IND vs ENG : જુરેલે લડાયક બેટિંગથી અંગ્રેજોને હંફાવ્યા, પોતાની બીજી ટેસ્ટમાં જ સદી ચૂક્યો
ભારતીય ટીમ 307 રનના સ્કોર પર સમેટાઈ
Image:Twitter |
Dhruv Jurel : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરિઝની ચોથી મેચ રાંચીમાં રમાઈ રહી છે. આ મેચના ત્રીજા દિવસે ભારતની પ્રથમ ઇનિંગ દરમિયાન ધ્રુવ જુરેલ તેના આંતરરાષ્ટ્રીય ટેસ્ટ કરિયરની પ્રથમ સદી ચૂકી ગયો હતો. ધ્રુવે કુલદીપ સાથે મળીને આઠમી વિકેટ માટે 76 રનની ભાગીદારી કરી હતી, જે રાંચીમાં 8મી વિકેટ માટે સૌથી મોટી ભાગીદારીનો રેકોર્ડ છે. ધ્રુવે જે રીતે બેટિંગ કરી છે તેણે કેપ્ટન રોહિત શર્માનું પણ દિલ જીતી લીધું છે.
The fifty appreciation from the captain Rohit Sharma for Dhruv Jurel. pic.twitter.com/nMyBmqeP6j
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 25, 2024
રોહિત કરી જુરેલની પ્રશંસા
ધ્રુવે જ્યારે ફિફ્ટી ફટકારી ત્યારે રોહિત શર્મા ખૂબ જ ખુશ દેખાતો હતો અને તેણે જુરેલની ઇનિંગની પ્રશંસા કરી હતી અને તાળીઓ પાડીને પ્રતિક્રિયા આપી હતી. રોહિતે જે રીતે પ્રતિક્રિયા આપી છે તેણે ચાહકોનું દિલ જીતી લીધું છે. ફેન્સ કેપ્ટન રોહિતના ખૂબ વખાણ કરી રહ્યા છે. ઈંગ્લેન્ડ સામેની આ ટેસ્ટ સીરિઝમાં પ્રથમ વખત ભારતના વિકેટકીપરે ફિફ્ટી ફટકારી કમાલ કરી છે.
ભારત 307 રન પર ઓલ આઉટ
ચોથી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ભારત 307 રનના સ્કોર પર ઓલ આઉટ થઇ ગયું છે. ધ્રુવ જુરેલે 149 બોલમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 90 રનની શાનદાર ઇનિંગ રમી હતી. ઈંગ્લેન્ડના શોએબ બશીરે 5 વિકેટ લીધી છે. જણાવી દઈએ કે ઈંગ્લેન્ડે પ્રથમ ઇનિંગમાં 353 રન બનાવ્યા છે. પરંતુ પ્રથમ ઇનિંગમાં ભારતની બેટિંગ સારી રહી ન હતી, જેના કારણે જ્યારે બીજા દિવસની રમત સમાપ્ત થઈ ત્યારે ભારતીય ટીમે 7 વિકેટે 219 રન બનાવી લીધા હતા. ભારત હાલમાં ઈંગ્લેન્ડથી 46 રન પાછળ છે.