ક્રિકેટમાં ધોની મારા પિતા સમાન કારણ કે...: CSKના આ સ્ટાર ખેલાડીનો ભાવુક સંદેશ
Image: Facebook
Matheesha Pathirana: શ્રીલંકા અને ચેન્નઈ સુપર કિંગ્સના ઝડપી બોલર મથીશા પથિરાનાએ દિગ્ગજ વિકેટકીપર બેટ્સમેન એમએસ ધોનીના વખાણ કર્યા છે. તેણે સીએસકેના પૂર્વ કેપ્ટન ધોનીને પોતાના પિતા સમાન ગણાવ્યો છે. પથિરાના 2022થી સીએસકેનો ભાગ છે. 21 વર્ષીય પથિરાનાને બેબી મલિંગા કહેવામાં આવે છે કેમ કે તેની એક્શન પૂર્વ પેસર લસિથ મલિંગા સાથે ખૂબ મળે છે. ધોનીએ એક વાયરલ વીડિયો જોયા બાદ પથિરાનાની ટેલેન્ટ ઓળખી હતી અને સીએસકેમાં સામેલ કરવાનો નિર્ણય કર્યો. પથિરાનાએ જૂન 2023માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ. તે શ્રીલંકા માટે 12 વનડે અને 12 ટી20 રમી ચૂક્યો છે.
સીએસકેની વેબસાઈટ અનુસાર પથિરાનાએ કહ્યુ, 'મારા પિતા બાદ મારી ક્રિકેટિંગ લાઈફમાં મોટાભાગે તેઓ જ મારા પિતાની ભૂમિકા નિભાવી રહ્યા છે. તેઓ હંમેશા મારુ ધ્યાન રાખે છે અને મને સલાહ આપે છે કે શું કરવાનું છે. તેમનુ મારા પિતાના જેવુ જ વર્તન હોય છે. મને લાગે છે કે આ પૂરતુ છે.' પથિરાનાએ ધોની દ્વારા માર્ગદર્શન કરવા પર કહ્યુ, 'જ્યારે હુ મેદાન કે મેદાનની બહાર હોવ છુ તો તે મને ઘણી બાબતો જણાવતા નથી. તેઓ બસ નાની-નાની બાબતો જણાવે છે પરંતુ તેનાથી ઘણો ફરક પડે છે અને તેનાથી મને આત્મવિશ્વાસ મળે છે. આ નાની-નાની બાબતો મહત્વની હોય છે'.
પથિરાના અગાઉ પણ ધોનીના વખાણ કરી ચૂક્યો છે. તેણે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યુ હતુ કે હુ ધોની પાસેથી ઘણુ શીખ્યો છુ. સૌથી પહેલી બાબત છે વિનમ્રતા અને આ કારણ છે કે ધોની ખૂબ સફળ છે. જ્યારે હુ IPLમાં આવ્યો ત્યારે બાળક સમાન હતો અને કોઈ મને ઓળખતુ નહોતુ. તેમણે મને તૈયાર કર્યો અને ઘણી બાબતો શીખવાડી. હવે મને ખબર છે કે કોઈ પણ ટી20 મેચમાં કેવુ પરફોર્મ કરવાનુ છે અને મેચમાં પોતાની ચાર ઓવરને કેવી રીતે બેલેન્સ કરવાની છે. ધોનીએ મને કહ્યુ કે જો હુ પોતાના શરીરને ઈજાથી દૂર રાખુ તો હુ ટીમ અને દેશ માટે ઘણુ મેળવી શકુ છુ. પથિરાનાએ આઈપીએલ 2024માં અત્યાર સુધી 6 મેચમાં 13 વિકેટ લીધી છે.