ભાઈ લોગ! મારાથી મોટી ભૂલ થઈ ...', ધોની અંગે 'લોચો' મારતાં ભારતીય દિગ્ગજે માફી માગી
Image: Twitter |
Dinesh Kartik apologises To Dhoni's Fans: ભૂતપૂર્વ વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે તાજેતરમાં તેની મનપસંદ ઓલ ટાઈમ ઈન્ડિયા પ્લેઈંગ ઈલેવનની પસંદગી જાહેર કરી હતી. જેમાં પાંચ વર્તમાન ક્રિકેટરોને ટીમમાં સામેલ કર્યા હતાં, પરંતુ ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનો સમાવેશ કર્યો ન હતો. અનુભવી વિકેટ-કીપર બેટ્સમેન દ્વારા ધોનીને ઓલ ટાઈમ પ્લેઈંગ ઈલેવનમાંથી બાકાત રાખવામાં આવતા ક્રિકેટ ચાહકો ચોંકી ગયા હતા અને કાર્તિકની આકરી ટીકા કરી હતી. જોકે, 39 વર્ષીય કાર્તિકે હવે પોતાની ભૂલ સુધારી છે અને ધોનીને પસંદ ન કરવા બદલ ચાહકોની માફી માંગી છે. તેણે કહ્યું કે આમ કરવું મારી મોટી ભૂલ હતી.
'ભાઈઓ, મોટી ભૂલ થઈ ગઈ છે'
કાર્તિકે યુઝર્સના સવાલોના જવાબ આપતા પોતાની ભૂલ સ્વીકારી હતી. તેણે કહ્યું, “ભાઈ લોગ, મેં બહુ મોટી ભૂલ કરી છે. ખરેખર તે એક મોટી ભૂલ હતી. વીડિયો સામે આવ્યા બાદ મને આ વાતની જાણ થઈ. જ્યારે મેં આ 11 ખેલાડીઓની પસંદગી કરી ત્યારે તેની સાથે અન્ય ઘણી વસ્તુઓ થઈ રહી હતી. ખબર નહીં હું કેમ વિકેટકીપર (ધોની)ને ભૂલી ગયો હતો. સદભાગ્યે, રાહુલ દ્રવિડ ટીમ 11નો ભાગ હતો તેથી બધાએ વિચાર્યું કે મેં પાર્ટ-ટાઇમ વિકેટકીપર રાખ્યો છે. પરંતુ મેં ખરેખર રાહુલ દ્રવિડને વિકેટકીપર તરીકે વિચાર્યો પણ ન હતો.'' ધોની ચોક્કસપણે ટીમ-11નો ભાગ છે અને કેપ્ટનશિપ પણ તેની પાસે જ રહેશે.
'ધોની મહાન ક્રિકેટરોમાંથી એક'
મે 2024માં ક્રિકેટમાંથી રિટાયર થનાર કાર્તિકે કહ્યું કે, “શું તમે તેના પર વિશ્વાસ કરી શકો છો? વિકેટકીપર હોવાના કારણે હું વિકેટકીપર ઉમેરવાનું ભૂલી ગયો હતો. આ એક મોટી ભૂલ છે. આટલી મોટી ભૂલ ન થવી જોઈએ. આ મારા માટે ખૂબ જ સ્પષ્ટ છે. થાલા ધોની કોઈપણ ફોર્મેટ માટે સંપૂર્ણપણે ફિટ છે.'' કાર્તિકે દાવો કર્યો કે, ''હું માનું છું કે ધોની માત્ર એક ભારતીય ખેલાડી નથી, પરંતુ તે ક્રિકેટના મહાન ખેલાડીઓ પૈકી એક છે. હું વાસ્તવમાં તેનુ સન્માન કરુ છું."
'ધોની ટીમમાં 7માં નંબરે હશે'
"જો હું ફરીથી ટીમ બનાવીશ તો ચોક્કસ એક ફેરફાર કરીશ. થલા ધોની 7માં નંબર પર હશે અને તે કોઈપણ ભારતીય ટીમનો કેપ્ટન હશે. તેમાં કોઈ શંકા નથી." તમને જણાવી દઈએ કે કાર્તિકે પોતાની ઓલ ટાઈમ ઈન્ડિયા ઈલેવનમાં ઓપનર તરીકે રોહિત શર્મા અને વીરેન્દ્ર સેહવાગની પસંદગી કરી હતી. તેણે રાહુલ દ્રવિડને ત્રીજા સ્થાને અને મહાન બેટ્સમેન સચિન તેંડુલકરને ચોથા સ્થાને રાખ્યો હતો. તેના પછી વિરાટ કોહલી હતો. યુવરાજ સિંહ અને રવિન્દ્ર જાડેજાને ઓલરાઉન્ડર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આ પછી બે સ્પિનર રવિચંદ્રન અશ્વિન અને અનિલ કુંબલે અને બે ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ અને ઝહીર ખાન હતા.