કોહલીએ શીખવું હોય તો ફરી ડોમેસ્ટિક ક્રિકેટમાં રમવું જોઈએ: વિરાટના ખાસ મિત્રએ જ આપી આવી સલાહ
Dinesh Karthik advised Virat Kohli : ન્યૂઝીલેન્ડ સામે 3 ટેસ્ટ મેચની સીરિઝમાં મળેલી હાર બાદ ભારતના ઘણાં સ્ટાર ખેલાડીઓ ટીકાકારોની સાથે પૂર્વ ક્રિકેટરોઓ પણ નિશાના સાધી રહ્યા છે. ખાસ કરીને સ્ટાર ખેલાડી વિરાટ કોહલી અને રોહિત શર્માનું ફોર્મ બધા માટે ચિંતાનું કારણ બની રહ્યું છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)માં લાંબા સમય સુધી વિરાટ સાથે રમનાર દિનેશ કાર્તિકે કોહલી વિશે મોટી મોટી વાતો કહી છે. તેનું માનવું છે કે કોહલીએ ફોર્મ પાછું મેળવવા માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમવું જોઈએ.
તો તેમની યોજના શું છે?
એક ઈન્ટરવ્યૂમાં દિનેશ કાર્તિકે કહ્યું કે, 'વિરાટ કોહલી માટે આ સરળ નથી રહ્યું. આ સીરિઝ તેના માટે સારી નથી હતી. ચારમાંથી ત્રણ ઇનિંગ્સમાં તે નિરાશ થયો હતો. આ એક વાંરવાર થતી પેટર્ન છે. જ્યાં સ્પિનરોએ તેને પરેશાન કર્યો હતો અને મને લાગે છે કે તે પાછો જશે અને સમજશે કે તેને મજબૂત બનવા માટે શું કરવાની જરૂર છે. તે એક માણસ છે જે જવાબો શોધે છે. જ્યારે તમે પ્રતિભા અને સુપરસ્ટારડમના સ્તરે પહોંચો છો ત્યારે તમારે પડકારોનો સામનો કરવો પદે છે. ભારતને સ્પિન-ફ્રેન્ડલી પિચો પર રમવાનું પસંદ છે, તો તેમની યોજના શું છે?'
તેણે કદાચ ડોમેસ્ટિક ક્રિકેટમાં પાછા ફરવું જોઈએ
કાર્તિકે વધુમાં કહ્યું કે, 'આપણે બધા જાણીએ છીએ કે કોહલી શું કરી શકે છે. વિરાટ કોહલીનો છેલ્લા 2-3 વર્ષમાં ટેસ્ટ રેકોર્ડ ખાસ કરીને સ્પિન સામે સારો રહ્યો નથી. તેણે કદાચ ડોમેસ્ટિક ક્રિકેટમાં પાછા ફરવું જોઈએ અને વર્તમાન DRS નિયમો સાથે શું કરવાની જરૂર છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તેમાં કોઈ શંકા નથી કે લેફ્ટ આર્મ સ્પિનર તેના માટે એક મોટો ખતરો છે.'
વિરાટ કોહલીનો સ્પીન બોલર સામેનો રેકોર્ડ ચિંતાજનક
પૂણેમાં ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી બીજી ટેસ્ટમાં કોહલીનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. બંને ઇનિંગમાં તે લેફ્ટ આર્મ સ્પિનર મિચેલ સેન્ટનરનો શિકાર બન્યો હતો. અને 1 અને 17 રન બનાવીને આઉટ થઇ ગયો હતો. ભારતને 12 વર્ષ બાદ ઘરઆંગણે સીરિઝમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
વિરાટ કોહલીનો સ્પીન બોલર સામેનો રેકોર્ડ ચિંતાજનક રહ્યો છે. વર્ષ 2021 પછી 50 ઇનિંગ્સમાં કોહલી સ્પીન સામે 24 વખત આઉટ થયો હતો. અને જેમાં તેની સરેરાશ ૩૩.38 રહી હતી. તેણે છેલ્લે જુલાઈ 2023માં ટેસ્ટમાં સદી ફટકારી હતી.