39 વર્ષીય દિનેશ કાર્તિકની ક્રિકેટમાંથી અલવિદા, જન્મદિવસ પર લખી ઈમોશનલ પોસ્ટ
Image Twitter |
Dinesh Karthik Announces Retirement : સ્ટાર ક્રિકેટર દિનેશ કાર્તિકે અચાનક ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. વિકેટકીપર બેટર કાર્તિકે તેના 1 જૂન (શનિવાર)ના રોજ તેના 39માં જન્મદિવસે નિવૃત્તિ લેવાની જાહેરાત કરી. હાલમાં જ કાર્તિક IPL સિઝનમાં RCB માટે રમતો જોવા મળ્યો હતો. કાર્તિકે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેની બે દાયકાથી વધુ લાંબી ક્રિકેટ કારકિર્દીને યાદ કરી છે.
હું સત્તાવાર રીતે મારી નિવૃતિની જાહેરાત કરુ છું: કાર્તિક
કાર્તિકે X પર લખ્યું હતું કે, 'છેલ્લા કેટલાક દિવસોમાં મને જે સ્નેહ, સમર્થન અને પ્રેમ મળ્યો છે, તેનાથી હું અભિભૂત છું. મને આટલો સ્નેહ, પ્રેમ આપવા માટે મારા તમામ ચાહકોની હું હૃદયપૂર્વક આભાર માનું છું. ઘણા લાંબા સમયથી તેના વિશે વિચાર્યા બાદ આજે મેં ક્રિકેટમાંથી દૂર જવાનો નિર્ણય કર્યો છે. હું સત્તાવાર રીતે મારી નિવૃતિની જાહેરાત કરુ છું. મારા રમવાના દિવસો પાછળ છોડીને આગળ આવનારા નવા પડકારો માટે તૈયાર થઈ રહ્યો છું.'
It's official 💖
— DK (@DineshKarthik) June 1, 2024
Thanks
DK 🙏🏽 pic.twitter.com/NGVnxAJMQ3
હું મારી જાતને ભાગ્યશાળી લોકોમાંથી એક માનું છું: કાર્તિક
કાર્તિકે કહ્યું કે, 'હું મારા કોચ, કેપ્ટન, પસંદગીકારો, સાથી ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ સભ્યોનો આભાર માનું છું. જેમણે આટલા લાંબા સમયની મારી લાંબી યાત્રાને સુખદ અને આનંદપ્રદ બનાવી છે. હું મારી જાતને ભાગ્યશાળી લોકોમાંથી એક માનું છું, જેને દેશનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી. તેમજ મોટી સંખ્યામાં ચાહકો અને મિત્રોની શુભકામનાઓ મેળવવા માટે હું વધુ ભાગ્યશાળી છું.
મારા માતા-પિતા મારી તાકાત અને સમર્થનના આધાર સ્તંભ
કાર્તિક આગળ વધુ લખતા કહે છે કે, 'આટલા વર્ષોમાં મારા માતા-પિતા મારી તાકાત અને સમર્થનના આધાર સ્તંભ રહ્યા છે, તેમના આશીર્વાદ વગર હું કાંઈ જ નથી. હું મારી પત્ની દીપિકાનો પણ ખૂબ આભારી છું, જે પોતે એક પણ એક વ્યાવસાયિક ખેલાડી છે. આપણી આ મહાન રમતમાં દરેક ચાહકોનો ખૂબ ખૂબ આભાર. તમારા સમર્થન અને શુભકામનાઓ વગર ક્રિકેટ અને ક્રિકેટરોનું કોઈ અસ્તિત્વ નથી હોતું.