સિનસિનાટી માસ્ટર્સ : પાઉલેને હરાવીને યોકોવિચ સેમિ ફાઈનલમાં
- ફેડરરને હરાવનારો રૃબ્લોવ મેડ્વેડેવ સામે હાર્યો
- સેમિ ફાઈનલમાં હવે યોકોવિચ વિ. મેડ્વેડેવ
સિનસિનાટી, તા. ૧૭
સર્બિયાના વર્લ્ડ નંબર વન ટેનિસ સ્ટાર યોકોવિચે ફ્રાન્સના લુકાસ પાઉલેને ૭-૬ (૭-૨), ૬-૧થી હરાવીને સિનસિનાટી માસ્ટર્સની સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. યોકોવિચે એક કલાક અને ૨૬ મિનિટના સંઘર્ષ બાદ વિજય મેળવતા અંતિમ ચારમાં સ્થાન મેળવ્યું હતુ. સર્બિયન ટેનિસ સ્ટારે આ સાથે સતત પાંચમી ટુર્નામેન્ટમાં અંતિમ ચારમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતુ.
હવે સેમિ ફાઈનલમાં યોકોવિચની ટક્કર રશિયાના મેડ્વેડેવ સામે થશે. નવમો સીડ ધરાવતા રશિયાના મેડ્વેડેવે ફેડરરને હરાવનારા રશિયાના જ રૃબ્લોવને સીધા સેટોમાં ૬-૨, ૬-૩થી પરાસ્ત કરીને અંતિમ ચારમાં સ્થાન મેળવ્યું હતુ. નોંધપાત્ર છે કે, ગત સપ્તાહે મોન્ટ્રિયલમાં રમાયેલા રોજર્સ કપમાં આઠમો સીડ ધરાવતા મેડ્વેડેવ ફાઈનલ સુધીની સફર ખેડી હતી અને નડાલ સામે હારતા તે રનર્સ અપ બન્યો હતો. યોકોવિચ અને મેડ્વેડેવ વચ્ચે ચાર મુકાબલા ખેલાયા છે,જેમાંથી ૩ યોકોવિચ અને ૧ મેડ્વેડેવ જીત્યો છે.
સિનસિનાટી માસ્ટર્સની પ્રથમ સેમિ ફાઈનલમાં ફ્રાન્સના રિચાર્ડ ગાસ્કેટ અને બેલ્જિયમના ડેવિડ ગોફિન વચ્ચે મુકાબલો ખેલાશે. ગાસ્કેટે રશિયાના આગટને ૭-૬ (૭-૨), ૩-૬, ૬-૨થી પરાસ્ત કર્યો હતો. જ્યારે ગોફિન સામેની ક્વાર્ટર ફાઈનલ મેચમાંથી નિશિયોકા ઈજાગ્રસ્ત બનીને ખસી ગયો હતો.