદથી 120 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેના નામે એક જ ઓવરમાં 6 છગ્ગા પણ સામેલ છે. આ રીતે દક્ષિણ દિલ્હી સુપરસ્ટાર્સે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 308 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. રસપ્રદ વાત એ છે કે, આ મેચ કોઈ નાના મેદાન પર નહીં પરંતુ અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી.

શું આયુષ બડોનીને લખનઉ સુપર જાયન્ટ્સ રિલીઝ કરશે......

મેચમાં આયુષે દરેક બોલરને ધોઈ નાખ્યા હતા. તેની વિસ્ફોટક બેટિંગનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે વિરોધી ટીમના એક બોલર સિવાય બધાએ 10થી વધુ ઈકોનોમીથી રન ખર્ચ્યા હતા. ત્રણ પાસે તો 15 થી વધુ હતા. આ વખતે IPL 2025 માટે મેગા ઓક્શન થવાનો છે. જો લખનઉ સુપર જાયન્ટ્સ તેને રિલીઝ કરશે તો તેમાં કોઈ શંકા નથી કે ફ્રેન્ચાઈઝીઓ તેના પર મોટો દાવ લગાવવાથી પાછળ નહીં હટશે.


Google NewsGoogle News