સંન્યાસ લીધા બાદ દિગ્ગજ ખેલાડીનું ફરી 'કમબેક', IPLમાં મળી મોટી જવાબદારી
𝗗𝗶𝗻𝗲𝘀𝗵 𝗞𝗮𝗿𝘁𝗵𝗶𝗸 RCB 𝗕𝗮𝘁𝘁𝗶𝗻𝗴 𝗖𝗼𝗮𝗰𝗵 𝗮𝗻𝗱 𝗠𝗲𝗻𝘁𝗼r: દિનેશ કાર્તિક (DK)એ ક્રિકેટના દરેક ફોર્મેટની સાથે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માંથી સંન્યાસ લેવાની સત્તાવાર જાહેરાત 1 જૂનના રોજ કરી હતી. પરંતુ તેના 30 દિવસ બાદ જ DKને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં મોટી જવાબદારી મળી છે. તેમને આ મોટી જવાબદારી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ટીમમાં જ મળી છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે દિનેશ કાર્તિકને ટીમનો બેટિંગ કોચ અને મેન્ટર નિયુક્ત કર્યો છે. આ અંગે RCBએ એક સોશિયલ મીડિયા પોસ્ટ કરીને જાણકારી આપી છે.
RCBએ પોતાની પોસ્ટમાં લખ્યું કે, અમારા કીપરનું દરેક અર્થમાં સ્વાગત છે. દિનેશ કાર્તિક એક નવા અવતારમાં RCBમાં પાછા ફર્યા છે. DK RCB મેન્સ ટીમનો બેટિંગ કોચ અને મેન્ટર હશે. તમે આ વ્યક્તિને ક્રિકેટમાંથી બહાર કરી શકો છો પરંતુ વ્યક્તિમાંથી ક્રિકેટને નહી. તેમને ખૂબ પ્રેમ આપો, 12માં મેન આર્મી.
IPL 2024માં RCB ટીમના હેડ કોચ એન્ડી ફ્લાવર, બેટિંગ કોચ શ્રીધરન શ્રીરામ, બોલિંગ કોચ એડમ ગ્રિફિથ અને ફિલ્ડિંગ કોચ માલોલન રંગરાજન હતા.
વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે 1 જૂનના રોજ તેના 39માં જન્મદિવસ પર સંન્યાસની જાહેરાત કરી હતી. કાર્તિક તાજેતરની IPL સિઝનમાં RCB તરફથી રમતો જોવા મળ્યો હતો.
સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા સંન્યાસનું કર્યું હતું એલાન
કાર્તિકે સંન્યાસનું એલાન સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા કર્યું હતું. ત્યારે તેણે લખ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસોમાં મને જે સ્નેહ, સમર્થન અને પ્રેમ મળ્યો છે તેનાથી હું અભિભૂત છું. આ વસ્તુને શક્ય બનાવનારા તમામ ચાહકોનો હૃદયપૂર્વક આભાર માનું છું. લાંબા સમય સુધી આ અંગે વિચાર્યા બાદ મેં ક્રિકેટમાંથી હટવાનો નિર્ણય કર્યો છે. હું સત્તાવાર રીતે પોતાના સંન્યાસની જાહેરાત કરું છું. પોતાના ખેલના દિવસોને પાછળ છોડી આગળના નવા પડકારો માટે તૈયાર થઈ રહ્યો છું.
કાર્તિકે પોતાની પોસ્ટમાં પોતાના કોચ, કેપ્ટન અને સિલેક્ટર્સ, સપોર્ટ સ્ટાફના સભ્યોનો આભાર માન્યો હતો. બીજી તરફ પોતાના માતા-પિતાને પોતાની તાકાત ગણાવી હતી. પોતાની પત્ની દીપિકા પલ્લીકલનો પણ આભાર માન્યો હતો.
ધોની પહેલા કર્યું હતું ઈન્ટરનેશનલ ડેબ્યૂ
ધ્યાન આપવા જેવી બાબત છે કે, દિનેશ કાર્તિકનું ઈન્ટરનેશન ડેબ્યૂ ધોની કરતા પહેલા થયું હતું. દિનેશ કાર્તિકે નવેમ્બર 2004માં ઓસ્ટ્રેલિયા સામે પોતાનું ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. બીજી તરફ વન ડે ડેબ્યૂ 5 સપ્ટેમ્બર 2004ના રોજ ઈંગ્લેન્ડ સામે લોડ્સમાં કર્યું હતું. ડીકેએ ટી20 ડેબ્યૂ 1 ડિસેમ્બર 2006ના રોજ સાઉથ આફ્રિકા સામે જોહાનિસબર્ગમાં કર્યું હતું.
કાર્તિકનું IPL કરિયર
દિનેશ કાર્તિક IPLના શરૂઆતી સિઝનથી અત્યાર સુધી રમનાર ખેલાડીઓમાં સામેલ છે. તેણે 257 મેચોમાં 22 અડધી સદી ફટકારી 4,842 રન બનાવ્યા છે. કાર્તિક IPLના ઈતિહાસમાં ટોપ 10 રન બનાવનાર ખોલાડીઓમાં સામેલ છે. આ દરમિયાન કાર્તિકે 147 કેચ અને 37 સ્ટમ્પ પણ કર્યા છે.
દિનેશ કાર્તિકની IPL 2024ની સફર
કાર્તિકે ફરી એક વખત ફિનિશરની ભૂમિકા નિભાવતા IPL 2024ની 15 મેચોમાં 326 રન બનાવ્યા છે. કાર્તિકે પોતાના પ્રદર્શનથી ખુદને ટી20 વર્લ્ડ કપ ટીમમાં સ્થાન મેળવવાની રેસમાં પાછો લાવી દીધો હતો. ભારતના કેપ્ટન રોહિત શર્માએ અનુભવી વિકેટકીપર સાથે મેદાન પર રમૂજ કરતા કાર્તિકને એમ પણ કહ્યું હતું કે, ડીકે હજું વર્લ્ડ કપ રમવાનો છે. આ વીડિયો ખૂબ વાયરલ થયો હતો.